લોકો આવું જ કરતા રહેશે તો ગુજરાતને કોઈ નહીં બચાવી શકે

PC: youtube.com

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં 5 મેના રોજ 13,050 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને 131 લોકોના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 4,393 અને સુરતમાં 1,214 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. પોઝિટિવ કેસો વધતા હોવા છતાં પણ હજુ પણ કેટલીક જગ્યાઓ પર લોકોને કોરોનાનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આવો જ કિસ્સો સાણંદ તાલુકામાં સામે આવ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી સાણંદમાં પણ કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે પરંતુ સાણંદ તાલુકામાં આવેલા નવાપુરા અને નિધરાડ ગામમાં લોકોને જાણે કોરોનાનો ડર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.

ગામ લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, આ ગામના લોકોએ કોરોનાના પ્રભાવથી બચવા માટે ગામમાં આવેલા બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાની બાધા રાખી હતી અને આજ કારણે લોકોએ બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવા માટે DJના તાલે વરઘોડો કાઢ્યો હતો. આ વરઘોડામાં મોટી સંખ્યામાં મહિલા અને ગામના લોકો એકઠા થયા હતા. જો કે ધાર્મિક કાર્યક્રમ બાબતે પોલીસની કોઈ પણ મંજૂરી લેવામાં આવી ન હતી અને જ્યારે આ વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે ચાંગોદર પોલીસ તાત્કાલિક નવાપુરા ગામમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ ધાર્મિક પ્રસંગનો આયોજન કૌશિક પટેલ, ધર્મેન્દ્ર વાઘેલા, દશરથ ઠાકોર અને કિશન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી પોલીસે આ લોકો સામે ટોળા ભેગા કરીને સરકારની ગાઇડલાઇનનો ભંગ કરવા બાબતેનો ગુનો નોંધ્યો છે અને પોલીસે DJ લઈને આવનારા મહેશ ઠાકોર નામના ઈસમ સામે પણ ગુનો નોંધ્યો છે.

નવાપુરા અને નિધરાડ ગામમાં લોકો જે સમયે બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવા માટે જતા હતા તે સમયે મોટાભાગની મહિલાઓએ માસ્ક પહેર્યું ન હતું અને આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સામાજિક અંતરના નિયમોના પણ ધજાગરા થયા હતા. ધાર્મિક કાર્યક્રમમાં આ પ્રકારે લોકોની ભીડ ઉમટી પડતા કોરોના સંક્રમણ વધવાનો ભય રહે છે. જો આ ભીડમાં એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આ સમગ્ર મામલે સાણંદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp