સુરતની સિવિલ હોસ્પિટલની તમામ OPD બંધ, આ લોકોને કામ વગર સુરત ન આવવા તંત્રની અપીલ

PC: youtube.com

સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે બનતા તમામ પ્રયાસો સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોરોનાના પોઝિટિવ કેસો પ્રતિદિન 800 કરતાં પણ વધુ સુરતમાં સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા પણ સુરતની મુલાકાત લેવામાં આવી હતી. તો બીજી તરફ કેન્દ્ર સરકારની ટીમ સુરત આવી પહોંચી છે અને કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓની સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલ પણ બેડ ફૂલ થઈ ગયા છે. તેથી કિડની હોસ્પિટલમાં વધારાના બેડ ઉભા કરવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સોનગઢ, વ્યારા, માંડવી, બારડોલી, નવસારી, ગણદેવી, બીલીમોરા, અમલસાડ અને ચીખલીના મોટાભાગના લોકો રોજગાર મેળવવા માટે સુરતમાં આવે છે. આ લોકોએ તંત્ર દ્વારા જરૂરિયાત હોય તો સુરતમાં આવવા માટે જણાવ્યુ છે. પરંતુ હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા સિવિલ હોસ્પિટલની તમામ OPD બંધ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો ઈમરજન્સી સારવારની જરૂર હોય તો જ આવવું. સુરતની ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, સુરત શહેર અને સુરત જિલ્લા સાથે તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાંથી સુરત તરફ આવતા લોકોને ઇમરજન્સી કામ વગર આવવાનું ટાળે. જેથી કોરોનાનું સંક્રમણ અંકુશમાં લાવી શકાય. સુરતમાં આવતા લોકો જો પહેલાથી જ કોરોના સંક્રમિત હોય તો મોટું સંકટ ઊભું થઈ શકે છે અને આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઇમરજન્સી કામ હોય તો સુરતમાં આવવા વિનંતી કરવામાં આવી છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરોની રજૂઆત હતી કે, OPDમાં કામનું ભારણ સતત વધી રહ્યું છે અને તેના કારણે દર્દીઓને સારવાર આપવી ખૂબ જ મુશ્કેલ થઇ રહી છે. કોરોના દર્દીઓની સારવારમાં મોટાભાગનો હોસ્પિટલનો સ્ટાફ કામે લાગ્યો છે જેના કારણે OPDમાં આવતા દર્દીઓની સારવારમાં મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને આ જ કારણે કામનું ભારણ સતત વધી રહ્યું છે. તેથી હવે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા તમામ OPD બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં માત્ર કોરોનાની OPD શરૂ છે અને સુરતની કિડની હોસ્પિટલમાં જે કોરોના OPD શરૂ કરવામાં આવી છે તેમાં ફરજ બજાવવા માટે વલસાડથી 16 જેટલા રેસિડન્ટ તબીબને બોલાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp