26th January selfie contest

પોરબંદર ખાતે ભાઇશ્રીએ કોરોના દર્દીઓની સેવા માટે કરી અગત્યની જાહેરાત

PC: Khabarchhe.com

વર્તમાન સમયમાં કોરોના મહામારીની બીજી લહેર જ્યારે પોતાના નવા સ્વરૂપ સાથે વિશ્વના અનેક દેશોને પ્રભાવિત કરી રહી છે, ત્યારે ભારતમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પણ એની વ્યાપક અસર જોવા મળી રહી છે. આ મહામારીના સમયમાં પોરબંદર ખાતે શરૂઆતી જ રાષ્ટ્રીય સંત ભાઇશ્રી સતત ચિંતિત છે. હાલમાં જ્યારે પોરબંદરમાં પણ સતત કોરોના કેસોનો વધારો થઈ રહ્યો છે, ત્યારે ભાઇશ્રીએ પોરબંદરના સૌ અધિકારીઓને અને હોસ્પિટલના સત્તાધીશોને સાંદીપનિ દ્વારા જે કઈ મદદની જરૂર હોય તે પૂરી પાડવા જણાવેલ હતું.

આ સંદર્ભે થોડા થોડા દિવસો પહેલા પૂજ્ય ભાઇશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટર, ડી.ડી.ઓ, સિવિલ સર્જન, સિનિયર મોસ્ટ ફિજીશ્યન ડો. સુરેશ ગાંધી, પૂર્વ સી.એમ.ઓ. ડો. ભરત ગઢવી વગેરે સાથે પોરબંદર અને મુંબઈ સાથે હરહંમેશ જોડાયેલા સાંદીપનિના સમર્પિત એવા તુષાર જાની અને સુરતના ડી.એચ.ગોયાણી સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરી સાંદીપનિ સંસ્થા દ્વારા લોકો માટે આ કઠિન સમયે કઈ સેવા થઈ શકે એ અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

કોવિડ મહામારીમાં ખુબજ અગત્યની એવી સેવાઓ ભાઇશ્રીની પ્રેરણાથી અને સાંદીપનિ સ્થિત શ્રીહરિ મંદિરના પ્રભુપ્રસાદ સ્વરૂપે આકાર લઈ રહી છે. એ અંગે ખુબજ સત્વરે કામ થાય અને જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળે તે માટે ભાઇશ્રી દિવસમાં પણ સતત ફોલોઅપ લેતા રહે છે. આ સેવાઓમાં મુખ્યત્વે ભાવસિંહજી (સિવિલ) હોસ્પિટલ ખાતે એક 20,000 લિટરની ક્ષમતાવાળી ટેન્ક કાયમી ધોરણે ઉપયોગી થાય તે હેતુથી પ્રસ્થાપિત કરવામાં આવશે અને એ ટેન્ક દ્વારા સમગ્ર હોસ્પિટલમાં ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓના બેડ સુધી તે ઓક્સિજન પહોંચે તે માટેની કોપર પાઇપલાઇન, વાલ્વ વગેરેનું વ્યવસ્થિત પ્લાનિંગ કરીને તેનું કામ શરૂ કરવામાં આવેલ છે. લગભગ 45 થી 50 લાખના ખર્ચે આ સેવા થઈ રહી છે.

આ સિવાય ભાઇશ્રીની પ્રેરણાથી દેશ-વિદેશ સ્થિત શ્રીહરિના સેવકો પણ આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે તૈયાર છે. તેઓ દ્વારા 1000 હ્યુમીડિફાયર વિથ ફ્લોમીટર (રેગુલેટર) અને 20 જેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર (જેમાં એકની કિંમત આશરે 60 થી 70 હજાર રૂપિયા છે) મંગાવવામાં આવ્યા છે. જે વહેલી તકે પોરબંદર આવી રહ્યા છે. આ ઓક્સિજન કન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલ અને જ્યાં ઓક્સીજનની જરૂર પડશે ત્યાં પહોચાડવામાં આવશે.

આ સિવાય ગત વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે સ્વૈચ્છિક લોકડાઉન કે રાત્રિ કર્ફ્યુના કારણે લોકોના રોજગાર પર એની ઘણી અસર જોવા મળી રહી છે, ત્યારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા ભાઇશ્રીની પ્રેરણાથી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 20 કિ.ગ્રા. રાશનકીટનું વિતરણ કરવામાં આવશે. જેમાં ઘઉં, ચોખા, મગદાળ, ખાંડ, તેલ, ચણા, ચા પત્તી, ધાણાજીરું, ચટણી, હળદર, રાય, જીરું અને નમક સહિતની વસ્તુઓની શ્રીહરિ મંદિરના પ્રસાદ સ્વરૂપે કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય એ છે કે, ગત વર્ષે કોરોના મહામારીનાના લીધે લોકડાઉનના સમયમાં પણ ભાઇશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં તબક્કાનુસાર જરૂરિયાતમંદ લોકોને 30 થી 35 લાખ રકમની રાશનકીટનું શ્રીહરિ મંદિરના પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. ભાઇશ્રીની પ્રેરણાથી સાંદીપનિ સંસ્થા દ્વારા આ બધી જ અગત્યની સેવાઓ મળીને કુલ 1 કરોડ જેટલી રકમની સાધન-સામગ્રી આ મહામારીના સમયમાં માનવસેવાના યજ્ઞમાં આહુતિ સ્વરૂપે આપવામાં આવશે. આમ પોરબંદર સ્થિત શ્રીહરિ મંદિરની કૃપા અને  ભાઇશ્રીના પ્રયાસોથી પોરબંદર અને આસપાસના લોકો માટે ખુબજ રાહત રૂપ આ સેવાઓ બની રહેશે. ભાઇશ્રી હમેંશા એવું સૂચન કરતાં હોય છે કે છેવાડાના અત્યંત જરૂરિયાતમંદ લોકો સુધી આ તમામ સેવાઓ સુચારુરૂપે પહોંચે તે સુનિશ્ચિત થવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp