11 એપ્રિલથી તમારી ઓફિસ પર લાગશે વેક્સીન, જાણી લો 12 સવાલના જવાબ

PC: puthiyathalaimurai.com

કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2021ના રોજથી 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વિરોધી રસી આપવા માટે તેનો વ્યાપ વધારીને, આ વયજૂથના નાગરિકો માટે આ કવાયતને વધુ સરળ બનાવવાની સાથે સાથે વેક્સીનેશન કવરેજને વ્યાપક બનાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ વયજૂથના લોકો અર્થતંત્રમાં સંગઠિત ક્ષેત્રોમાં નોંધનીય હિસ્સો ધરાવે છે અને તેઓ ઓફિસો (સરકારી અથવા ખાનગી) અથવા વિનિર્માણ અને સેવા વગેરેમાં ઔપચારિક રોજગારીમાં જોડાયેલા હોય છે.

આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લેખિતમાં જણાવ્યું છે કે, કોરોના વેક્સીનેશનના સત્રોનું હવે કાર્યસ્થળ (ખાનગી અને જાહેર બંને) પર થઇ શકશે જ્યાં અંદાજે 100 જેટલા પાત્રતા ધરાવતા કર્મચારીઓ હોય અને તેઓ વેક્સીનેશનનો લાભ લેવા ઇચ્છુક હોય તો હાલના કોવિડ વેક્સીનેશન કેન્દ્ર (CVC) પર આવા કાર્યસ્થળોનું ટેગિંગ કરીને વેક્સીનેશન સત્રનું આયોજન થઇ શકશે. આ પહેલમાં રાજ્યોને સહકાર આપવા માટે, માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે અને કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તે મોકલી આપવામાં આવી છે. આ માર્ગદર્શિકાઓ રાજ્યો અને જિલ્લા કાર્યક્રમ વ્યવસ્થાપકોને જરૂરી માહિતી સાથે મદદરૂપ થશે અને કાર્યસ્થળ (જાહેર અને ખાનગી બંને) પર વેક્સીનેશન સત્રોનું આયોજન કરવા માટે તેમને માર્ગદર્શન આપશે. આવા કાર્યસ્થળના વેક્સીનેશન કેન્દ્રની શરૂઆત તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11 એપ્રિલ 2021થી થઇ શકે છે.

વધુમાં રાજ્યોને, ખાનગી/ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ સાથે આ અંગે યોગ્ય વિચારવિમર્શ કરવાની અને કાર્યસ્થળે વેક્સીનેશન શરૂ કરવા માટે તૈયારીઓ કરવાની સલાહ આપવામાં આવી છે. ભારતની કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસનો સાથે સતત પરામર્શ ચાલી રહ્યો છે અને વેક્સીનેશન કવાયત વધુ વ્યવહારિક બની શકે અને લાભાર્થીઓ માટે વધુ સ્વીકાર્ય અને ઉદ્દેશપૂર્ણ બને તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે.

દિશાનિર્દેશો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

પૃષ્ઠભૂમિ:

કોરોનાના રસી સંચાલન માટે રાષ્ટ્રીય નિષ્ણાત સમૂહ (NEGVAC) દ્વારા કરવામાં આવેલી ભલામણ અનુસાર, કોરોનાના વેક્સીનેશન માટે 1 એપ્રિલ 2021થી પ્રાથમિકતા સમૂહનો વ્યાપ વધારીને તેમાં 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ સામાન્ય લોકોને સમાવી લેવામાં આવ્યા છે.

45થી 59 વર્ષ (કેટલાક કિસ્સામાં 65 વર્ષ સુધી) વચ્ચેની વસ્તીના નોંધપાત્ર પ્રમાણમાં લોકો અથતંત્રમાં સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ ઓફિસો (સરકારી અને ખાનગી), વિનિર્માણ અને સેવાઓ વગેરેમાં ઔપચારિક રોજગારી સાથે સંકળાયેલા છે.

કોરોના વેક્સીનેશનના સત્રોનું આયોજન 100 જેટલા પાત્રતા ધરાવતા અને કોરોના વેક્સીનેશનનો લાભ લેવા માંગતા (વેક્સીનના ડોઝની મહત્તમ ઉપયોગિતાની સુવિધા આપવા અને બગાડ ઘટાડવા માટે) લાભાર્થીઓ સાથેના કાર્યસ્થળે થઇ શકે છે. કાર્યસ્થળે વેક્સીનેશનનું આયોજન કરવાથી કાર્યસ્થળે સ્ટાફને અનુકૂળતા રહેવાની સાથે સાથે કર્મચારીઓની મુસાફરી ટાળી શકાશે અને તેના કારણે કોરોના વાયરસને વધુ લોકોના સંપર્કમાં આવતો ટાળી શકાશે.

કોરોના વેક્સીનેશન માટે કાર્યસ્થળની ઓળખ:

જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા ટાસ્ક ફોર્સ (DTF) અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં શહેરી ટાસ્ક ફોર્સ (UTF) દ્વારા સંબંધિત કર્મચારીઓ અને/ અથવા ઓફિસના વડા સાથે જરૂરી ચર્ચા કર્યા પછી આવા સરકારી અને ખાનગી કાર્યસ્થળોની ઓળખ કરવામાં આવશે.

કાર્યસ્થળના મેનેજમેન્ટ દ્વારા તેમના કાર્યસ્થળના એક વરિષ્ઠ સ્ટાફ સભ્યને જિલ્લા આરોગ્ય સત્તાધીશો / ખાનગી કોવિડ વેક્સીનેશન કેન્દ્રો (CVCs) સાથે સંકલન કરવા માટે અને સહાયક વેક્સીનેશન પ્રવૃત્તિઓમાં મદદરૂપ થવા માટે “નોડલ અધિકારી” તરીકે નિયુક્ત કરવામાં આવશે.

આવા નોડલ અધિકારી કાર્યસ્થળ CVC ખાતે વેક્સીનેશન સંબંધિત તમામ પરિબળોનું ધ્યાન રાખશે અને સુવિધા પૂરી પાડશે જેમાં લાભાર્થીઓની નોંધણી, ભૌતિક અને IT માળખાગત સુવિધાની ઉપલબ્ધતા અને વેક્સીનેશન પર દેખરેખ વગેરે તમામ પાસાને આવરી લેવામાં આવશે.

કાર્યસ્થળે પાત્રતા ધરાવતા અને ઇચ્છુક લાભાર્થીઓની ઓળખ

કાર્યસ્થળ પર માત્ર 45 વર્ષ અથવા તેની વધુ ઉંમરના કર્મચારીઓને કાર્યસ્થળે વેક્સીનેશન માટે પાત્ર ગણવામાં આવશે, જેમાં પાત્રતા ધરાવતા પરિવારના સભ્યો સહિત બહારની અન્ય કોઇપણ વ્યક્તિને “કાર્યસ્થળે CVC”માં રસી આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

લાભાર્થીએ વેક્સીનેશન માટે CoWIN પોર્ટલ પર અવશ્યપણે નોંધણી કરાવવાની રહેશે. CVC નોડલ અધિકારી તમામ લક્ષિત લાભાર્થીઓની નોંધણી સુનિશ્ચિત કરશે અને સ્થળ પર નોંધણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે પરંતુ માત્ર કાર્યસ્થળના કર્મચારીઓ જ આ સુવિધાનો લાભ લઇ શકશે.

 

 

CoWINમાં CVC તરીકે કાર્યસ્થળની નોંધણી

એકવાર ઓળખ થઇ ગયા પછી, CoWIN પોર્ટલ પર કાર્યસ્થળ પર સરકારી અથવા ખાનગી કોરોના વેક્સીનેશન કેન્દ્ર (CVC) તરીકે આવા તમામ કાર્યસ્થળ પરના વેક્સીનેશન કેન્દ્રોની નોંધણી કરવામાં આવશે.

સ્પષ્ટતા માટે કાર્યસ્થળ CVCનું નામ CoWINમાં પૂરાં નામ તરીકે નોંધાયેલું હોવું જોઇએ અને તેનું ટૂંકું નામ નોંધેલું હોવું જોઇએ નહીં.

DTF / UTF દ્વારા પ્રતિક્ષા, વેક્સીનેશન અને અવલોકન ઓરડા માટે કાર્યસ્થળ CVC પર ત્રણ ઓરડા ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે (સંદર્ભ માટે પરિશિષ્ટ 1 જુઓ). આવા ઓરડા જે-તે કાર્યસ્થળના કાયમી માળખાનો હિસ્સો હોવા જોઇએ અથવા યોગ્ય અને સ્થિર માળખું હોવું જોઇએ જેમ કે, હેંગરો લગાવીને ઉભા કરેલા હોવા જોઇએ. અસ્થાયી શામિયાણા/ તંબુ જેવા માળખાનો ઉપયોદ કરવો જોઇએ નહીં.

એકવાર ચકાસણી થઇ જાય પછી, DIO દ્વારા કાર્યસ્થળ CVCની નોંધણી CoWIN પોર્ટલ પર સુનિશ્ચિત કરવામાં આવશે.

કાર્યસ્થળ CVCનું જાહેર અને ખાનગી CVCs સાથે જોડાણ

સરકારી કાર્યસ્થળે પ્રત્યેક CVCને સરકારી તબીબી સુવિધામાં હાલના અસ્તિત્વ ધરાવતા અને સૌથી નજીકના CVC સાથે ટેગ કરવામાં આવશે.

ખાનગી કાર્યસ્થળે પ્રત્યેક CVCને ખાનગી તબીબી સુવિધામાં હાલના અસ્તિત્વ ધરાવતા અને સૌથી નજીકના CVC સાથે ટેગ કરવામાં આવશે.

નિયુક્ત કરેલા સરકારી અને ખાનગી CVC કે જેમને કાર્યસ્થળ CVC ટેગ કરવામાં આવ્યા હોય તેઓ આવા કાર્યસ્થળ CVC પર વેક્સીનેશન ટીમ નિયુક્ત કરવા માટે જવાબદાર રહેશે.

નિયુક્ત સરકારી અને ખાનગી CVC કે જેમને કાર્યસ્થળ CVC ટેગ કરવામાં આવ્યા હોય તેમના ઇન્ચાર્જ દ્વારા કાર્યસ્થળ CVC પર વેક્સીનેશન સત્રનું આયોજન કરવા અંગેની યોજના તૈયાર કરવામાં આવશે. સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે, એકવાર 50 લાભાર્થીઓ દ્વારા વેક્સીનેશન માટે નોંધણી કરાવી દેવામાં આવે તે પછી, વેક્સીનેશન સત્રનું આયોજન કરવામાં આવશે.

નિયુક્ત સરકારી અને ખાનગી CVC કે જેમને કોરોના વેક્સીનેશન માટે કાર્યસ્થળ CVC ટેગ કરવામાં આવ્યા હોય તેમના ઇન્ચાર્જ આવા કાર્યસ્થળ CVC પર રસીનો જથ્થો પૂરો પાડવા માટે અને આવા કેન્દ્રો પરથી Co-WIN પર રિપોર્ટિંગ સુનિશ્ચિત કરાવવા માટે જવાબદાર રહેશે.

વેક્સીનેશન સત્રનું શિડ્યૂલ 15 દિવસ જેટલું અગાઉથી નક્કી થઇ શકે છે અને આ બાબતે કાર્યસ્થળે જાણ કરવામાં આવશે જેથી વેક્સીનેશનના દિવસે મહત્તમ સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતી સુનિશ્ચિત થઇ શકે. જોકે, મોટાભાગના કાર્યસ્થળો પર વેક્સીનેશન શિડ્યૂલ 15 દિવસ કરતાં ઓછા સમયમાં જ પૂરું થઇ શકે છે.

કાર્યસ્થળ CVCનું કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ સાથે જોડાણ

તમામ સરકારી અને ખાનગી CVCને રસી પ્રાપ્ત કરવા માટે પહેલાંથી જ કેટલાક કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ સાથે જોડી દેવામાં આવ્યા છે. ટેગ કરેલા કાર્યસ્થળ CVC પર જરૂરી રસીનો જથ્થો પ્રાપ્ત કરવા માટે આવા CVCs દ્વારા આ જ વ્યવસ્થાતંત્રનો ઉપયોગ કરવામાં આવશે.

કાર્યસ્થળ CVC માટે આરોગ્ય માળખાગત સુવિધા અને આરોગ્ય સંભાળ કર્મચારીઓ સાથે જોડાણ

કેટલાક કાર્યસ્થળો પાસે હોસ્પિટલ, આરોગ્ય ક્લિનિક, નર્સિંગ કેન્દ્રો વગેરે રૂપમાં આરોગ્ય માળખાગત સુવિધા હોઇ શકે છે. જો, પ્રતિક્ષા, વેક્સીનેશન અને અવલોકન ઓરડા માટે પૂરતા પ્રમાણમાં જગ્યા ઉપલબ્ધ ના હોય તો આવી માળખાગત સુવિધાઓનો ઉપયોગ વેક્સીનેશન સ્થળ ઉભું કરવા માટે થઇ શકે છે. (સંદર્ભ માટે પરિશિષ્ટ 1 જુઓ).

કાર્યસ્થળ CVCના આવા આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આરોગ્ય સંભાળ કર્મચારીઓ (જેમ કે, ડૉક્ટરો, નર્સો અને અન્ય સ્ટાફ)ને કાર્યસ્થળ પર વેક્સીનેશન ટીમના સભ્યો તરીકે કોરોના વેક્સીનેશન પ્રવૃત્તિઓમાં નિયુક્ત કરવામાં આવી શકે છે.

સરકારી અથવા ખાનગી CVC કે જેમની સાથે કાર્યસ્થળ CVCને કોરોના વેક્સીનેશન માટે ટેગ કરવામાં આવ્યા હોય તેમના ઇન્ચાર્જ આવા આરોગ્ય સંભાળ સ્ટાફને નિયુક્ત કરતા પહેલા તેમની તાલીમ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે.

કોરોના વેક્સીનેશન પ્રવૃત્તિમાં જોડાયેલો કાર્યસ્થળ CVC સ્ટાફ વેક્સીનેશન અને રિપોર્ટિંગ માટે સમાન SOPsનું પાલન કરશે જેમાં AEFIsનું વ્યવસ્થાપન અને રિપોર્ટિંગ પણ સામેલ છે.

કાર્યસ્થળ CVC પર વેક્સીનેશન ટીમની નિયુક્તિ

જિલ્લા આરોગ્ય અધિકારીઓ સામાન્યપણે સરકારી કાર્યસ્થળો પર વેક્સીનેશન ટીમોની નિયુક્તિ કરશે. ખાનગી CVC દ્વારા ખાનગી કાર્યસ્થળો પર વેક્સીનેશન ટીમની નિયુક્તિ કરવામાં આવશે.

કાર્યસ્થળ CVC પર 100 લાભાર્થીઓનું વેક્સીનેશન કરવા માટે એક સંપૂર્ણ તાલીમબદ્ધ વેક્સીનેશન ટીમ ફાળવવામાં આવશે. જો કામનું ભારણ 100 લાભાર્થીઓ કરતાં વધારે હોય અને જો વેક્સીનેશન માટે પૂરતા પ્રમાણમાં જગ્યા ઉપલબ્ધ ના હોય તો તેવા કિસ્સામાં વધારાની ટીમો નિયુક્ત કરવામાં આવશે (સંદર્ભ માટે પરિશિષ્ટ 1 જુઓ).

કાર્યસ્થળનું મેનેજમેન્ટ વેક્સીનેશન માટે પૂરતા પ્રમાણમાં ઓરડા /જગ્યા (પ્રતિક્ષા ખંડ, વેક્સીનેશન ખંડ અને અવલોકન ખંડ)ની ગોઠવણી કરવા માટે જવાબદાર રહેશે.

દરેક ટીમમાં સામેલ હશે:

  • ટીમ લીડર (જરૂરી ડૉક્ટર)
  • રસી આપનાર (ઇન્જેક્શન આપવા માટે અધિકૃત વ્યક્તિ)
  • CoWIN પર કામ કરવા માટે ચકાસણીકર્તા તરીકે કામ કરવા માટે વેક્સીનેશન અધિકારી- 1, અને
  • ભીડના વ્યસ્થાપન તેમજ AEFI અવલોકન માટે વેક્સીનેશન અધિકારી- 2 અને 3

ટીમના પ્રત્યેક સભ્ય માટે પરિશિષ્ટ 2માં આપેલા સંદર્ભ અનુસાર કામગીરી વ્યાખ્યાયિત કરવામાં આવી છે

AEFI વ્યવસ્થાપન:

તમામ કાર્યસ્થળ CVCમાં સુપરવાઇઝર /ટીમ લીડર તરીકે એક મેડિકલ અધિકારી રહેશે.

તમામ કાર્યસ્થળ CVCમાં કોઇપણ વિપરિત સ્થિતિના વ્યવસ્થાપન માટે એનાફિલેક્સિસ કીટ રહેશે અને જેને નજીકની આરોગ્ય સુવિધા (AEFI વ્યવસ્થાપન કેન્દ્ર) સાથે લિંક કરેલી હશે જેથી વેક્સીનેશન પછી જો તબીબી વ્યવસ્થાપન માટે જરૂર પડે તો ત્યાં મોકલી શકાય. કાર્યસ્થળ CVCથી AEFIs વ્યવસ્થાપન કેન્દ્ર સુધીની મુસાફરીનો સમય એક કલાકથી ઓછો હોવો જોઇએ.

બેઝિક લાઇફ સપોર્ટ (BLS) એમ્બ્યુલન્સ કાર્યસ્થળ CVC પર નિયુક્ત કરેલી હોવી આવશ્યક છે અને તેનો ઉપયોગ જો જરૂર પડે તો લિંક કરેલા AEFI વ્યવસ્થાપન કેન્દ્ર પર લાભાર્થીને લઇ જવા માટે કરવો જોઇએ.

કાર્યસ્થળ CVC ખાતે વેક્સીનેશન:

એક પ્રકારની રસી આવા સત્રોમાં પૂરી પાડવામાં આવશે જેનું વેક્સીનેશન કાર્યસ્થળે હાથ ધરવામાં આવશે. લાભાર્થીઓના પહેલા અને બીજા ડોઝમાં વેક્સીનના પ્રકારોના મિશ્રણને નિવારવા માટે આ જરૂરી છે.

કાર્યસ્થળના તે લાભાર્થીઓને જેમને કાર્યસ્થળ CVC ખાતે આપવામાં આવી રહેલી રસીથી અલગ રસીનો પ્રથમ ડોઝ પહેલેથી આપવામાં આવી દેવાયો છે તેવી વ્યક્તિઓનું કાર્યસ્થળ CVCના સત્રોમાં વેક્સીનેશન કરવામાં આવશે નહીં. તેમને તે જ રસીનો બીજો ડોઝ યોગ્ય કોવિડ વેક્સીનેશન કેન્દ્ર પરથી મેળવી શકાશે. જોકે, જેમને પ્રથમ ડોઝ તરીકે સમાન રસી પ્રાપ્ત થઇ છે તેમને કાર્ય સ્થળ CVC ખાતે બીજો ડોઝ પૂરો પાડી શકાય છે.

લાભાર્થીઓની સંપૂર્ણ યાદી, જે Co-WINમાં ઉપલબ્ધ છે, તે તમામ પ્રમાણિતકર્તાઓ અને રસી આપનારાઓને જોવા મળી શકશે, તેમજ સ્થળ ઉપર જ તાત્કાલિક રજિસ્ટ્રેશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ બનશે.

પ્રમાણિતકર્તા (વેક્સીનેશન અધિકારી -1) દ્વારા પ્રમાણીકરણ શક્ય હોય ત્યાં સુધી આધારનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવશે.

કોઇ કારણોસર આધાર દ્વારા પ્રમાણીકરણ સંભવ ન હોય તેવા કિસ્સામાં, પ્રમાણિતકર્તા નોંધણીના સમયે લાભાર્થી દ્વારા રજૂ કરાયેલા ફોટો ઓળખ કાર્ડ પરથી લાભાર્થીની ઓળખ અને યોગ્યતાની ચકાસણી કરશે.

આધાર સિવાય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માન્ય ઓળખકાર્ડ આ પ્રમાણે છેઃ 1. ચૂંટણી ઓળખ કાર્ડ, 2. પાસપોર્ટ, 3. ડ્રાઇવિંગ લાઇસન્સ, 4. પાન કાર્ડ, 5. NPR અંતર્ગત RGI દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ, 6. ફોટોગ્રાફ ધરાવતો પેન્શન દસ્તાવેજ.

જો પ્રમાણીકરણ કર્યા બાદ લાભાર્થીની ઓળખ અને યોગ્યતા સાબિત થાય છે તો લાભાર્થીનું વેક્સીનેશન કરવામાં આવશે અને તેનું/તેણીની વેક્સીનેશન સ્થિતિ અપડેટ કરવામાં આવશે, અન્યથા લાભાર્થીનું વેક્સીનેશન કરવામાં આવશે નહીં.

તમામ વેક્સીનેશન Co-WIN વેક્સિનેટર મોડ્યૂલ મારફતે તુરત જ તે જ દિવસે ફરજિયાત નોંધવાના રહેશે.

લાભાર્થીનું ડિજિટલ વેક્સીનેશન પ્રમાણપત્ર Co-WIN મારફતે તૈયાર કરવામાં આવશે, કાર્યસ્થળ CVC નોડલ વ્યક્તિ વેક્સીનેશન બાદ સ્થળ ઉપર લાભાર્થીને પહેલા અને બીજા બંને ડોઝ બાદ વેક્સીનેશન પ્રમાણપત્રની પ્રિન્ટ કરેલી નકલ પૂરી પાડવા માટે જવાબદાર રહેશે.

કોરોના વેક્સીનેશન માટે કાર્યકારી માર્ગદર્શિકાઓ અને માનક કાર્યવાહી પ્રક્રિયા વિગતવાર આયોજન અને કાર્ય અમલીકરણ માટે ધ્યાન ઉપર લેવી જોઇએ. તે https://www.mohfw.gov.in/pdf/COVID19VaccineOG111Chapter16.pdf

https://www.mohfw.gov.in/pdf/GuidancedocCOWIN2.pdf ઉપર ઉપલબ્ધ છે.

કાર્યસ્થળ CVC ખાતે વેક્સીનેશનનુ નિરીક્ષણ

કોરોના વેક્સીનેશન માટે જે સરકારી અથવા ખાનગી CVC સાથે કાર્ય સ્થળ CVC જોડવામાં આવેલ હોય તેનો પ્રભાર ધરાવતા અધિકારી સ્થળ તૈયારીની સમીક્ષા અને અન્ય તૈયારી સંબંધિત પ્રવૃતિઓની સમીક્ષા કરશે.

જિલ્લા અને શહેરી ટાસ્ક ફોર્સ કાર્ય સ્થળ CVC ખાતે યાદચ્છિક નિરીક્ષણ હાથ ધરશે, જે નીચેની બાબતો સુનિશ્ચિત કરશેઃ :

  • માત્ર પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું વેક્સીનેશન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે લાભાર્થીઓના પ્રમાણીકરણ સહિત વેક્સીનેશન માટે માનક કાર્યકારી પ્રક્રિયાઓનું પાલન.
  • માનવ સંશાધનોની તાલીમની સ્થિતિ
  • AEFI સંચાલન

કાર્યસ્થળ વેક્સીનેશન માટે નાણાકીય માર્ગદર્શિકાઓઃ

જિલ્લા આરોગ્ય સત્તાધિકારીઓ દ્વારા સરકારી કાર્ય સ્થળે આયોજિત કરાતું કોરોના વેક્સીનેશન વિનામૂલ્યે રહેશે.

ખાનગી CVC દ્વારા આયોજિત કોરોના વેક્સીનેશન ચૂકવણી આધારે રહેશે અને ખાનગી આરોગ્ય સુવિધા પર વેક્સીનેશનના દર જેટલી જ રકમ ચૂકવવાની રહેશે.

પ્રતિ ડોઝ વ્યક્તિ દીઠ સર્વિસ ચાર્જ મહત્તમ રૂ. 100/-ની ટોચ મર્યાદાને આધીન રહેશે.

વેક્સીનની કિંમત વ્યક્તિ દીઠ પ્રતિ ડોઝ રૂ. 150/-

આમ, ખાનગી આરોગ્ય સુવિધા દ્વારા પ્રતિ ડોઝ પ્રતિ વ્યક્તિ દીઠ કુલ વસૂલ કરી શકાતી રકમની નાણાકીય ટોચ મર્યાદા રૂ. 250/- રહેશે.

ખાનગી આરોગ્ય સુવિધા જે ખાનગી ક્ષેત્રના કાર્ય સ્થળે વેક્સીનેશનનું આયોજન હાથ ધરશે તેમને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા નિર્ધારિત કરાયેલી બેંકના ખાતામાં ત્વરિત વેક્સીનની કિંમત જમા કરાવવાની રહેશે. હોસ્પિટલો સંબંધિત જિલ્લાના DIO ઇન્ચાર્જને ચૂકવણીનો પુરાવો પૂરો પાડશે. આ હેતુ માટે ખાનગી CVC દ્વારા NHA પોર્ટલ ઉપર પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp