આ લોકો માટે કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચેનો ગેપ ફરી બદલાયો, આટલા દિવસ પછી બીજો ડોઝ

PC: livemint.com

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિશીલ્ડના વેક્સીનેશનના શેડ્યુલમાં મોટો ફેરફાર કર્યો છે. કોવિશીલ્ડના બે ડોઝના ગેપમાં આ ત્રીજો ફેરફાર છે. 16 જાન્યુઆરી ના રોજ વેક્સીનેશન શરૂ થયું તો કોવિશીલ્ડ અને કોવેક્સીનમાં બે ડોઝનો ગેપ 28-42 દિવસ રાખવામાં આવ્યો હતો. પણ 22 માર્ચે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર 4-6 અઠવાડિયાથી વધારીને 6-8 અઠવાડિયા કરી દેવામાં આવ્યું. ફરી 13 મેના રોજ આ ગેપ વધારીને 12-16 અઠવાડિયા કરી દેવામાં આવ્યું.

બીજા ડોઝનો ગેપ બે વાર વધાર્યા પછી હવે તેને વિદેશ યાત્રા પર જઇ રહેલા લોકો માટે ઘટાડવામાં આવ્યો છે. એટલે કે અમુક કેટેગરીમાં બે ડોઝ માટે 84 દિવસની રાહ જોવાની જરૂર નથી. 28 દિવસ પછી પણ બીજો ડોઝ લગાવી શકાય છે. બે ડોઝનો ગેપ માત્ર કોવિશીલ્ડ માટે ઘટાડવામાં આવ્યો છે. કોવેક્સીનના બે ડોઝનો ગેપ 28 દિવસ જ હતો. તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કયા લોકોને 28-42 દિવસમાં લાગશે કોવિશીલ્ડનો બીજો ડોઝ

નવી ગાઇડલાઇન એ લોકો માટે છે જેમને પહેલો ડોઝ લાગી ગયો છે અને તેમણે આંતરરાષ્ટ્રીય યાત્રા પર જવાનું છે. આ યાત્રા તેમને ભણતર, રોજગારી કે ઓલમ્પિક ટીમમાં ભાગ લેવા માટે કરવી પડી શકે છે. આવા લોકોને કોવિશીલ્ડનો બીજો ડોઝ લેવા માટે 84 દિવસની રાહ જોવી પડશે નહીં. તેઓ આ પહેલા પણ બીજો ડોઝ લઇ શકે છે.

આ ફેરફાર ભારતની બહાર યાત્રા કરી રહેલા લોકો માટે બહાર પાડવામાં આવેલી SOPમાં કરવામાં આવ્યો છે. કોવિશીલ્ડના બે ડોઝ લાગવા પર લોકો ભારતની બહાર સુરક્ષિત યાત્રા કરી શકે છે. તેમને સંક્રમણ થવાનો ખતરો ઓછો રહેશે, સાથે જ તેઓ નવા ઝડપથી ફેલાઇ રહેલા ડેલ્ટા સ્ટ્રેનથી પણ સુરક્ષિત રહેશે.

આ પોલિસી દેશમાં દરેક લોકો પર લાગૂ થશે નહીં. જો કોઇ વ્યક્તિ 84 દિવસોની અંદર વિદેશ જવાના છે તો બીજો ડોઝ લઇ શકે છે. અન્ય લોકોને આ રાહત મળશે નહીં. તેમણે બીજો ડોઝ લેવા માટે 84 દિવસની રાહ જોવાની રહેશે.

જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે ગાઇડલાઇનમાં ફેરફાર કરતા ઇન્ફેક્શનથી રિકવર થયેલા લોકોને બીજો ડોઝ લેવા માટે ઓછામાં ઓછા 3 મહિના રાહ જોવાનું કહ્યું છે. પહેલો ડોઝ લીધાના 3-4 અઠવાડિયા પછી શરીરમાં સંક્રમણ સામે લડવા લાયક એન્ટીબોડી બની જાય છે. પણ ત્યાર પછી પણ પ્રોટેક્શન માટે માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp