કેસ વધતા WHOએ ગુજરાત સહિત 7 રાજ્યોમાં લોકડાઉનમાં છૂટ ન આપવાની સલાહ આપી

PC: khabarchhe.com

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોએ સૌ કોઈને ચિંતામાં મૂકી દીધા છે. શુક્રવારે દેશમાં પહેલીવાર પાછલા 24 કલાકમાં કોરોનાના રૅકોર્ડ તોડ 6654 નવા કેસ સામે આવ્યા છે અને 137 લોકોના મોત થયા છે. કોરોનાના નવા કેસો આવતાની સાથે ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 1,25,101 થઈ ચૂકી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 3720 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતના 7 રાજ્યોમાં લોકડાઉનમાં છૂટ ન આપવાની સલાહ આપી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, તેલંગણા, ચંડીગઢ અને બિહારમાં પાછલા બે અઠવાડિયામાં જે રીતે કોરોના દર્દીની સંખ્યામાં વધારો થયો છે, ત્યાર પછી આ રાજ્યોમાં લોકડાઉનમાં પ્રતિબંધો રાખવાની જરૂર છે. WHOએ સલાહ આપી છે કે, જે રાજ્યોમાં 5 ટકા કરતા વધારે કોરોના દર્દી છે ત્યાં લોકડાઉનમાં કડકાઈ અનુસરવાની જરૂર છે.

જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા આ રીતના અધ્યયનમાં માલૂમ પડ્યું કે, અમેરિકામાં માત્ર 50 ટકા રાજ્યોમાંથી જ લોકડાઉનને હટાવી શકાય છે. આ રીતે ભારતના 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 21 ટકા આ શ્રેણીમાં આવે છે. 7 મેના આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં 18 ટકા, ગુજરાતમાં 9 ટકા, દિલ્હીમાં 7 ટકા, તેલંગણામાં 7 ટકા, ચંડીગઢમાં 6 ટકા, તમિલનાડુમાં 5 ટકા અને બિહારમાં 5 ટકા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ દરેક રાજ્યોમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માપદંડો કરતા વધારે કોરોના પોઝિટિવ દર્દી છે.

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જ જઈ રહ્યો છે. આ વાયરસ દુનિયાભરમાં 51 લાખથી વધારે લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. આ આંકડો રોજ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં 51,784 દર્દી સાજા થઈ ચૂક્યા છે. ભારતમાં રિકવરી રેટ સુધરીને 41.39 ટકાએ પહોંચી ગયો છે.

જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીએ 25 માર્ચના રોજ કોરોનાના પ્રસારને રોકવા માટે દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યાર પછી 14 એપ્રિલે પ્રધાનમંત્રીએ ફરી દેશમાં 19 દિવસના વધારાના લોકડાઉનની જાહેરાત કરી. 3 મેના રોજ લોકડાઉનનો સમય ખતમ થવાનો હતો, જેને તે પહેલા જ ગૃહ મંત્રાલયે બે અઠવાડિયા માટે લંબાવી દીધો. 17 મે સુધી તે લાગૂ હતો. 17 મેના રોજ સાંજે કેન્દ્ર સરકારે ફરી બે અઠવાડિયા માટે લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો. હવે દેશમાં લોકડાઉન 31 મે સુધી લાગૂ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp