સુરતમાં AAP પાર્ટીએ આઇસોલેશન સેન્ટર બહાર માર્યું બોર્ડ, હાલ અમારે દાનની જરૂર નથી

PC: youtube.com

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન બાર હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે 29 જેટલા શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કર્યું છે. તો બીજી તરફ રાજ્યના અલગ-અલગ ગામડાં અને શહેરના લોકો પણ પોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી રહ્યા છે. રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મળવા પણ મુશ્કેલ થઈ ગયા છે. દર્દીઓને બેડ મળવા મુશ્કેલ થઈ ગયા હોવાના કારણે રાજ્યની અલગ-અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા પોતાના શહેરોમાં કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે.

ત્યારે સુરતમાં પણ હોસ્પિટલોમાં બેડની અછત સામે આવતા આમ આદમી પાર્ટી દ્વારા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આ કોવિડ સેન્ટર ઊભું કરવા માટે અલગ-અલગ દાતાઓએ દાન પણ આપ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધિઓએ એક આઇસોલેશન સેન્ટરની બહાર દાતાઓના નામનું એક લિસ્ટ મૂક્યું છે અને જે લિસ્ટમાં દાતાઓના નામની સામે દાતાએ કેટલો સહયોગ આપ્યો છે તે રકમ પણ દર્શાવી છે. આ ઉપરાંત આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે, અમને સપોર્ટ કરવા બદલ તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર હાલ અમારે દાનની જરૂર નથી. અમારે જરૂરિયાત મુજબનું દાન આવી ગયું છે એટલે હવે વધારે દાનની જરૂર નથી.

આ બોર્ડનો ફોટો પાડીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પોતાના ફેસબૂક પર અપલોડ કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, આવું બોર્ડ ક્યાંય જોયું નહીં હોય અને તેમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિવિધ સામાજિક સંસ્થાના સહકારથી સંચાલિત આઇસોલેશન સેન્ટરમાં જરૂરી સુવિધા ઉભી કરવા માટે દાતા તરફથી દાન આપવામાં આવે છે.

જોકે, જરૂરિયાત જેટલું દાન આવી જતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સેન્ટર ઉપર એક બોર્ડ માર્યું હતું અને તેમાં લખ્યું હતું કે, હાલ દાનની જરૂર નથી. એક ઈમાનદાર પાર્ટીના ઈમાનદાર જન પ્રતિનિધિ બોર્ડ મારી શકે બાકી આપણે કોઈ જગ્યા, પાર્ટી કે સંસ્થાના કાર્યક્રમમાં આવા બોર્ડ જોયા નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp