અમદાવાદની આ સોસાયટીમાં થયો કોરોના બ્લાસ્ટ, એક સાથે 80 લોકો થયા સંક્રમિત

PC: dainikbhaskar.com

દિવાળીની રજા પછી રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં હોવાના કારણે અમદાવાદમાં સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું લાદવામાં આવ્યો છે. રાજ્યમાં 21 નવેમ્બરના રોજ 1,515 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની એક સોસાયટીમાં કોરોના બ્લાસ્ટ થયો છે. સોસાયટીમાં રહેતા 80 લોકો કોરોના સંક્રમિત થતા અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. હાલ તો આ સોસાયટીના વિભાગ 1 અને 2ને અધિકારીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર કોરોના બ્લાસ્ટ થયો છે તે સોસાયટી સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર 1 અને 2 નંબરની બિલ્ડીંગ છે. સફર પરિવારના સોસાયટીની 1 અને 2 નંબરની બિલ્ડિંગમાં એક સાથે 80 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. એક સાથે 8 લોકો કોરોના સંક્રમિત થતા અમદાવાદ મહાનગરપાલિકાનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તાત્કાલિક સફર પરિસરને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે અને બંને બિલ્ડીંગને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવેથી એક પરિવારના કોરોના સંક્રમિત થયેલા દર્દીઓને એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને આ બાબતનો તાત્કાલિક અમલ કરવાની સુચના અમદાવાદ મહાનગરપાલિકાએ 108ને આપી છે. આ ઉપરાંત વધુ 8થી 10 હોસ્પિટલોને AMC હસ્તક કરીને બેડની સંખ્યા વધારવા માટે પણ તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓછા લક્ષણો દર્દીને ખોટી રીતે હોસ્પિટલમાં સારવાર માટે AMC હસ્તકના બેડ પર રાખીને બેડને ભરેલા દર્શાવનાર ખાનગી હોસ્પિટલની સામે કાર્યવાહી કરવાની સુચના પણ આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા શુક્રવારે રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોને કામ વગર બહાર ન નીકળે તેથી પોલીસ દ્વારા શહેરમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અન્ય શહેરોના વાહનોને અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને નિયમ ભંગ કરતા લોકોની સામે પોલીસ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં દિવસ દરમિયાનનો કર્ફ્યું સોમવાર પછી આગળ વધારવાની કોઈ પણ પ્રકારની વિચારણા કે, દરખાસ્ત ન હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp