ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બગડતા નવા નિર્ણયો લેવાયા, નીતિન પટેલે કરી જાહેરાત

PC: DainikBhaskar.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને સંક્રમણ અટકે તે માટે પણ રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક પ્રયત્નશીલ છે તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વ હેઠળ રચાયેલી કોર કમિટીમાં પણ અમે રોજબરોજ અનેક જનહિતકારી નિર્ણયો કરીએ છીએ જેના પરિણામે સંક્રમણને અટકાવવા સફળતા મળી છે પરંતું રાજ્યમા બીજા તબક્કામા જે રીતે કેસોનો વધારો થઈ રહ્યો છે તેને ધ્યાને લઈને રાજ્યભરમાં પ્રથમ ફેઈઝ વેળાએ જે વ્યવસ્થાઓ કરાઈ હતીએ તમામ વ્યવસ્થાઓ પુનઃ પૂર્વવત કરી દેવાઈ છે એટલે નાગરિકોએ સારવાર માટે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા કરી માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈને સર્વગ્રાહી સમીક્ષા બાદ મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં વિવિધ ખાનગી નર્સિંગ ગૃહમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની રેમડેસીવીર ઇન્જેક્શનને લગતી પ્રાથમિક સારવારની જરૂરિયાત સંતોષવા દર્દીઓને સારવાર માટે મંજૂરી આપવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.

કોરોનાથી સંક્રમિત થયા બાદ ફક્ત રેમડેસીવીર ઇન્જેક્શનની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓનો ઘસારો 25થી 30 ટકા જેટલા રહેલો છે તેમ જણાવી નીતિન પટેલે ઉમેર્યુ કે, ગંભીર પરિસ્થિતિ ઘરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે રાજ્ય સરકાર આ દિશામાં વિચારણાધીન હોવાનું જણાવી તેઓએ વધુમાં જણાવ્યું કે નિષ્ણાંત તબીબો સાથે વિચાર-વિર્મશ કર્યા બાદ તારણ નિકળ્યુ છે કે, હજારથી વધારે દર્દીઓને રેમડેસીવીર આપવા છતા તેઓને કોઇપણ પ્રકારની આડઅસર વર્તાઇ નથી જેના ભાગરૂપે આ પ્રકારના દર્દીઓ માટે અલાયદી સારવારની વ્યવસ્થા કરવાનું જરૂરિ હોવાનું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતુ.

અમદાવાદ શહેરમાં કોમ્યુનીટી હોલ સહિત અન્ય સરકારી માળકીય સુવિધા ધરાવતા સ્થળોએ નિષ્ણાંત નર્સિંગ સ્ટાફ અને તબીબોની હાજરીમાં રેમડેસીવીરની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સારવાર આપવા માટેનું આયોજન સરકાર દ્વારા વિચારણાધીન હોવાનું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું. 

રાજ્યભરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાનું જણાવી નાયબ મુખઅયમંત્રીએ કહ્યું કે, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે.

સમગ્ર દેશમાં 1.25 લાખ જેટલા દર્દીઓના કોરોનાથી સંક્રમિત થવાના આંકડા સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાના દર્દીઓને હાલાકી ભોગવવી પડે નહીં તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળતી કોર કમીટીની બેઠકમાં જનહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી 3000 હજારથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા હોવાથી જે – તે શહેરમાં સિનિયર સનદી અધિકારીની નિમણૂંક કરીને સમગ્રતયા વ્યવસ્થાપનની જવાબદારી સોંપીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા સરકાર કાર્યરત હોવાનું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતુ.

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ નિષ્ણાંત તબીબો સાથે બેઠક કર્યા બાદ નીતિન પટેલે મહત્વની પ્રજાલક્ષી જાહેરાત કરતા કહ્યું કે, અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યપપત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની સાથે - સાથે મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત નવી કિડની હોસ્પિટલને પણ કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં પરિણમવામાં આવી છે. મંજુશ્રી હોસ્પિટલ 418 બેડની ક્ષમતા ધરાવતી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવી કહ્યું કે મંજુશ્રી હોસ્પિટલનું સંચાલન સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, આગામી સમયમાં વધુ 200 જેટલી પથારી વધારીને મંજુશ્રી હોસ્પિટલની કેપીસીટી 600 જેટલી કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવી ઉમેર્યુ કે, વેન્ટીલેટરથી લઇ અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે.

નીતિન પટેલે અન્ય અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીને કોઇપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે, કોઇપણ જરૂરિયાતમંદ દર્દી સારવારથી વંચિત ન રહી જાય તે પ્રકારની આરોગ્ય વિભાગ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના નવા બિલ્ડીંગમાં પણ કોરોના દર્દીઓની સારવાર માટે બેડની કેપીસીટી વધારીને 175 કરાઇ છે . જ્યારે યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટના નવા બિલ્ડીંગમાં 130 પથારી કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવી છે. આવી જ રીતે અમદાવાદ શહેરની અન્ય એક જી.સી.એસ. હોસ્પિટલમાં પણ 160 પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અલાયદી ફાળવવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત 1000 પથારી ધરાવતી એસ.વી.પી. હોસ્પિટલ જેમાં અગાઉ 500 બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અલાયદા રાખવામાં આવ્યા હતા તેની પણ ક્ષમતા વધારીને સંપૂર્ણ પણે 1000 બેડને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવ્યા હોવાનું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું. તબક્કાવાર આ બેડને કોરોનાગ્રસ્ત દર્દીઓની સુખાકારી માટે ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.

રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પો દ્વારા સંચાલિત એસ.એમ. શાહ મેડિકલ કોલેજમાં પણ 240 પથારીની કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રીએ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ સિવિલ મેડીસીટી હોસ્પિટલમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ચિતાર આપતા જણાવ્યું હતુ કે સિવિલ મેડિસીટી સંકુલમાં કુલ 1332 દર્દીઓ હાલ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. તદ્ઉપરાંત હાલની પરિસ્થિતિએ પણ 488 જેટલી વેન્ટિલેટર સહિતની પથારી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ખાલી હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઇ કાલે રાત્રે રાજ્ય સરકારની માંગ પ્રમાણે 3 લાખ વેક્સિનનો જથ્થો રાજ્યમાં આવ્યો હોવાનું જણાઇ રાજ્યમાં વેક્સિનને લઇ કોઇપણ પ્રકારની ખોટ ન વર્તાઇ રહી હોવાની પૃષ્ટિ કરી હતી. રાજ્યમાં છેવાડાના ગામથી લઇ કસબા સુધીના નાગરિકને વેકક્સિન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવી કોરોના રસીકરણ ના મહાઅભિયાનમાં તમામ નાગરિકોને જોડાવવા અપીલ કરી હતી.

કોરોના વાયરસ સામે સુરક્ષા મેળવવા થ્રી લેયર માસ્ક અતિમહ્તવનું હોઇ નાગરિકોને ફક્ત એક રૂપિયામાં થ્રી લેયર માસ્ક અમૂલ પાર્લર, નગરપાલિકા, માર્કેટ યાર્ડ જેવા વિવિધ સ્થળોએ મળી રહે તે પ્રમાણેનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું કહ્યું હતુ. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના વેપારી, ખેડૂતો,કામદારોને ખૂબ જ નજીવા દરે માસ્ક ઉપલબ્ધ થાય તે માટે સંવેદનશીલ સરકાર દ્વારા આ તમામ વર્ગની દરકાર કરીને માસ્કની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં રેમડેસીવીર ઇન્જક્શનની કોઇપણ પ્રકારની ખપત ન હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, રાજ્યમાં 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ગઇ કાલે 35 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં પહોંચતો કરવામાં આવ્યો છે. આની સાથે સાથે ખાનગી કંપનીઓ દ્વારા પણ 35 હજાર ઇન્જેક્શનનો જથ્થો ગુજરાતની અન્ય ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યો હોવાનું જણાવી રાજ્યમાં ઇન્જેક્શનની સારવારની જરૂરિયાત ઘરાવતો કોઇપણ દર્દી તેનાથી વંચિત ન રહી જાય તે માટે સરકાર સંકલ્પબધ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યમાં નાના બાળકોમાં જોવા મળી રહેલા કોરોના કેસ અંગે રાજ્ય સરકાર દ્વારા ચિંતા વ્યક્ત કરી તાજેતરમાં જ ગૃહ મંત્રી અમિત શાહ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ વીડિયો કોન્ફરન્સની ચર્ચાના પરિણામ સ્વરૂપ કેન્દ્રમાંથી તબીબી નિષ્ણાંત ડૉ. રણદીપ ગુલેરીયા દ્વારા રાજ્યના તબીબોને બાળકોમાં જોવા મળી રહેલા કોરોનાના લક્ષણો વિષે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે.આવનારા દિવસોમાં કેન્દ્રમાંથી વિવિધ ટીમ રાજ્યના વિવિધ શહેરોમાં જઇ હોસ્પિટલની મુલાકાત લઇ સમગ્ર પરિસ્થિતિનું વિહંગાવલોકન કરીન સમક્ષા કરશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.

સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટમાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, આઇ.એસ.એસ. અધિકારી અવંતિકા સિંધ, સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી,યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. આર.કે.પટેલ સહિત સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp