ગુજરાતના આ ગામમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનારના ઘરે ગધેડાનું ટોળું મોકલાશે

PC: youtube.com

કોરોનાની ગાઈડલાઇન અને માસ્કના નિયમ ભંગ કરતા લોકોની પાસેથી તંત્ર દ્વારા દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે નિયમ ભંગ કરતા લોકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ હાલ કોરોના પોઝિટિવ કેસ વધતા એક ગામમાં કોરોના સંક્રમણને રોકવા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જાંબાળ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરશે તેમને ત્યાં ગદર્ભનું ટોળું મોકલવામાં આવશે અને નિયમ ભંગ કરનારા લોકો પાસેથી એક હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઢોલ વગાડીને આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે સાવરકુંડલાના જાંબાળ ગ્રામ પંચાયતના સરપંચ ભુપેન્દ્ર ખુમાણે કહ્યું હતું કે, હાલમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે અને ગામના લોકો દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તે માટે ગ્રામ પંચાયત દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. કોઈ પણ ગ્રામ પંચાયત દ્વારા આ પ્રકારે લોકોને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી નથી. ત્યારે સરપંચને એટલો વિશ્વાસ છે કે ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે ગામના લોકો ચુસ્તપણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરશે અને કોરોના સંક્રમણથી બચી શકશે.

મહત્ત્વની વાત છે કે, રાજ્યના કેટલાક ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસો વધતા હોવાના કારણે સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક શહેરોના વેપારી એસોસિયેશન દ્વારા પણ બપોર પછી પોતાની દુકાનો સ્વયંભૂ રીતે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે.

રાજ્યમાં હાલ ત્રણ હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. 7 એપ્રિલના રોજ 3575 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને કુલ 22 લોકોના મોત થયા હતા. રાજ્યમાં 18684 કેસ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કારણે 4620 લોકોના મોત થયા છે અને 175 લોકો હાલ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના DGP દ્વારા પણ નિયમ ભંગ કરતાં લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp