કોરોનાનું સંક્રમણ વધતા ST વિભાગ હરકતમાં, ગુજરાતના આ રુટ કર્યા બંધ

PC: dnaindia.com

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસે દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હાલ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા પછી રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થયો છે કારણ કે, પ્રતિદિન ત્રણ હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 20 જેટલા શહેરોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ તમામ જગ્યાઓ પર રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરાવવામાં આવશે. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધતા BRTS અને સિટી બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યના ST વિભાગ દ્વારા પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાના કારણે મહેસાણા ST ડિવિઝન દ્વારા ST બસની 804 જેટલી ટ્રીપો રદ કરવામાં આવી છે. એટલે કે 7 વાગ્યા પછી કોઈ પણ ST બસ ઉપડશે નહીં. ફક્ત સાંજે 7 વાગ્યા સુધી જ્યાં સુધીની ટ્રીપ હશે ત્યાં સુધીની બસની છેલ્લી ટ્રીપ રહેશે. મહેસાણા ST ડિવિઝનમાં 11 ST ડેપો આવે છે અને 11 ST ડેપોની રાત્રીના સમયની 804 ટ્રીપ રદ કરવામાં આવી છે.

તો બીજી તરફ રાત્રી કર્ફ્યૂને લઈને ભાવનગર ST ડેપો દ્વારા પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના 8 બસ ડેપોમાં રાત્રી દરમિયાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવશે. રાત્રે ઉપડતી લાંબા રૂટની બસ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. ભાવનગર ST ડેપો દ્વારા લાંબા રૂટની બસો બંધ કરવામાં આવી છે. આ એક્સપ્રેસ બસોમાં સુરત, ભુજ, જામનગર, અમદાવાદ, બરોડા, દાહોદ, દીવ, હળવદ, ઉદયપુર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, વલસાડ અને માતાના ગઢ સહિતની બસોનો સમાવેશ થાય છે. એટલે હવે આ તમામ બસોને રાત્રી દરમિયાન બંધ કરવામાં આવી છે. તેથી સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ST બસમાં મુસાફરી કરી શકાશે. ભાવનગર ST ડિવિઝન દ્વારા 62 જેટલા બસના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.

મહત્ત્વની વાત છે કે, રાજ્ય સરકાર દ્વારા પણ કોરોનાને કાબૂમાં લેવા માટે અલગ-અલગ શહેરોમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. રાજ્યમાં 30 એપ્રિલ સુધી તમામ રાજકીય અને સામાજિક કાર્યક્રમો પણ મોકૂફ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp