26th January selfie contest

કોરોનાના કેસ વધતા સુરતમાં હોટેલ-રેસ્ટોરાં માટે તંત્રએ કર્યો આ આદેશ

PC: metro.co.uk

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પછી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના અઠવા અને રાંદેર વિસ્તારમાં વધારે કેસ સામે આવતા તંત્ર દ્વારા પ્રતિબંધિત વિસ્તારના બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે સુરત મહાનગરપાલિકાએ હોટેલ અને રેસ્ટોરાં માટે એક ગાઈડલાઈન બહાર પડી છે. જેમાં ગ્રાહકોને પાર્સલ આપવાની સુચના આપી છે. આ ઉપરાંત હોટેલનો સ્ટાફ પણ કરોનાની ગાઈડલાઈન અનુસાર સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરે તેવી પણ સુચના આપી છે.

 

સુરત મહાનગરપાલિકાએ બહાર પડેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસની પરિસ્થિતિને નિયંત્રિત કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ શહેરહિત માટે ચિંતાજનક બાબત છે. અગાઉ સરકાર દ્વારા તબકકાવાર વિવિધ પ્રકારની છૂટછાટો આપવામાં આવી છે પરંતુ લોકો કોવિડ-19ની ગાઈડલાઈનનું યોગ્ય પાલન કરતા ન હોવાના કારણે કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહયો છે.

કોરોના વાયરસની પરિસ્થિતિ ધ્યાને લેતા હાલ કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘણું વધારે છે. જેથી હોટેલ/રેસ્ટોરાંમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે ખૂબ જ જરૂરી છે. હોટેલ/રેસ્ટોરાંમાં તમામ પ્રકારની સાવચેતી રાખવી તેમજ હોટેલ/રેસ્ટોરાંમાં કામ કરી રહેલા તમામ કારીગરોનું સ્ક્રીનીંગ કરાવવું તેમજ તેઓનો સ્ટેટિક સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે. હોટેલ/રેસ્ટોરાંમાં તમામ કર્મચારીઓ ફરજિયાત માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે તથા ગાઈડલાઈનનું પાલન કરે અને હોટેલ/રેસ્ટોરાંમાં આવતા તમામ લોકો ફરજિયાત માસ્ક પહેરી આવે તેમજ સામાજિક અંતર જાળવે તે ખૂબ જ જરૂરી છે.

હોટેલ/રેસ્ટોરાંના ઈન્ડોર રૂમોમાં વેન્ટીલેશન જરૂરી છે. હોટેલ/રેસ્ટોરાંમાં આવતા લોકો એક સાથે ભોજન કરશે તો સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી હોટેલ અને રેસ્ટોરાંના સંચાલકોએ પણ શહેરના લોકોને હોટેલની અંદર બેસાડી જમાડવાને બદલે પાર્સલ ડિલિવરી સિસ્ટમથી જ નાસ્તો, લંચ અને ડીનર આપવાનું જણાવવામાં આવ્યું છે. કોવિડ–19ની ગાઈડલાઈનના પાલન અંગેના સાયનેજીસ બોર્ડ લગાડવા, સમારંભમાં ઉપસ્થિત રહેલા તમામ વ્યકિતઓની માહિતી રાખવી, કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તેની ખાસ કાળજી અને સાવધાની રાખવી તથા સરકાર દ્વારા હોટેલ/રેસ્ટોરાં માટે બહાર પાડવામાં આવેલ તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવાની રહેશે. આ SOPના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં શહેરમાં લગ્નપ્રસંગો તથા અન્ય ધાર્મિક મેળાવડાઓ થઈ રહયાં છે. જેના કારણે લોકો સામાજિક અંતરનું પાલન કરે, માસ્ક ફરજિયાત પહેરે અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ–19ની ગાઈડલાઈનનું કડક પાલન કરે જેથી શહેરમાં ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp