ઘરેથી કામ નહીં, ઓફિસ ખુલવાની રાહ જોઈ રહ્યા છે ભારતીયો, મહિલાઓનો વધ્યો બોજઃ સર્વે

PC: foxbusiness.com

કોરોના વાયરસની મહામારીને કારણે દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન છે. ભારતમાં લોકડાઉનને 2 મહિના થવા આવ્યા છે. તેમાં લોકો ઘરમાંથી બહાર નીકળી નથી શકતા, નોકરિયાતથી લઈને વેપારીઓ સુધી તમામે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, લોકડાઉનના ચોથા ચરણમાં મોટાભાગની છૂટછાટો મળી છે. પરંતુ જીવનને સંપૂર્ણરીતે પાટા પર લાવવામાં હજુ સમય લાગશે. એવામાં લોકો પર માનસિક તણાવ વધી રહ્યો છે. હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, 61 ટકા ભારતીય માનસિક તાણનો શિકાર બની રહ્યા છે.

મિલેનિઅલ્સ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જેન જી એટલે કે 1997થી 2020ની વચ્ચે જન્મેલા લોકો અને મિલેનિઅલ્સ એટલે કે 1981થી 1996ની વચ્ચે જન્મેલા 600 લોકોને ઓનલાઈન સવાલો પૂછવામાં આવ્યા. એપ્રિલથી મેની વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં સામે આવ્યું છે કે, 27 ટકા જેન જી અને 19 ટકા મિલેનિઅલ્સના માનસિક સ્વાસ્થ્ય પર લોકડાઉનની ખરાબ અસર પડી છે.

બેબી બૂમર્સ એટલે કે 1946થી 1964ની વચ્ચે જન્મેલા લોકો પર તેની સૌથી ઓછી અસર જોવા મળી રહી છે અને આ લોકો કોરોનાના સંકટને વધુ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, લોકડાઉને પુરુષોની સરખામણીમાં મહિલાઓના જીવનને વધુ પ્રભાવિત કર્યું છે. લોકડાઉનને પગલે ઘરોમાં નોકરો કામ નથી કરી રહ્યા. આ સાથે જ ઘરમાં વધુ લોકો હોવાને કારણે મહિલાઓ પર કામનું પ્રેશર વધ્યું છે. આ જ કારણ છે કે, પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ માનસિક તાણનો શિકાર બની રહી છે.

વર્ક ફ્રોમ હોમ પણ લોકો માટે મોટી મુશ્કેલી બનતું જઈ રહ્યું છે. જ્યાં મોટાભાગની કંપનીઓના CEO લોકડાઉન બાદ પણ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરાવવા અંગે વિચાર કરી રહ્યા છે, જ્યારે મોટાભાગના લોકો ઘરેથી કામ કરવાને યોગ્ય વિકલ્પ નથી માનતા. સર્વે અનુસાર, 75 ટકા લોકોનું માનવું છે કે, ઘરેથી કામ કરવામાં તેમણે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવા પડી રહ્યો છે અને તેઓ ફરી ઓફિસ જઈને કામ કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp