26th January selfie contest
BazarBit

સુરતના મોટા મંદિર યુવક મંડળ રોજ 40 હજારથી વધુ માસ્ક બનાવી મફત વિતરણ કરે છે

PC: Khabarchhe.com

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે સમગ્ર દેશને વોકલ ફોર લોકલ દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન પુરૂ પાડવાનું આહ્વવાન કર્યું છે, સુરત શહેરના મોટા મંદિર યુવક મંડળના યુવકોએ તેને ખરા અર્થમાં સાકાર કર્યું છે. આ યુવક મંડળના યુવાનોએ ઘર આંગણે 22 લાખ જેટલા માસ્ક બનાવીને વિનામૂલ્યે વિતરણ કરીને દેશસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. 22 લાખ માસ્ક બનાવવા, તેનું પેકિંગ, ટ્રાન્સપોર્ટ અને વિતરણ કરવામાં સંસ્થાના 39 જેટલા સ્વયંસેવકોએ રાતદિન મહેનત કરી રહ્યા છે. હજુ વધુ 3 લાખ માસ્ક બનાવીને આ સંસ્થાએ કૂલ 25 લાખના લક્ષ્યાંક સેવ્યો છે. 31 મે પછી જરૂર પડ્યે વધુ માસ્ક બનાવવાનું પણ આયોજન કરાયું છે.

22 લાખ માસ્કનું વિતરણ માત્ર સુરતમાં જ નહીં, પરંતુ ગુજરાતના વિવિધ શહેરો અને ગુજરાતની બહાર અમેઠી, વારાણસીમાં પણ મોકલવામાં આવ્યા છે. સાથો સાથ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ સામેની સીધી લડાઈમાં રાજ્યના સૌ નાગરિકોને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવાનું આહ્વાન કર્યુ છે, ત્યારે મોટા મંદિર યુવક મંડળ સંસ્થાએ કોરોના યોદ્ધાની ભૂમિકાને ખરા અર્થમાં અદા કરતાં લોકડાઉન અમલી બન્યું ત્યારથી આજ સુધીમાં 22 લાખ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. એટલું જ નહીં, પરંતુ મુખ્યમંત્રી પ્રેરિત હું પણ કોરોના વોરિયર અભિયાનને બિરદાવવા મંડળ દ્વારા હું પણ કોરોના વોરિયર સ્લોગનની ડિઝાઇનવાળા રંગીન માસ્ક બનાવવામાં આવ્યા છે. આ સંસ્થાએ હું પણ કોરોના વોરિયર, ડાઉનલોડ આરોગ્ય સેતુ એપ, મોદી માસ્ક જેવા વિવિધ પ્રેરક લખાણવાળા અનોખા ડિઝાઈનર માસ્કના ઉત્પાદન અને નિ:શુલ્ક વિતરણનો પ્રારંભ કર્યો છે.

તા.21 થી 27મી મે સુધી એક સપ્તાહ દરમિયાન ચાલનારા હું પણ કોરોના વોરિયર અભિયાનના સમર્થનમાં અને માસ્કને જીવનનું અભિન્ન અંગ બનાવવાનો સંદેશ આપવાના હેતુથી મંડળ દ્વારા માસ્કની સાથો સાથ ડિઝાઈનર માસ્કનું વિતરણ કરાશે. જેને પ્રોત્સાહન આપવા આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી, મેયર ડો. જગદીશ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી સંસ્થાના અનોખા અભિગમ અને નિ:સ્વાર્થ સેવાભાવનાની સરાહના કરી હતી.

આ અંગે સંસ્થાના મુખ્ય કાર્યકર્તા નેહલ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ સ્વદેશી ઉત્પાદનો અપનાવીને આત્મનિર્ભર બનવાનો સંદેશો આપ્યો છે વધુમાં વધુ માસ્ક બનાવીને વિદેશ પર નિર્ભર રહેવાને બદલે ઘરઆંગણે વિપુલ માત્રામાં માસ્ક ઉત્પાદન કરીને વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ. મોટા મંદિર યુવક મંડળ દ્વારા 22મી માર્ચના રોજ જનતા કર્ફ્યું પછી આજ સુધીમાં કુલ 22 લાખ માસ્કનું વિનામૂલ્યે વિતરણ થઈ ચૂક્યું છે. 23 માર્ચના રોજ અમે સૌ કાર્યકર્તાઓએ ભેગા મળી નક્કી કર્યું હતું કે, કોરોના સંકટ વચ્ચે માસ્કની મોટા પાયે જરૂરિયાત ઊભી થવાની છે, જેને પહોંચી વળવા માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરવાની યોજના બનાવી હતી. શરૂઆતમાં ટાર્ગેટ 1 લાખ માસ્કનો હતો. જે પાછળથી 4, 8, 10, 15, 20, 22 અને 25 લાખ ઉપર પહોંચ્યો છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં કાપડની ફેક્ટરી ધરાવતાં સુરતના સેવાભાવી ઉદ્યોગપતિ અશ્વિન પટેલને અમારી સેવાપ્રવૃત્તિની જાણ થતાં તેમણે ગુણવત્તાયુક્ત નોન વુવન 28 જી.એસ.એમ.નું 25 હજાર મીટર મેડિકેટેડ કાપડ વિનામુલ્યે આપ્યું હતું. જેથી અમારો ઉત્સાહ બેવડાતાં મંડળ દ્ધારા યુદ્ધના ધોરણે માસ્ક બનાવવાનુ કામ શરૂ કરાયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના વાયરસના પડકારનો સામનો કરી રહેલા તબીબો, નર્સીસ, મેડિકલ સ્ટાફ, પોલીસ જવાનો, દિનરાત સેવા કરતાં સેવાભાવી સંસ્થાઓના કોરોના વોરિયર્સ તરીકેના કાર્યને બિરદાવવાના હેતુસર આજથી કોરોના વોરિયર્સ માસ્ક તેમજ લીનન, ખાદી માસ્ક, ડિઝાઈનર માસ્ક, કોન્સેપ્ટ બેઝ માસ્ક, ચિલ્ડ્રન માસ્ક, આરોગ્ય સેતુ માસ્ક, મોદી માસ્ક જેવા વિવિધ પ્રકારના માસ્ક બનાવીને વિનામૂલ્યે વિતરણ શરૂ કરીએ છીએ.


મંડળ દ્વારા રોજના 40 થી 50 હજાર માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. માત્ર સુરત શહેરમાં જ નહિ, પણ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અંકલેશ્વર, ભરૂચ, વલસાડ, વારાણસી અને અમેઠી પણ જથ્થાબંધ માસ્ક મોકલવામાં આવ્યા છે. સુરતના દરેક વોર્ડમાં 20 થી 25 હજાર માસ્ક વિનામૂલ્યે શહેરીજનોને આપવામાં આવ્યા છે. સંસ્થાના જિજ્ઞેશ દુદાણે સહિતના સ્વયંસેવકોના સહકારથી પાલિકા, પોલીસ ડિપાર્ટમેન્ટ, નવી સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલ, બેંકો, ધર્માદા ટ્રસ્ટ, પેટ્રોલ પમ્પો, સહકારી મંડળીઓ, શાક માર્કેટ, ક્લસ્ટર ઝોનના નાગરિકો માટે, વિવિધ સંસ્થાઓ, રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટોમાં માસ્ક વિતરણ કરાયું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp