સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એક વર્ષની આવક કરતા પણ વધારે આવક માસ્ક પર દંડથી થઈ

PC: dainikbhaskar.com

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દિવાળી પછી રાજ્યમાં ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈ કાલે કોરોનાના 1,515 કેસ સામે આવ્યા હતા. કોરોનાના કેસમાં વધારો થયો હોવાના કારણે તંત્ર દ્વારા અમદાવાદમાં સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યું લાદયો છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યુંનો પણ અમલ કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા રસ્તા પર જતા સમયે માસ્ક ન પહેરનાર, જાહેરમાં થૂંકનારા અને સામાજિક અંતરનું પાલન કરનારા લોકોની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, જેટલી કમાણી તંત્રને સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી એક વર્ષમાં નથી થઇ તેટલી કમાણી તંત્રને માસ્ક અને સામાજિક અંતરના ભંગ બદલ લેવામાં આવતા દંડમાં થઇ છે.

તંત્રએ છેલ્લા 58 દિવસના સમયમાં લોકોને કોરોનાની ગાઈડલાઈનના નિયમ ભંગ બદલ કરેલા દંડમાં 26 કરોડની કમાણી કરી છે અને અત્યાર સુધીમાં 78 કરોડ રૂપિયાના દંડની વસુલાત કરી છે. 15 જૂનથી 24 સપ્ટેમ્બર સુધીમાં 52.35 લાખ રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને એક વર્ષના સમયગાળામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 63.50 કરોડ રૂપિયાની આવક થઇ હતી.

રાજ્ય સરકાર દ્વારા માસ્ક અને સામાજિક અંતરનું પાલન ન કરવા બદલે પહેલા 200 રૂપિયાનો દંડ લેવામાં આવતો હતો પરંતુ લોકો આ નિયમોનો વારંવાર ભંગ કરતા હોવાના કારણે તંત્ર દ્વારા આ દંડની રકમમાં વધારો કરીને 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. 500 રૂપિયાનો દંડ રાજ્ય સરકારે નક્કી કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશથી માસ્ક અને સામાજિક અંતરના નિયમનો ભંગ કરવા બદલ દંડની રકમ 1000 રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય 11 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો છે. તંત્રએ અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર અને સામાજિક અંતરનો ભંગ કરનારા લોકો પાસેથી કરોડો રૂપિયાના દંડની વાસૂલાત કરી છે.

અલગ-અલગ રાજ્યમાં લેવામાં આવતા માસ્ક ન પહેરવાના દંડની વાત કરવામાં આવે તો દિલ્હીમાં 2000, કેરાલામાં 1000, ઉત્તર પ્રદેશમાં 500, રાજસ્થાનમાં 500, બિહારમાં 50, મુંબઈમાં 200, પૂણેમાં 500, તમિલનાડુમાં 200, ઓડીશામાં 500, પંજાબમાં 500, મધ્ય પ્રદેશમાં 100 અને કર્ણાટકમાં 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp