આ વેક્સીનના બે ડોઝની સાથે રશિયા આપી રહ્યો છે 24 દિવસના પેકેજ ટુરની ઓફર

PC: blog.wego.com

કોરોના મહામારી વચ્ચે સૌથી વધારે અસર ટુરિઝમ ઈન્ડ્સ્ટ્રી પર પડી છે. ઘણા દેશોએ પોતાની બોર્ડર બંધ કરી દીધી છે અને દેશની બહાર ફરવા જવું એક સપના જેવું થઈ ગયું છે. કોરોના પર કાબૂ મેળવવા માટે આખી દુનિયામાં વેક્સીનેશન પ્રોગ્રામોને જોર શોરથી ચલાવવામાં આવી રહ્યા છે. તેવામાં એક ટ્રાવેલ એજન્સીએ વેક્સીન ટુરિઝમને એક સાથે જોડીને લોકો માટે અનોખી ઓફર કાઢી છે. લોકો પણ આ વેક્સીન ટુરિઝમને ઘણું પસંદ કરી રહ્યા છે. દુબઈની એક ટ્રાવેલ એજન્સીએ દિલ્હીથી મોસ્કો માટે 24 દિવસના પેકેજ ટુરની શરૂઆત કરી છે.

આ પેકેજ હેઠળ યાત્રીઓને રશિયા બોલાવવામાં આવશે, જ્યાં તેમને સ્પુતનિક વીના બે ડોઝ આપવામાં આવશે અને સાથે જ તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ પેકેજની ખાસ વાત એ છે કે ટુરિસ્ટ આ બે ડોઝ વચ્ચે રશિયામાં ઘણી જગ્યાઓએ ફરવા માટે જઈ શકે છે. આ પેકેજની કુલ કિંમત 1.29 લાખ રૂપિયા છે અને તેમાં આ વેક્સીનની ફી સહિત બધા ખર્ચા સામેલ છે.

ઈન્ડિયા ટુડે સાથે આ ટ્રાવેલ એજન્સીએ વાત કરતા કહ્યું હતું કે લોકોમાં આ પેકેજને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં 28 ટુરિસ્ટનો પહેલો બેચ 29 મેના રોજ રવાના થશે. હવે આ બુકિંગ ફૂલ થઈ ચૂક્યું છે. ટુરિસ્ટનું આગામી ગ્રુપ 7 અને 15 જૂને રશિયા માટે નીકળશે. એજન્સીનું કહેવું છે કે જો તમે વેક્સીન નથી લગાવડાવી તો અમે તમને સ્પુતનિક વીના ડોઝ માટે રશિયા લઈ જશું. 24 રાત અને 25 દિવસના આ પેકેજમાં બે ડોઝ-, દિલ્હી-મોસ્કોની ફ્લાઈટ ટિકીટ, સેન્ટ પીટર્સબર્ગની 3 સ્ટાર હોટલમાં 4 દિવસ રહેવાની સુવિધા, મોસ્કોમાં 3 સ્ટાર હોટલમાં 20 દિવસ રહેવાની સુવિધા, મોસ્કો-સેન્ટ પીટર્સબર્ગ આવવા જવાની ટ્રેન ટિકીટ સિવાય 24 બ્રેકફાસ્ટ અને ડિનર પણ સામેલ છે.

એજન્સીએ વધુમાં આ પેકેજ અંગે વાત કરતા કહ્યું કે, અમે દરેક બેચમાં 30 યાત્રીઓને લઈ જઈ રહ્યા છીએ. પેકેજમાં માત્ર 10000 રૂપિયાની વીઝા ફી સામેલ નથી. મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગની આસપાસની ફરવાની જગ્યાઓનો ખર્ચ પણ પેકેજમાં સામેલ છે. આ અંગે રશિયાના વિઝા સેન્ટરનો પણ સંપર્ક કરવામાં આવતા ત્યાંના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારતીય નાગરિક આ સમયે કોઈ પણ રીતના વિઝા માટે આવેદન કરી શકે છે અને નવી દિલ્હીમાં વિઝા સેન્ટર ખુલ્લું છે.

ટ્રાવેલ એજન્સી મેક માય ટ્રિપના પ્રવક્તાના કહેવા પ્રમાણે, જે લોકો પાસે ભારતીય પાસપોર્ટ છે, તેઓ રશિયાની યાત્રા કરી શકે છે. રશિયા તરફથી ભારત માટે હાલમાં કોઈ પ્રતિબંધ રાખવામાં આવ્યા નથી. જોકે હાલની મહામારીને જોતા વિઝા નિયમ અને ફ્લાઈટ્સના નિયમોમાં પણ ઘણા બદલાવ થઈ શકે તેમ છે. આથી દેશની બહાર જતા પહેલા બધા નિયમોને સારી રીતે જાણીને જ કોઈ પ્લાન બનાવવો જોઈએ.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp