કોરોનાનું 40% કે તેથી વધુ સંક્રમણ હોય તો, સાજા થયા પછી થઈ શકે છે આ ગંભીર સમસ્યા

PC: livehindustan.com

તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે, કોરોનાની સારવાર લીધા બાદ પણ દર્દીને અન્ય તકલીફો થાય છે. કોરોનાના કારણે ઘણીવાર દર્દીના શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો ઘણી વાર દર્દીને આંખની દ્રષ્ટિ ઓછી થવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, કોરોના સારો થઈ ગયા પછી કોઈ વ્યક્તિને ફાઈબ્રોસીસ થઈ ગયું છે. પરંતુ શું તમને ખબર છે કે આ પલ્મોનરી ફાઈબ્રોસીસ શું છે. આજે અમે તમને પલ્મોનરી ફાઈબ્રોસીસ શુ છે, તેના વિશે માહિતી આપીશું.

આ બાબતે સુરત શહેરના જાણીતા પલ્મોલોજિસ્ટ ડૉક્ટર સમીર ગામીએ પલ્મોનરી ફાઈબ્રોસીસ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પલ્મોનરી ફાઈબ્રોસીસનો મતલબ ફેફસા કડક થઇ જવા છે. સામાન્ય રીતે મનુષ્યના ફેફસા સ્પોન્જ, પાઉ જેવા છિદ્રોવાળા, જાળીવાળા અને પોચા હોય છે. મનુષ્યના ફેફસા સામાન્ય રીતે ઇલાસ્ટિક જેવા હોય છે પરંતુ ફાઈબ્રોસીસમાં ફેફસા કડક થઇ જતા હોય છે. જેના કારણે ફેફસા પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેસે છે અને ફેફસાં પહેલાની જેમ સંકોચાતા નથી અને બરાબર ફૂલતા નથી. જેના કારણે ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળતું નથી અને આને ફાઈબ્રોસીસ કહેવામાં આવે છે.

ડૉક્ટર સમીર ગામીએ વધુમાં જણાવ્યું હતું કે, પલ્મોનરી ફાઈબ્રોસીસ 40 વર્ષ પછી થતું હોય છે. આ ઉપરાંત જે દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન તેમનાં ફેફસાં 30થી 40 ટકા કરતા વધારે સંક્રમિત થયા હોય તેવા દર્દીઓને કોરોનાથી સારા થયા બાદ પલ્મોનરી ફાઈબ્રોસીસ થવાની શકયતાઓ ઘણી વધારે રહે છે. કોરોનાના સારવાર લીધા બાદ દર્દીને ફાઈબ્રોસીસ થયા બાદ તેના ફેફસા સંકોચાતા નથી અને બરાબર ફૂલી શકતા નથી. જેના કારણે ઓક્સિજન તેને પૂરતા પ્રમાણમાં મળતું નથી અને જેથી દર્દીને પોતાના ઘરે પણ ઓક્સિજન લેવાની જરૂર પડે છે.

કોરોનાના દર્દી સારવાર લીધા બાદ જો કોઈ પણ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, થાક લાગે, વધારે ઉધરસ આવે તો એ દર્દીએ તાત્કાલિક પલ્મોનરી ફાઈબ્રોસીસનો ટેસ્ટ કરાવવો જોઈએ. કોરોના વાયરસ દર્દીના ફેફસાને જીવન પર્યંત સુધી નુકસાન પહોંચાડી શકે છે અને આ દર્દીઓના ફાઈબ્રોસીસ રિવર્સ થતા નથી. ફાઈબ્રોસીસ રીવર્સ થવુ એટલે દર્દીના ફેફસા પહેલાની જેવા થઈ જવા. જે દર્દીના ફેફસામાં ફાઈબ્રોસીસ રીવર્સ થતું નથી તે દર્દીઓને લાઈફ લોન્ગ ટાઈમ સુધી ઓક્સિજન પર રહેવું પડે તેવું પણ બની શકે છે. ફાઈબ્રોસીસ દર્દીને છે કે, નહીં તે જાણવા માટે સીટી સ્કેન અને પલ્મોનરી ફંકશન ટેસ્ટ અથવા 6 મિનિટ વોક ટેસ્ટથી નિદાન કરી શકાય છે.

કોરોના નવી બીમારી છે અને હજુ પણ તેના પર સંશોધન, અભ્યાસ ચાલી રહ્યા છે. કોરોનાની મહામારી ફેલાય છે તેને એક વર્ષ થયું નથી એટલે એવું કહેવું પણ વહેલું રહેશે કે, દર્દીને તે લાઈફ લોન્ગ નુકસાન કરશે કે નહીં. દર્દીને ફેફસાનું ફાઈબ્રોસીસ સારું કરવા માટે તેને દવા આપવામાં આવે છે અને આ દવા ફાઈબ્રેસીસને આગળ વધતું અટકાવે છે. ફાઈબ્રેસીસથી મુક્ત થવા માટે દર્દીને પ્રાણાયામ અને ફુગ્ગા ફુલાવવા જેવી કસરતો કરાવવામાં આવે છે પરંતુ ઘણા દર્દીઓને દવા આપવા છતાં પણ તેમને ફેફસાનું ફાઈબ્રોસીસ સારું થતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp