કોરોના સામે જંગ છેડાયો છે, ગુજરાત સરકાર આ રીતે કામ કરી રહી છે દિન-રાત

PC: dnaindia.com

 

ગુજરાત સરકારના વહીવટી તંત્રને સલામ છે. ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમારે શરૂ કરેલો પ્રયોગ અભિનંદનને પાત્ર જ નહીં  અનુકરણિય બની શકે છે. તેમણે મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને મહેસૂલની કચેરીઓને રાત્રી સુધી ચાલુ રખાવી વેપારીઓ અને લારી-ગલ્લાવાળાના ઓળખકાર્ડ બનાવડાવ્યા છે. તેમણે જિલ્લા કલેક્ટર કચેરીઓને ધમધમતી કરી છે, એટલું જ નહીં ટ્વિટર કે ફેસબુક જેવા સોશ્યલ મિડીયાના માધ્યમથી કોઇ વ્યક્તિ ફરિયાદ કરે તો ખુદ પંકજકુમાર તેનું નિરાકરણ કરી રહ્યાં છે.

 ટ્વિટર પર કોઇ નાગરિક એવી ફરિયાદ કરે કે અમારા વિસ્તારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો નથી ત્યારે તેઓ વિસ્તાર અને મહોલ્લો પૂછીને જિલ્લા કલેક્ટરને સીધો આદેશ કરે છે અને જ્યાં અછત હોય ત્યાં પુરવઠાની વ્યવસ્થા કરાવે છે. ગુજરાત સરકારના બહુ ઓછા અધિકારીઓ સોશ્યલ માધ્યમથી લોકોના પ્રશ્નોનો નિકાલ લાવતા હોય છે.

 લોકડાઉનની સ્થિતિમાં જ્યારે અનાજ, કરિયાણા અને દૂધ જેવી સામગ્રીનું વિતરણ કરતી દુકાનો પાસે ભીજ એકત્ર ન થાય તે માટે તેમણે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં વ્હાઇટ કલરથી કુંડાળા કરાવીને લોકોને એક મીટર દૂર ઉભા રાખવાની પ્રથા શરૂ કરાવી છે. આજે આખા રાજ્યમાં લોકો ચીજવસ્તુ લેવા નિકળે છે ત્યારે આ સિસ્ટમને અનુસરવાનું હોય છે.

 કહેવાય છે કે આફતના સમયમાં સરકાર જ વહારે આવે છે, કારણ કે તેની પાસે સમગ્ર વહીવટી તંત્ર છે. મહેસૂલ વિભાગના આ અધિકારી સરકાર માટે ફાયર ફાઇટરનું કામ કરે છે. કુદરતી આપત્તિમાં તેઓ અગ્રેસર હોય છે. ગુજરાતમાં વાવાઝોડાની નોબત હોય કે ભારે વરસાદની નોબત આવે, પંકજકુમાર ખડેપગે હોય છે. લિડરશીપના તેમનામાં ગજબના ગુણ છે. આવા જ બીજા એક અધિકારી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા છે. તેઓ પણ સોશ્યલ મિડીયામાં એક્ટિવ છે. અમદાવાદમાં પુરવઠાની સ્થિતિ પર તેમની સીધી વોચ છે. તેઓ મોટાભાગની સૂચનાઓ ટ્વિટરના માધ્યમથી આપે છે.

કોરોના વાયરસની આફતમાં રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ અશ્વિનીકુમાર, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ પણ ખડેપગે છે. તેઓએ તેમના વિભાગનો મોરચો સંભાળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રતિદિન ક્વોરન્ટાઇન કરેલા લોકોની સાથે ટેલીફોનિકથી વાતચીત કરી રહ્યાં છે.

 નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માસ્ક કે સેનેટાઇઝર વિના લોકોની સેવા કરવા વચ્ચે દોડી જાય છે. સુરત અને અન્ય શહેરોમાંથી પગપાળા વતન જવા નિકળેલા શ્રમિકો માટે તેમણે રસ્તા વચ્ચે ઉભા રહીને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી આપી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp