હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકીઃ કોરોનાને લઈ WHOની ચેતવણી

PC: yale.edu

દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે, હજુ આ મહામારીનો સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ એડહનૉમ ગિબ્રયેસૉસએ કહ્યું છે કે, જો દુનિયાભરની સરકારોએ યોગ્ય નીતિઓનું પાલન ના કર્યું તો આ વાયરસ હજુ વધુ લોકોને સંક્રમિત કરી શકે છે. થોડાં દિવસો પહેલા WHO ચીફે દુનિયાભરના નેતાઓને રાજકારણ ન કરવાની ચેતવણી આપી હતી.

સોમવારે એક વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન તેમણે કહ્યું કે, અમે બધા ઈચ્છીએ છીએ કે, કોરોના વાયરસ વહેલામાં વહેતી તકે પૂરો થઈ જાય. આપણે બધા જ આપણા સામાન્ય દિવસોના જીવનમાં પાછા જવા માગીએ છીએ, પરંતુ કડવું સત્ય એ છે કે, આપણે હજુ પણ આ મહામારી પૂરી થવાથી ઘણા દૂર છીએ. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, વૈશ્વિક સ્તર પર મહામારી ફેલાવાની સ્પીડ ઝડપી બની રહી છે.

તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતામાં ઉણપ, વૈશ્વિક એકજૂથતામાં ઉણપ અને વહેંચાયેલી દુનિયા કોરોના વાયરસની સ્પીડને વધારી રહી છે. જો તેને રોકવામાં ન આવશે તો હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે. તેમણે જર્મની, દક્ષિણ કોરિયા અને જાપાનની સરકારોના કામના વખાણ પણ કર્યા અને બીજા દેશોને પણ તેમના જ રસ્તા પર ચાલવાનો આગ્રહ કર્યો.

WHOએ પહેલા કહ્યું હતું કે, સૌથી મોટું જોખમ જેનો આપણે સામનો કરી રહ્યા છીએ, તે વાયરસ પોતે નથી પરંતુ વૈશ્વિક એકજૂથતા અને વૈશ્વિક નેતૃત્વની ઉણપ છે. આપણે ખંડિત વિશ્વની સાથે આ મહામારીને હરાવી ના શકીએ. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે WHOની, મહામારીની શરૂઆતમાં કથિતરીતે ઉચિત પગલાં ન લેવા બદલ ટીકા કરી હતી અને તેમનું માનવું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ચીનની વધુ પ્રશંસા કરે છે. જોકે, મહામારી સામે લડવામાં તેના પ્રશાસનની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં છે.

કોરોના વાયરસની ઉત્પત્તિ સંબંધી તપાસ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ટૂંક સમયમાં જ પોતાની એક ટીમ ચીન મોકલશે. જોકે, હજુ એ જાણવા નથી મળ્યું કે, આ ટીમમાં કોણ-કોણ સામેલ હશે અને આ તપાસનો ઉદ્દેશ્ય શું હશે. ચીન શરૂઆતથી જ કોરોનાની ઉત્પત્તિ સંબંધી તપાસથી ઈનકાર કરતું રહ્યું છે. કોરોના વાયરસના પ્રસારને લઈને દુનિયામાં ખરાબરીતે ઘેરાયેલા ચીને દબાણમાં આવીને ભલે તપાસ ટીમને આવવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ, એ જોવું રહ્યું કે શું ચીનમાં આ તપાસ ટીમને જિનપિંગ  પ્રશાસનનો સંપૂર્ણ સહયોગ મળે છે કે નહીં, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન શરૂઆતથી જ કહેતું રહ્યું છે કે, ચીન તેની તપાસ ટીમને બોલાવે, જેથી એ જાણી શકાય કે આ વાયરસનો એનિમલ સોર્સ છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp