મહારાષ્ટ્રના નંદુરબારનો પ્રયોગ ગુજરાતે કેમ શરૂ કર્યો?ગામડાઓમાં હવે શું થવાનું છે

PC: livemint.com

ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાત સરકારે ગામડાઓમાં કોવિડ કોર સેન્ટર ઉભા કરવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગે તમામ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સૂચના આપી છે કે તેઓ પ્રત્યેક ગામમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરી કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા પ્રયાસ કરે.

આ પ્રમાણેનો પ્રથમ પ્રયોગ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કરવામાં આવ્યો હતો. આ જિલ્લાના કલેક્ટરે અગમચેતી વાપરીને ગયા ડિસેમ્બર મહિનામાં જ ગામડાની સ્કૂલો, કોમ્યુનિટી હોલ, મંદિરો અને સમાજની વાડીઓમાં કોવિડ કોર સેન્ટર ઉભા કરી દીધા હતા, પરિણામે આ જિલ્લામાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. આ પ્રયોગથી પ્રેરાઇને મહારાષ્ટ્રની સરકારે પણ પ્રત્યેક જિલ્લામાં આ પ્રયોગ શરૂ કર્યો છે.

હવે ગુજરાત સરકારને પણ આ પ્રયોગની આવશ્યકતા ઉભી એટલા માટે થઇ છે કે ગુજરાતના શહેરોનું કોરોના સંક્રમણ હવે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશી ચૂક્યું છે. રાજ્યમાં એવાં પણ ગામો છે કે જ્યાં પ્રતિદિન 50 થી 70 કોરોના પોઝિટીવ દર્દીઓ આવે છે. ગામડામાં 10 થી 15 બેડ સાથેના કોવિડ કોર સેન્ટર ઉભા કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

પ્રત્યેક ગામ કે જ્યાં કોરોના કેસોની સંખ્યા વધતી જાય છે ત્યાં સરકારી સ્કૂલ, કોમ્યુનિટી હોલ, સમાજની વાડી કે સરકારી મકાનમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સેન્ટરનો હેતુ એટલો જ છે કે ગ્રામીણ વિસ્તારના દર્દીને તેમના જ ગામમાં આરોગ્યની સારવાર મળી શકે તેથી તેઓને શહેરમાં સારવાર લેવા આવવું પડે નહીં.

આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો તેમજ ડીડીઓને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે ક પ્રત્યેક ગામમાં જન ભાગીદારીથી કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવે. જે લોકોને કોરોના સંક્રમણના માઇનર લક્ષણો હોય છે અને જેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ઉભી થતી નથી તેવા દર્દીઓને આ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે.

આરોગ્ય વિભાગના આદેશ પ્રમાણે ગામમાં સરકારી મકાન, સ્કૂલ, હોસ્ટેલ, સમાજની વાડી કે મંદિરની ખાલી પડેલી જગ્યાએ કોવિડ કોર સેન્ટર ઉભું કરી શકાય તેમ છે. એક ગામમાં ઓછામાં ઓછા 10 થી 15 બેડ હોવા જોઇએ. જે દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે તેમના માટે આ સેન્ટરો ઉભા કરવામાં આવશે. આ સેન્ટરમાં નોડલ ઓફિસરની નિયુક્તિ પણ કરવાની રહેશે.

સૂચના પ્રમાણે કેર સેન્ટરમાં જરૂરી દવાઓ, ડોક્ટર અને અન્ય સ્ટાફ, આયુર્વેદિક ઉકાળા તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉભી કરવાની રહેશે. જરૂર જણાય ત્યાં ટેલી મેડિસીનનો ઉપયોગ કરવાનો રહેશે. કોઇપણ દર્દીને બીજી જગ્યાએ ફેરવવાના થાય તો તેની વ્યવસ્થા પણ કરવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp