26th January selfie contest

મોટી સંખ્યામા ખોડલધામ મા ખોડલના આશીર્વાદ લેવા પહોંચ્યા શ્રદ્ધાળુઓ, જુઓ Photos

PC: khabarchhe.com

કાગવડ શ્રી ખોડલધામ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, દિવાળી અને નવા વર્ષના પર્વમાં લોકો દેવ-દેવતાના દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરતાં હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિરે દર વર્ષે દિવાળીના તહેવારમાં ભક્તો મા શ્રી ખોડલના દર્શને પધારતાં હોય છે. ખૂબ જ ટૂંકાગાળામાં દેશ-વિદેશમાં પ્રખ્યાત બની ગયેલા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા શ્રી ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે શ્રી ખોડલધામ સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. ત્યારે આ વર્ષે દિવાળીના પર્વમાં શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તોએ મા શ્રી ખોડલના દર્શન કરી આશીર્વાદ લઈને નવા વર્ષનો પ્રારંભ કર્યો છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ દિવાળીના પર્વને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં ખાસ લાઈટીંગ, રંગોળી દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

હિંદુ ધર્મમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારનું એક આગવું મહત્વ છે. દિવાળીના તહેવારમાં અગિયારસથી લઈને લાભ પાંચમ સુધી તહેવારોની હારમાળા હોય છે અને વેકેશનના દિવસો હોવાથી લોકો ધાર્મિક સ્થળો પર ઉમટી પડતાં હોય છે. જ્યારથી શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી દરેક તહેવારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા શ્રી ખોડલના દર્શન માટે આવી પહોંચે છે. નવા વર્ષનો પ્રારંભ લોકો દેવી-દેવતા અને વડીલોના આશીર્વાદ લઈને કરતાં હોય છે ત્યારે આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષના તહેવારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા શ્રી ખોડલના દર્શન કર્યા હતા. શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિકતાની સાથે સાથે પ્રકૃતિનો પણ અહેસાસ કર્યો હતો. દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા શ્રી ખોડલના દર્શન કરીને મંદિર પરિસરમાં આવેલા રમણીય બગીચા, ગજીબા, શક્તિવનમાં પરિવાર સાથે પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.

દિવાળીના તહેવાર દરમિયાન દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ શ્રી ખોડલધામ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો. વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો મા શ્રી ખોડલના દર્શને આવતા હોવાથી અન્નપૂર્ણાલયમાં ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. નેશનલ હાઈવેથી લઈને શ્રી ખોડલધામ મંદિર સુધી ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વેકેશનમાં દરરોજ એક હજારથી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. ગોંડલ, જેતપુર, જામકંડોરણા, બાબરા, ભેસાણ, જેતપુર, વડીયા, રાજકોટ, અમરેલી, ધોરાજી, ધ્રોલ, જૂનાગઢ, જામનગર સહિતની સમિતિઓના સ્વયંસેવકો દિવાળી વેકેશન દરમિયાન પાર્કિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, અન્નપૂર્ણાલય, કેન્ટીન, બગીચા, પ્રસાદઘર વગેરે વિભાગોમાં ખડેપગે રહીને સવારથી સાંજ સુધી સેવા ઉમદા સેવા આપી હતી. દિવાળીના વેકેશનમાં માતાજીના દર્શન કરવા માટે મંદિરના અંદરના ભાગથી લઈને બહાર સુધી ભક્તોને કોઈ અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત ભક્તો માટે વિનામૂલ્યે ચા-પાણીની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિવ્યાંગ કે સિનિયર સિટીઝન માટે મુખ્યગેટથી મંદિર સુધી જવા માટે વ્હીલચેર અને ગોલ્ફકારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

દિવાળીના તહેવાર દરમિયાન મા શ્રી ખોડલનો દરરોજ અવનવા વાઘા અને આભૂષણોથી શણગાર કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં દરરોજ અવનવી રંગોળી કરવામાં આવી હતી. દિવાળી પ્રકાશનો તહેવાર હોવાથી મંદિર પરિસરને પણ રંગબેરંગી લાઇટોથી નવોઢાની જેમ શણગારી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp