નવા પ્રાધ્યાપક તરીકે જોડાતા પહેલા 1 વર્ષની તાલીમ ફરજીયાત

14 Jan, 2018
02:35 PM
PC: dnaindia.com

આગામી 24મી જાન્યુઆરીના રોજ નેશનલ ટીચર્સ ટ્રેનિંગ પોલિસી જાહેર થશે. જેના અંતર્ગત પ્રોફેશનલ કોર્સ જેવા કે એન્જીનિયરીંગ, ફાર્મસી, આર્કિટેક્ચરમાં ભરતી થનારા પ્રાધ્યાપકોની ગુણવત્તા સુધરે તેના માટે અનેક પગલાં લેવામાં આવશે. પ્રાધ્યાપકોને સીધા નોકરીમાં કાર્યરત બનાવવાને બદલે તેઓએ એક વર્ષની તાલીમ ફરજીયાત પૂરી કરવી પડશે.

આ તાલીમના આઠ મોડ્યુઅલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં છ મહિનાની તાલીમ શૈક્ષણિક કામકાજને લગતી રહેશે, જ્યારે બાકીની છ મહિનાની તાલીમ સિનીયર પ્રાધ્યાપકના માર્ગદર્શનમાં લેવાની રહેશે. તે ઉપરાંત આઈસીટી લાયકાત પણ મેળવવાની રહેશે.

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)ના ઉપાધ્યક્ષ ડૉ. એમ.પી. પુનિયાએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સાતમા પદવીદાન સમારોહમાં અતિથિવિશેષ તરીકે હાજરી આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેડિકલ કૉલેજોની જેમ જ એન્જીનિયરીંગ કૉલેજોમાં દેશભરમાં એક જ ટેસ્ટ લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. નીતિ - નેશનલ એન્ટ્રન્સ એક્ઝામ ફોર ટેકનિકલ ઈન્સ્ટીટ્યુટ્સ નામે આવી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વર્ષ 2019-2020થી લાગુ કરવાની વિચારણા કરાઈ રહી છે. તેની જવાબદારી નેશનલ ટેસ્ટીંગ એજન્સીને સોંપવામાં આવશ.

મેડિકલની જેમ જ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે છ મહિનાની ઈન્ટર્નશીપ ફરજીયાત બનાવવામાં આવશે. તેના માટે વિવિધ એજન્સીઓ સાથે એઆઈસીટીઈ મળીને તેનો અમલ કેવી રીતે કરવો તેના પર ગંભીર વિચારણા કરી રહી છે. હાલમાં બીઈ કે બીટેક જેવા કોર્સ અલગ અલગ યુનિવર્સિટીઓ અલગ અલગ પ્રકારના ચલાવી રહી છે. તેને એકસરખા બનાવવામાં આવશે. આ અભ્યાસક્રમ સરળ અને બહેતર બનાવવા સરકાર અને કાઉન્સિલ ભારે જહેમત ઊઠાવી રહી છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.