રાજકોટમાં સ્કૂલ-કોલેજમાં 13 જૂન સુધી રજા જાહેર

PC: wikimedia.org

ગુજરાતમાં આવનારા વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રમાં હાઇ એલર્ટ છે, ત્યારે રાજકોટમાં પણ સ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર એલર્ટ પર છે અને વાયુ વાવાઝોડાની આશંકાને જોતા રાજકોટમાં સ્કૂલ-કોલેજમાં 13 જૂન સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 12-13 જૂનના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આ વાવાઝોડું વેરાવળના દરિયાકાંઠાના વિસ્તારોને વધુ ઇફેક્ટ કરે તેવું કહેવાય રહ્યું છે.

સોમવારે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું ઍલર્ટ...

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં 930 કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં પંકજકુમારે રાજ્યના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે એક માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં 930 કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું. તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી 12 તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની પૂરી સંભાવના છે.

આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ 80 કિ.મી.થી વધીને 100 કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને રાહત-બચાવ કામગીરી કરનારી એજન્સીઓ, લશ્કર, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સને સજ્જ કરવામાં આવ્યા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી અને પરત ફરી રહેલી બોટ ઝડપથી પાછી દરિયાકાંઠે સલામત જગ્યાએ આવી જાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ પ્રવાસીઓને દરિયાકિનારે કે બીચ ઉપર સહેલગાહે નહીં જવા પણ જણાવાયું છે.

રાજ્ય સરકારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરુ સધન આયોજન હાથ ધર્યું છે જેની વિગતો આપતા અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે વધુ માહિતી આપી હતી. તેમણે વીજળી, રસ્તા, મકાનો, વૃક્ષો વગેરેના નૂકસાનને પહોંચી વળવા સંભવિત વિભાગોને સંકલનમાં રહી સજ્જ થવા સુચના અપાઇ છે. જરૂર પડ્યે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળા વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ સામે રાહત-બચાવ કામગીરી અને સંભવિત સ્થિતિના સામના માટે મોકડ્રીલ કરવા સંબંધિત વિભાગોને જણાવાયું છે. આ વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા, જીવનજરૂરી ચીજવસ્તુઓ, પીવાનું પાણી, દવા-ચાર્જીંગ કરેલી બેટરી વગેરે હાથવગા રાખવા અને દરિયા નજીક નહીં જવા પણ જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp