26th January selfie contest
BazarBit

GPSC ક્લાસ 1-2ની પરીક્ષા આપવા જાઓ છો? ચેરમેને આપેલી મહત્ત્વની માહિતી વાંચી લો

PC: gujaratinformation.net

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતીકાલ, તારીખ ૧૩/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ અને બપોરે ૩.૦૦ થી ૬.૦૦ કલાક દરમિયાન GPSC વર્ગ ૧ અને ૨ (જા.ક્ર. ૧ ૦/૨૦૧૯-૨૦) ની પરીક્ષા યોજાનાર છે. ૩૨ જિલ્લાના ૬૬૪ પેટા કેન્દ્રો પર કુલ ૧,૬૮,૬૯૮ ઉમેદવારો પોતાનું ભવિષ્ય લખી રહ્યા છે ત્યારે સૌ ઉમેદવારોને ગુજરાત જાહેર સેવા આયોગ વતી હૃદય પૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા ૧૫/૦૭/૨૦૧૯ના રોજ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૨, અધિક્ષક, નશાબંધી અને આબકારી, વર્ગ-૧ની કુલ ૦૧, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ ૦૨, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૭; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ની કુલ ૪૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (જીપીએસસી)ની કુલ ૦૧, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૧૦, રાજ્ય વેરા અધિકારીની કુલ ૦૫, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ ૦૫, આદિજાતિ વિકાસ અધિકારીની કુલ ૦૪, તાલુકા વિકાસ અધિકારીની કુલ ૧૫, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ)ની કુલ ૦૪ + ૦૪ = ૮ અધિક્ષક નશાબંધી અને આબકારી, વર્ગ-૨ની કુલ ૦૧, અન્ન અને નાગરિક પૂરવઠાના મદદનીશ નિયામકની કુલ ૦૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ની કુલ ૫૦+૪= ૫૪ જગ્યાઓ એમ સંકલિત કુલ ૯૭ + ૪ = ૧૦૧ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તેઓ પણ અરજી કરી શકવા હકદાર હતા.

આવતીકાલ યોજાનાર પ્રિલિમિનરી પરીક્ષામાં ૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો છે અને આ પરીક્ષાનું પરિણામ સંભવત: ડિસેમ્બર ૨૦૧૯માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષા (૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૨૩ ફેબ્રુઆરી, ૮ અને ૧૫ માર્ચના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં; જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.
મુખ્ય પરીક્ષાનું પરિણામ જૂન, ૨૦૨૦માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ જૂન-જુલાઈ માં થશે અને આખરી પરિણામ ૧૫ જુલાઈ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુમાં, ઘણા ઉમેદવારો OMR જવાબવહીમાં માહિતી લખતી વખતે ભૂલો કરે છે. આના કારણે OMR સ્કેનર તેને વાંચી શકતું નથી અને પરિણામે તેમની OMR મૂલ્યાંકન માટે ગણતરીમાં લેવામાં આવતી નથી. મારી અગાઉની પોસ્ટમાં લખ્યું હતું, ફરીથી એજ વાત રિપીટ કરું છું કે સામાન્ય રીતે એવું લાગે કે સોફ્ટવેર દ્વારા જ બધી પ્રક્રિયા થતી હોય તો પરિણામ પ્રસિદ્ધ કરવામાં આટલો સમય શા માટે ? પ્રાથમિક કસોટી એ હેતુલક્ષી હોય છે જેમાં ઉમેદવાર પોતાનો રોલનંબર OMR ઉત્તરપત્ર (જવાબવહી) પર આંકડામાં લખે છે અને લખેલ રોલનંબર એનકોડ કરવાનો હોય છે.

OMR (Optical Mark Reader) ટેકનોલોજીથી એનકોડ કરેલ Bubble રીડ કરવામાં આવે છે તથા આંકડામાં લખેલ નંબર ICR (Intelligent Character Recognition) ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. ઘણી વાર ઉમેદવાર Bubble એનકોડ કરવામાં ભૂલ કરે છે જેને કારણે આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબર એ બંન્નેમાં વિસંગતતા થાય છે. પરીક્ષા પછી ઉમેદવારને માલૂમ પડે કે બેઠક નંબર એનકોડ કરવામાં ભૂલ કરી છે તો આવા ઉમેદવારો આયોગને લેખિત રજૂઆત પણ કરતા હોય છે અને આયોગ આ રજૂઆતોને ગ્રાહ્ય પણ રાખતું હોય છે.

જો ચોકસાઇ ના રાખવામાં આવે તો કદાચ એવું બને કે ગેરહાજર રહેલ ઉમેદવારની સામે માર્કસ મૂકાય અથવા એક જ નંબરના બે ઉમેદવારો જણાય. આવું ના બને એટલા માટે આયોગ દ્વારા તમામ ઉમેદવારોએ આંકડામાં લખેલ નંબર અને એનકોડ કરેલ નંબરને સરખાવવામાં આવે છે તદ્દઉપરાંત OMR શીટ પર છાપેલ બારકોડ અને એટેન્ડન્ટ શીટ પરના નંબર OMR/ICR ટેકનોલોજીથી રીડ કરવામાં આવે છે. કોઈપણ કલ્પના કરી શકે કે ૪ લાખ કે તેથી વધુ OMR ઉત્તરવહીનું physical verification પ્રક્રિયા કેટલી tedious અને સમય માંગી લેનારી હોઈ શકે! આવી અજાણે થતી ભૂલોને ટાળવા માટે, તમામ ઉમેદવારોને નીચે પ્રમાણે ના નમૂનાની OMR કાળજીપૂર્વક વાંચવા માટે વિનંતી.


ઉમેદવારોને ખાસ વિનંતી કે પોતાના બેઠક નંબર એનકોડ કરવામાં ધ્યાન રાખે. ઉમેદવારો જેટલી ભૂલો ઓછી કરશે તેટલી આયોગને ઉત્તરવહીની ચકાસણી/બેઠક નંબરની સરખામણી કરવામાં ઓછી મહેનત કરવી પડશે અને પરિણામ વધુ ઝડપથી પ્રસિદ્ધ કરી શકાય.

(જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાની ફેસબુક વોલ પરથી)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp