ગુજરાતની આ શાળામાંથી વાલીઓ પોતાના બાળકોનું ટ્રાન્સફર કરાવી રહ્યા છે

PC: wikimapia.org

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી સેન્ટ પીટર્સ સ્કૂલ બંધ થવાના આરે છે. આ સ્કૂલમાં માત્ર 11 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 11 માંથી 8 વિદ્યાર્થીઓ RTE હેઠળ એડમિશન મેળવીને અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલમાં એક જ વર્ગમાં 1થી 8 ધોરણના બાળકોને અભ્યાસ કરાવવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને સરકારને લેખિતમાં રજૂઆત કરીને બાળકનું એડમિશન ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. બંધ થવાની પરિસ્થિતિ ધરાવતી આ શાળા બાબતે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો, કેશોદના જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી સેન્ટ પીટર્સ સ્કૂલ હવે નામ માત્ર રહી ગઈ છે. કારણકે આ શાળામાં શિક્ષકો ભણાવવા રાજી નથી અને બાળકો ભણવા માટે રાજી નથી. જાણીને નવાઈ લાગશે કે, ધોરણ 1થી 8મા અભ્યાસ કરવા આવતા બાળકોની કુલ સંખ્યા 11 છે અને આ તમામ બાળકોને શાળાના એક જ ઓરડામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. બધા ધોરણના બાળકોને સાથે ભણાવવામાં આવતા બાળકો અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી.

બાળકોનો અભ્યાસ બગડવાના કારણે વાલીઓ રોષે ભરાયા હતા. જેના કારણે એક બાળકના વાલીએ શિક્ષણ વિભાગમાં પત્ર લખીને પોતાના બાળકને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની માગ કરી છે. વાલીઓની લેખિત રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. શિક્ષણ વિભાગને બાળકોની ચિંતા ન હોવાના કારણે અન્ય બાળકોના વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે અને તેમને પણ પોતાના બાળકનું અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની માગ કરી છે.

બાળકોના ભવિષ્ય માટે ચિંતિત વાલીઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે આ સ્કૂલમાંથી અમારા બાળકોનું ટ્રાન્સફર કરાવવા માટે અમે 3 મહિનાથી મહેનત કરીએ છીએ. છતાં પણ સરકાર દ્વારા અમારી રજૂઆતનો નિકાલ કરવામાં આવતો નથી. શાળાની આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને સરકારને વિનંતી કરીએ છીએ કે, અમારા બાળકોના સારા ભવિષ્ય માટે બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp