ગુજરાતમાં 10 લાખથી વધુ ઉમેદવારો જે પરીક્ષા આપવાના હતા તે આ કારણે રદ્દ થઈ

PC: ruraluniv.ac.in

ગુજરાતના નોકરી વાંછુક 10,45,000 લોકોની સરકારી નોકરી કરવાની ઈચ્છાઓ પર પાણી ફેરવતો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા એકાએક બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવી છે. 11 ઓક્ટોબરના રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ ક્યા કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી છે, તેનું ચોક્કસ કારણ કોઈ નહોતું જણાવી રહ્યું. ખુદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને પણ પરીક્ષા રદ્દ કરવાનું કારણ ખબર નહોતી, પરંતુ હવે ખબર પડી ગઈ છે કે, આ એક્ઝામ શું કામ રદ્દ કરવામાં આવી છે.

એક્ઝામ રદ્દ કરવા પાછળનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ પોસ્ટ માટે 12 પાસ ઉમેદવારો પણ પરીક્ષા આપવાના હતા, પરંતુ હવે આ લાયકાત સ્નાતકની કરી દેવામાં આવી છે અને નવી તારીખો અને નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, તેવું કહેવાય રહ્યું છે. સરકારના આ નિર્ણયની અસર હજારો વિદ્યાર્થીઓ પર પડશે, જેઓ ફક્ત 12 પાસ છે અને તેના આધારે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.

આ બાબતે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરકારે કોઈ ચોક્કસ કારણે અમને આ પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યો છે. સરકાર વિદ્યાર્થીઓના અને જનતાના હિતમાં જ વિચારતી હોય છે. આવનારા ભવિષ્યમાં તાત્કાલિક પરીક્ષા લેવામાં આવશે અને વિદ્યાથીઓની મહેનત નિષ્ફળ નહીં જાય તેવું મારું ચોક્કસ માનવું છે.

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, અમને તો વહીવટીય સુચના આપવામાં આવી છે અને અમારે સરકારને કારણ પણ ન પુછાય કે, શા માટે પરીક્ષા રદ કરવામાં આવે છે. સરકારના આદેશથી અમે વેબસાઈટ પર સુચના મૂકી છે. આ બાબતે સરકાર સાથે ચર્ચા થયા પછી તેનું મુખ્ય કારણ ખબર પડે ત્યાં સુધી અમે કઈ ન કહી શકીએ.

ઉલ્લેખનીય છે કે, 3,930 જગ્યાઓની ભરતી માટે 33 જિલ્લાઓમાં અલગ-અલગ કેન્દ્રો પર 20 ઓક્ટોબરના રોજ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટનની પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે તે કોઈ પણ કારણ આપ્યા વગર અચાનક રદ કરી દેવામાં આવી છે. આ વાતને લઇને પરીક્ષાર્થીઓએ આંદોલન કરવાની ચીમકી પણ સોશિયલ મીડિયામાં ઉચ્ચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp