દરેક શિક્ષકો માટે પ્રેરણા બની આ શિક્ષિકા, બાળકોને ભણાવવાની તેની આ રીત છે અનોખી

PC: yourstory.com

દરેક બાળકમાં વિચારવાની ક્ષમતા અલગ હોય છે. કોઈ બાળક સરળતાથી વિષય સમજી જાય છે તો કોઈને તે સમજવામાં ઘણો સમય લાગે છે. કેટલાંક શિક્ષકો એવા હોય છે જે વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરી બાળકોને ભણાવતા હોય છે અને બાળકો તે વિષયને તેમની સમજણ મુજબ શીખી લે છે પરંતુ કેટલાંક શિક્ષકો એવા છે જે બાળકોને ભણાવવા માટે માત્ર બ્લેકબોર્ડ પર આધાર નથી રાખતા. આવી જ એક શિક્ષક છે આંધ્ર પ્રદેશના રાજમંદ્રીની એમ. મંગા રાની. મંગા રાની ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમની મદદથી બાળકોને એ રીતે સમજાવે છે કે તેમને મજા પણ આવે અને સરળતાથી તેઓ શીખી પણ જાય.

રાજમંદ્રીના મુરારી ગામની એક પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષણ આપનારી મંગા રાણી તેના તમામ વીડિયો સ્માર્ટફોન પર શૂટ કરે છે અને તે જાતે એડિટ પણ કરે છે. તેણે પોતાની એક યુટ્યુબ ચેનલ પણ બનાવી છે. જેના દ્વારા તે માત્ર તેના વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બાળકોને પણ શિક્ષણ આપે છે. યુટ્યબ પર તેની ચેનલના 46,000થી પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે. દેશના વિવિધ ભાગોમાં શિક્ષણ આપતાં ઘણાં શિક્ષકોએ તેનો સંપર્ક કરી તેને આ કામ માટે અભિનંદન પણ પાઠવ્યા છે.

મંગા રાનીએ કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ ટીચિંગને જ પોતાની કારકિર્દી બનાવી લીધી. તેણે સૌપ્રથમ તેના પોતાના શાળાના બાળકોને સમજાવવા માટે વિડિયોનો ઉપયોગ કર્યો. કેટલાંક નવા બાળકોના તેલુગુ શિખવામાં સમસ્યા થતી હતી. તેથી તેમની આ સમસ્યાનું સમાધઆન કરવા મંગા રાણીએ આ માધ્યમની મદદ લીધી. આ વિશે વધુ જણાવતા મંગા રાની કહે છે, 'દરેક બાળકની સમજવાની ક્ષમતાઓ અલગ હોય છે. શીખવવાની રીત કંઇક એવી હોવી જોઈએ કે બાળકો બધું સહેલાઈથી સમજી શકે અને તેમનું મન પણ અભ્યાસમાં લાગેલું રહે. તેથી મેં દરેક વાત કવિતા તરીકે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેના વિડીયો બનાવ્યા. તેનાથી બાળકોનું મન ભણવામાં લાગી રહ્યું છે.'

મંગા રાનીએ 2012માં તેની યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી. 6 વર્ષમાં તેના લગભગ 47 હજાર સબસ્ક્રાઇબર્સ બની ગયા છે. તેણે બધા વિડીયો શાળાના અભ્યાસક્રમ અનુસાર તૈયાર કર્યા છે. તેમજ ઘણીવાર સરકારી મટીરિયલનો પણ તે વિડીયોમાં ઉપયોગ કરે છે. મંગા રાણી 8 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે છે અને તેણીએ અત્યાર સુધીના તેના સફરનો તમામ શ્રેય તેના પતિને આપ્યો છે. મંગા રાણીના પતિએ દરેક પગલાંમાં તેનો સાથ નિભાવ્યો છે. આટલું જ નહીં, મંગા રાણીનો દીકરો અને દીકરી પણ તેના વિડીયોમાં વોઇસ ઓવર રેકોર્ડ કરે છે. છેલ્લે દરેક સુધી સંદેશો પહોંચાડવા મંગા રાણી એક જ વાત કહે છે, 'મારી બસ એ જ ઈચ્છા છે કે દરેક ટીચર બાળકોને એ રીતે ભણાવે કે દરેક વાત તેમને સરળતાથી સમજાઈ જાય.' મંગા રાણીની ભણાવવાની આ પદ્ધતિ દરેક શિક્ષકને પ્રેરે એવી છે. જો દરેક શિક્ષક ભણાવવાની પ્રક્રિયામાં આવા નીત-નવા ફેરફાર કરશે તો ભારતનું ભાવિ ખરા અર્થે ઉજળું બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp