26th January selfie contest

હાર્દિક અને જિગ્નેશ સહિત તમામ આંદોલનકારીઓએ એક વખત જોવા જેવુ `સાહેબ’

PC: Youtube.com

સામાન્ય રીતે સિનેમા હોલમાં જતો દર્શક મનોરંજન માટે જ આવે છે, તેવું નિર્માતા-દિગ્દર્શક માનતા હોય છે, પણ આ માન્યતાથી વિપરીત દર્શકને વિચારતો કરી મૂકે તેવી ફિલ્મ સાહેબ હાલમાં થિએટરમાં ચાલી રહી છે. દેશ અને ગુજરાતના રાજકારણમાં વિદ્યાર્થી આંદોલનોએ મોટો ભાગ ભજવ્યો છે. જો કે હાલની યુવા પેઢી 1974મા થયેલી નવનિર્માણ આંદોલનથી અજાણ છે. ફિલ્મમાં કયાંય દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ ફિલ્મ નવનિર્માણ આંદોલનની આસપાસ ફરતી હોય તેવું સમજાઈ જાય છે. 1974મા ગુજરાતના મુખ્યમંત્રી પદે ચીમનભાઈ પટેલ હતા અને વિદ્યાર્થી આંદોલનને કારણે તેમને સત્તા છોડવી પડી હતી. સાહેબમાં મુખ્યમંત્રીની ભૂમિકા અદા કરનાર અર્ચન ત્રિવેદીએ કદાચ નજીકથી જોયા છે કે નહીં તેની ખબર નથી, પરંતુ જેઓ પણ ચિમનભાઈ પટેલને જાણે છે તેઓ જો સાહેબ જોવા જાય તો નજર સામે તેઓ ચીમનભાઈ પટેલને જ જોઈ રહ્યા હોય, તેવું લાગે. આમ આપણો રાજકારણી કેવો હોય છે તેવુ દર્શાવવામાં અર્ચન સફળ રહ્યા છે.

સાહેબની ભૂમિકા અદા કરનાર મલ્હાર ઠાકર પાત્ર એક આંદોલનકારી નેતાનું છે, પણ જેઓ ગુજરાતના રાજકારણ અને આંદોલનને સમજે છે તેમને સમજાય તે સાહેબ એટલે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીનું મીક્સચર છે. કોલેજ ફી, રાજકારણમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, દલિત આંદોલન જેવા વિષયોને મલ્હારે યોગ્ય ના આપ્યો છે. સામાન્ય રીતે લોકોને પોતાની એક્ટિંગ દ્વારા હસાવતો મલ્હાર એક જુદા જ પાત્રમાં જોવા મળે છે.

સાહેબને ન્યાય આપવા માટે ફિલ્મના વિષયનો બારીક અભ્યાસ કર્યો હોવાનું દેખાઈ આવે છે. સાહેબની પ્રિયતમા એટલે ફિલ્મની હિરોઈન રાજપ્રિયા અને મલ્હારની કેમેસ્ટ્રી ખૂબ સારી છે. ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી દર્શકો જેને બોલ્ડ સીન માને તેવા પણ બે દૃશ્યો છે. જો કે બંને સીન કથાને અનુરૂપ છે ફિલ્મને વેચવા માટે કિસ સીન ઉમેરવામાં આવ્યા હોય તેવું જરા પણ લાગતું નથી. બહુ જ સહજ ઘટના લાગે છે. પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ અને મહિલાની જે સીડી ફરતી થઈ હતી, તેવું ઘટનાનો ઉલ્લેખ બતાડવા માટે આ સીન મૂક્યા હોવાનું સમજાય છે.

પત્રકાર સૌમીત્રની ભૂમિકા અદા કરનાર નિસર્ગ ત્રિવેદી પરફેકટર પત્રકારની ભૂમિકા અદા કરે છે નિસર્ગ પત્રકારના મનમાં ચાલતી ગડમથલ અને વેદનાને યોગ્ય ન્યાય આપવામાં સફળ રહ્યા છે. આ ફિલ્મ લેખક પરેશ વ્યાસની મુળ સ્ક્રિપ્ટ  તણખો આધારીત છે. પરેશ માણસ તરીકે પણ સંવેદનશીલ હોવાને કારણે ફિલ્મે દર્શકોને સંવેદનશીલતાને હચમચાવી નાખવાનું કામ કર્યુ છે. ફિલ્મના ડાયલોગ પણ પરેશ વ્યાસ અને  રાજેશ શર્માના છે. એક સંવેદનશીલ માણસને જે કંઈ ખૂંચે તે બધુ જ ડાયલોગ દ્વારા બહાર આવે છે. ફિલ્મના દિગ્દર્શક શૈલેષ પ્રજાપતિ ફિલ્મના વિષયો પ્રમાણે પાત્રો પાસે સારી રીતે કામ લઈ શક્યા છે. જન આંદોલનને અનુરૂપ અને ગીતો પણ છે. પણ અમે તો મઝા કરવા થિયેટરમાં આવ્યા હતા, તેવું માનીને આવતો દર્શક કદાચ થોડો નિરાશ થાય તેમ છે કારણ ગુજરાતી સ્વભાવ પ્રમાણે  ગુજરાતી માણસ વાંચન અને વિચારો માટે પૈસા ખર્ચ કરે ત્યારે ગુજરાતની દુખ થાય છે.

પણ પૈસા કમાતો ગુજરાતી વિચારશીલ છે તેવુ માનતા ગુજરાતીએ અચુક આ ફિલ્મ જોવા જેવી છે. ગુજરાતી ફિલ્મ માણસને વિચારતો કરી શકે તેવી દિશામાં સાહેબનું આ પહેલું પગથીયું છે. ગુજરાતમાં હાલમાં જે કઈ થઈ રહ્યું છે તેને સમજવા માટે સાહેબ જોવી જોઈએ.

(પ્રશાંત દયાળ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp