BIRTHDAY SPECIAL: ધર્મેન્દ્રની જાણી-અજાણી વાતો

PC: images.google.com

આજે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા અને કદાચ અંતિમ હી મેન ધર્મેન્દ્રનો 82મો જન્મદિવસ છે. એક સામાન્ય ગ્રામીણથી બોલિવુડના એક મહાન સ્ટાર તરીકે ધર્મેન્દ્રની સફર કાબિલેદાદ છે. ધર્મેન્દ્ર ક્યારેય નંબર વનની રેસમાં પડ્યા નહોતા, પરંતુ તેમ છતાં તેમની લોકપ્રિયતા કાયમ ચરમસીમાએ રહેતી. ધર્મેન્દ્રની ફિલ્મો જોનારો એક ખાસ વર્ગ ભારતમાં ઉભો થયો હતો, જે ધર્મેન્દ્રનું ફક્ત નામ વાંચીને સિનેમાગૃહોમાં પહોંચી જતો. ધર્મેન્દ્રના કોઇપણ પ્રોડ્યુસરને ફિલ્મના બિઝનેસ વિશે જાજી ચિંતા કરવાની ન આવતી. પંજાબ, રાજસ્થાન અને નોર્થ ઇન્ડિયામાં ધર્મેન્દ્રની ફિલ્મો અચૂક લાખો કમાતી, એવા સમયે પણ જ્યારે બાકીના હિન્દુસ્તાનમાં ફિલ્મે નબળો દેખાવ કર્યો હોય.

આવા અનેરા અને અનોખા ધરમ પા’જી ના બર્થ ડે નિમિત્તે ચાલો મમળાવીએ તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો

  • ધર્મેન્દ્રના નામે દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ આવી છે. આ રેસ્ટોરન્ટમાં તેમની ફિલ્મો, તેમની ફિલ્મોના ગીતો અને ડાયલોગોને સાચવી રાખવામાં આવ્યા છે. આ રેસ્ટોરન્ટના માલિક ધર્મેન્દ્રના ડાય હાર્ડ ફેન્સ છે અને તેમના મતે પોતાના હીરો સાથે તેઓ આ રીતે જ પોતાની લાગણીઓ શેર કરી શકે છે. આ રેસ્ટોરન્ટની દિવાલો પર ધર્મેન્દ્રએ બોલેલા અસંખ્ય ડાયલોગ્સ લખવામાં આવ્યા છે આ ઉપરાંત હોટલનું મેન્યુ પણ એકદમ અલગ છે. આ મેન્યુમાં નોર્મલ વાનગીઓના નામ લખવામાં આવે છે તેની બદલે દરેક વાનગીને ધર્મેન્દ્રએ ભજવેલા અલગ અલગ રોલ્સના નામ આપવામાં આવ્યા છે. અહીં પીરસાતા મોકટેલ્સના નામ છે, જવાની ભરી ગુલાબો, વીરુ કી ઘુટ્ટી અને પ્યારે મોહન મસાલા નિમ્બુ. ધર્મેન્દ્ર એ પોતે આ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સલામ છે ધરમ પાજીના આવા દિવાનાઓને અને તેમની દિવાનગીને.
  • ધર્મેન્દ્ર એક રીતે જોવા જઈએ તો સદાબહાર અભિનેતા ગણી શકાય, પરંતુ તેમને તેમની ટેલેન્ટ અનુસારનું સન્માન ક્યારેય મળ્યું નથી. ધર્મેન્દ્રની ફિલ્મોગ્રાફી પર એક નજર નાખો તો તેમણે વિલનથી માંડીને સૌમ્ય હિરોના રોલથી શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે એક્શન પર હાથ અજમાવ્યો તો હી મેન બની ગયા. આ પછી તેમણે કોમેડી પણ કરી અને તેમાં પણ તેમના ખૂબ વખાણ થયા. ધર્મેન્દ્રની કોમેડીનો કોઈ જ વિકલ્પ નથી. પરંતુ ધર્મેન્દ્ર સાથે કાયમ ‘કુત્તે કમીને મૈ તેરા ખૂન પી જાઉંગા” વાળો ડાયલોગ એવો ચીપકી ગયો છે કે તે અત્યાર સુધી તેમની ઓળખ બની ગયો છે. જ્યારે કોઈ અન્ય અદાકાર પણ વિલનને “કુત્તે” કહીને બોલાવે ત્યારે દરેક દર્શકની આંખો સામે તો ધર્મેન્દ્ર જ આવી જતા હોય છે. આમ ધર્મેન્દ્રની છાપ એક એક્શન હિરોની છે તે ખરેખર ખોટી છે.
  • 1970ના દાયકામાં ધર્મેન્દ્રની જોડી હેમા માલિની સાથે જામી ગઈ હતી. આ જોડી એક પછી એક ફિલ્મમાં જોવા મળી રહી હતી, એટલું જ નહીં પરંતુ તેઓ લગાતાર હીટ ફિલ્મો પણ આપી રહ્યા હતા. એકબીજા સાથે આટલી બધી ફિલ્મો કરવાને લીધે ધર્મેન્દ્ર હેમા માલિનીના પ્રેમમાં પડી ગયા હતા. પરંતુ હજી પણ તેઓ પોતાના પ્યારનો ઈઝહાર કરી શકતા ન હતા. આમ છતાં તેમને હેમા માલિનીથી દૂર તો રહેવું જ નહોતું. આ માટે તેઓ ઘણાં બધાં નુસખા કરતા. એક માહિતી અનુસાર ‘શોલે’ ફિલ્મનાં ઝાડ પરથી કેરી ઉતારવા વાળા લોકપ્રિય સીનના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રને હેમા માલિનીને વળગવાનું હોય છે. આથી ધર્મેન્દ્રએ સેટના અમુક સ્પોટ બોયઝને વીસ-વીસ રૂપિયા આપી દીધા હતા. આ તમામનું કામ હતું કે શોટમાં તેઓ વિઘ્ન નાખે. આ તમામે એટલા બધા વિઘ્નો નાખ્યા કે ધર્મેન્દ્રને એ જમાનામાં બે હજાર રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા.
  • પરંતુ 'શોલે' સાઈન કર્યા પહેલા ધર્મેન્દ્રને ઠાકુર બલદેવ સિંઘનો રોલ કરવો હતો. આ રોલ તો અમિતાભ બચ્ચનને પણ કરવો હતો. ટૂંકમાં આ રોલમાં દરેક એક્ટર્સને ખૂબ વજન દેખાતું હતું. પરંતુ બાદમાં ધર્મેન્દ્રને ખબર પડી કે છેલ્લે ફિલ્મમાં વીરુને બસંતી મળે છે એટલે કે જો તે ઠાકુરનો રોલ કરશે તો સંજીવ કુમારને વીરુ બનાવવામાં આવશે અને એટલે હેમા માલિની સંજીવ કુમારને મળશે. આથી પરિસ્થિતિ સમજી જતાં ધર્મેન્દ્રએ વીરુનો રોલ સ્વીકારી લીધો હતો. સામે પક્ષે 'શોલે'ના શૂટિંગની શરૂઆત થઇ એ પહેલા સંજીવ કુમારે હેમા માલિનીને પ્રપોઝ કર્યું હતું, જેનો હેમાએ અસ્વિકાર કર્યો હતો. આ શૂટિંગ દરમિયાન તેઓ એકબીજા સાથે બિલકુલ બોલતા નહીં અને સતત ટેન્શનમાં રહેતા. આ કારણોસર જ ફિલ્મમાં હેમા માલિની અને સંજીવ કુમાર ભાગ્યે જ સાથે દેખાય છે.
  • ધર્મેન્દ્ર અને હેમા માલિનીના લગ્ન થવા પાછળ પણ એકદમ રસપ્રદ કિસ્સો છે. ધર્મેન્દ્રના લગ્ન બહુ નાની ઉંમરે, એટલે કે તેઓ ફિલ્મોમાં આવ્યા તે સમયે જ પ્રકાશ કૌર સાથે થઇ ચૂક્યા હતા. પરંતુ ધર્મેન્દ્ર હેમાજી સાથે પોતાની ભાવનાઓને રોકી શક્યા નહીં અને તેમને હેમાજી સાથે પ્રેમ થઇ ગયો. ધર્મેન્દ્ર પરણિત હોવાને લીધે હેમા માલિનીના પરિવાર ઉપરાંત ખુદ હેમાજીને વાંધો હતો. પરંતુ છેવટે હેમા માલિનીનું મન પીગળ્યું અને તેઓએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરી લીધા. પણ લગ્ન પહેલાં પણ એક સમસ્યા હતી. ધર્મેન્દ્ર હિન્દુ હોવાને લીધે તેઓ બીજા લગ્ન કરી શકે તેમ નહોતા. આથી તેમણે ઇસ્લામ ધર્મ અંગિકાર કરીને પોતાનું નામ દિલાવર ખાન રાખી દીધું અને બાદમાં હેમાજી સાથે તેમના લગ્ન થયા. ધર્મેન્દ્ર અને હેમા માલિનીને ઈશા અને આહના નામની બે પુત્રીઓ પણ છે. ઈશા દેઓલ બોલિવુડમાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે, જ્યારે આહના હેમા માલિની સાથે ઘણા સ્ટેજ શો કરી ચૂકી છે.
  • ધર્મેન્દ્ર અને હેમાજીને બે પુત્રીઓ છે તો ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને પણ ચાર સંતાનો છે. ધર્મેન્દ્રના બે પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ વિશે તો બધા જાણે જ છે, પરંતુ આ ઉપરાંત તેમને બે પુત્રીઓ પણ છે, જેના નામ છે અજીતા અને વિજેતા. ધર્મેન્દ્રના હોમ પ્રોડક્શનનું નામ પણ તેમની પુત્રીના નામે ‘વિજેતા ફિલ્મ્સ’ રાખવામાં આવ્યું છે. એક ફિલ્મ વેબસાઈટમાં આપેલી માહિતી અનુસાર ધર્મેન્દ્રની બંને પુત્રીઓ પરણી ગઈ છે અને અમેરિકાના કેલિફોર્નિયામાં સેટલ થઇ ગઈ છે. આ ઉપરાંત ધર્મેન્દ્રનો સગો ભત્રીજો અભય દેઓલ પણ એક્ટર છે અને તે અલગ પ્રકારની ફિલ્મો કરવા માટે ખાસો જાણીતો બન્યો છે.
  • ધર્મેન્દ્ર અત્યારે ભલે એક મોટા સ્ટાર હોય પરંતુ એક સમયે તેઓ પણ આપણા બધાની જેમ જ એક સામાન્ય બોલિવુડ ફેન હતા. તેઓ બોલિવુડના તે સમયના મોટા અદાકારો દિલીપ કુમાર અને સુરૈયાની ફિલ્મો જોવા પંજાબના પોતાના ગામડેથી માઈલો ચાલીને શહેરના કોઈ સિનેમામાં જતા. ધર્મેન્દ્રએ પોતે એક મુલાકાતમાં કહ્યું હતું કે આ રીતે તેઓ એ નહીં નહીં તો 60-70 ફિલ્મો જોઈ હતી અને એમાંય સુરૈયાની ‘દિલ્લગી’ તો તેમણે 40 વખત જોઈ હતી. ધર્મેન્દ્રની આ જ દિવાનગીએ તેમને બોલિવુડમાં લાવવા માટે પ્રેરિત કર્યા. એમની યુવાનીમાં ધર્મેન્દ્ર અત્યંત હેન્ડસમ લગતા આ ઉપરાંત તેમનો શારીરિક બાંધો પણ હીરોને મળતો આવતો આથી તેઓને થોડા સંઘર્ષ પછી ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ નામની ફિલ્મ મળી જેમાં તેમને કામ કરવાનું મહેનતાણું માત્ર 51 રૂપિયા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp