ન્યાયતંત્રએ ઝૂકાવ્યો અલ્લુ અર્જૂનને, ધરપકડ કેમ થઈ? જાણો શું થયું હતું એ રાત્રે
પૈન ઈન્ડિયા સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ગુરુવારે જ્યારે ફિલ્મે વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી ત્યારે જશ્નનો માહોલ હતો. દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલ્લુ અર્જુને ચાહકોનો દિલથી આભાર માન્યો હતો. પરંતુ આ શું... તેના બીજા જ દિવસે એટલે કે શુક્રવારે એક ચોંકાવનારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ કરી છે. અભિનેતાને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. અહીં તેની પૂછપરછ કરવામાં આવશે.
અલ્લુ અર્જુનની ધરપકડનો મામલો હૈદરાબાદના સંધ્યા થિયેટર સાથે સંબંધિત છે. અહીં અભિનેતાને જોઈને નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 39 વર્ષની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમના પુત્ર અને અન્ય લોકો ઘાયલ થયા હતા. પીડિત મહિલાના પરિવારને અલ્લુ દ્વારા 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. આમ છતાં તેના પરથી સંકટ દૂર થયું નથી. તે પણ આ કેસમાં ફસાઈ ગયો છે. જાણો આ ઘટનાની સંપૂર્ણ વાર્તા, ક્યારે શું થયું, કેવી રીતે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો…
વાત 4 ડિસેમ્બરની છે, જ્યારે પુષ્પા 2 રિલીઝ થઈ હતી. હૈદરાબાદમાં સવારે 3 વાગ્યાથી ફિલ્મના શો યોજાયા હતા. પુષ્પા 2 નો પ્રીમિયર શો સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. અલ્લુની ફિલ્મનો ફર્સ્ટ ડે શો જોવા માટે ચાહકો આતુર હતા. થિયેટરની બહાર ચાહકોની ભારે ભીડ જમા થઇ હતી. લોકો નાચી રહ્યા હતા. ઢોલ વગાડવામાં આવી રહ્યા હતા. ઘણા લોકો ફટાકડા ફોડતા પણ જોવા મળ્યા હતા. સ્ક્રિનિંગ દરમિયાન, લોકો ત્યારે બેકાબુ બન્યા કે જ્યારે અચાનક સાંભળ્યું કે અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવા આવી રહ્યો છે. બસ અહીંથી સમગ્ર મામલો શરૂ થયો હતો. અલ્લુ અર્જુનને જોવા માટે લોકોમાં હોબાળો મચી ગયો હતો. સ્ટારને જોવા માટે મચેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું.
આ મહિલા દિલસુખનગરની રહેવાસી હતી. તેનું નામ રેવતી (39) હતું. તે તેના પતિ અને બે બાળકો શ્રી તેજ (9) અને સાન્વિકા (7) સાથે સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોવા આવી હતી. અલ્લુ અર્જુન આવતા જ ત્યાં હોબાળો મચી ગયો. લોકો થિયેટરના ગેટની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. આ દરમિયાન રેવતી અને તેનો પુત્ર બેભાન થઈ ગયા હતા. 9 વર્ષના શ્રી તેજ ભીડમાં દબાઈ ગયા હતા. પોલીસને તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેઓ તરત જ માતા-પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ રેવતીને બચાવી શકાઈ ન હતી. જ્યારે તેમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે અચાનક સંધ્યા થિયેટરમાં જવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે અલ્લુએ મીડિયા સૂત્ર સાથે વાત કરતા કહ્યું હતું કે, તે તેના ચાહકોને ખૂબ પ્રેમ કરે છે, તેથી જ તે સિનેમા હોલમાં ગયો હતો. પરંતુ કોને ખબર હતી કે તેના સ્ટાર પાવરના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવશે. આ મામલે તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં અભિનેતાને આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુન ઉપરાંત થિયેટર મેનેજમેન્ટ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે હૈદરાબાદ પોલીસે આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઘણી જગ્યાએ મોડી રાતના શો પણ રદ્દ કરવામાં આવ્યા હતા.
અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સમાં મહિલાના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી હતી. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, સંધ્યા થિયેટરમાં જે અકસ્માત થયો તે ન થવો જોઈતો હતો. હું સંધ્યા થિયેટરમાં ગયો. હું આખું સિનેમા પણ ન જોઈ શક્યો, કારણ કે તે જ ક્ષણે મારા મેનેજરે મને કહ્યું કે, અહીં ઘણી ભીડ છે, આપણે અહીંથી નીકળી જવું જોઈએ. પછી આખા મામલાની જાણકારી બીજા દિવસે સવારે મને આપવામાં આવી. મને ખુબ આઘાત લાગ્યો. જ્યારે મને ખબર પડી કે આ બધું ત્યાં થયું છે, ત્યારે હું ખુબ શોક પામી ગયો.
'સુકુમાર સર પણ આ સમગ્ર મામલાથી ખૂબ અપસેટ થઇ ગયા છે. અમે પરિવારના સમર્થનમાં ઉભા છીએ. અમે પરિવારને 25 લાખ રૂપિયા આપ્યા છે. તેમને થોડો સમય આપવામાં આવ્યો છે, જેથી કરીને તેઓ આ આઘાતમાંથી બહાર આવી શકે. હું કોઈ એક દિવસ ત્યાં જઈશ અને આખા પરિવારને મળીશ. અમે હંમેશા પરિવાર સાથે રહીશું અને તેમનો સાથ આપીશું.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp