જાણો, આંખના પલકારામાં ચમકાવી દેતી મલ્ટિપર્પઝ બ્યૂટિ પ્રોડક્ટ્સ કેટલી ઉપયોગી

PC: blogspot.com

સદીઓથી મહિલાઓને નવાં-નવાં સૌંદર્ય પ્રસાધનોનો પ્રયોગ કરતાં રહેવાનો શોખ છે. કોઈ કોસ્મેટિક્સ શોપમાં જઈ ચડેલી મહિલાને ધ્યાનથી જોશો તો જણાશે કે સૌંદર્ય પ્રસાધનોની પસંદગી કરવી તેમના માટે સૌથી મુશ્કેલ ટાસ્ક છે. બ્યૂટિ પ્રોડક્ટ્સની પસંદગી કરવામાં મહિલાઓ કલાકોના કલાકો ગાળે છે તેમ છતાં સંતુષ્ટ થતી નથી, કંઈક ભુલાઈ ગયાનો વસવસો રહે જ છે. આજની આધુનિક મહિલાઓ આ બાબતમાં વધુ સભાન છે. સૌંદર્ય પ્રસાધનોની ખરીદીમાં તેઓ અગાઉ કરતાં વધારે ચીવટ રાખતી થઈ છે. ખાસ કરીને ત્વચાની નરમાશ જળવાઈ રહે અને ચહેરો સુંદર પણ દેખાય એવી બ્યૂટિ અને સ્કિનકેર પ્રોડક્ટ્સને તેઓ પ્રાધાન્ય આપે છે. આ જ કારણે વર્તમાન સમયમાં સૌંદર્ય ઉદ્યોગમાં મલ્ટિપર્પઝ પ્રોડક્ટ્સની માગ અને લોકપ્રિયતા વધી રહી છે.

હેન્ડબેગમાં વિવિધ પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનો રાખવાની ઝંઝટથી છુટકારો મેળવવા તેમ જ વ્યસ્તતાના કારણે મહિલાઓમાં મલ્ટિપર્પઝ પ્રોડક્ટ્સ વાપરવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ પ્રકારની પ્રોડક્ટ્સ પૈસા, સમય અને જગ્યાની બચત તો કરે જ છે સાથે-સાથે તમારી ભ્રમરથી લઈને હોઠની સુંદરતામાં ચપટી વગાડતાં ચાર ચાંદ લગાવી શકે છે. આજે આપણે સૌપ્રથમ એ જાણીશું કે ઓછા સમયમાં ચહેરાને ચમકાવવા મલ્ટિપર્પઝ બ્યૂટિ-પ્રોડક્ટ્સનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેમ જ એના વપરાશમાં કેવી તકેદારી રાખવી જોઈએ. બ્યૂટિ ઍન્ડ સ્કિન કેર પ્રોડક્ટ્સ કેવી હોવી જોઈએ? ચહેરાની નાજુક અને સંવેદનશીલ ત્વચા માટે આવાં પ્રસાધનો કેટલાં ઉપયોગી અને કેટલાં જોખમી છે આ સંદર્ભે નિષ્ણાતનો અભિપ્રાય પણ જાણીએ.

અગાઉ ક્યાંય લગ્નપ્રસંગમાં કે ફંક્શનમાં બહાર જવાનું થાય તો મહિલાઓ પોતાની સાથે પાઉડર, લિપસ્ટિક, કાજળ, ચાંદલાનાં પેકેટ્સ, સિંદૂર, આઇશેડો, મસ્કરા, ફાઉન્ડેશન, બ્લશર, ઑઇલ વગેરે જાતજાતનાં સૌંદર્ય પ્રસાધનોથી સજ્જ મોટી મેકઅપ કિટ લેતી હતી. એ ઉપરાંત ચહેરાની સ્વચ્છતા અને મેકઅપ દૂર કરવા માટે પણ અનેક વસ્તુઓ સાથે રાખવી પડતી. આટલીબધી વસ્તુઓના કારણે બજેટ પણ વધી જતું હતું. આજે આ બધું આઉટડેટેડ થઈ ગયું છે. હવે જમાનો છે મલ્ટિપર્પઝ બ્યૂટિ-પ્રોડક્ટ્સનો. દાખલા તરીકે કાજલ પેન્સિલથી તમે આંખની સુંદરતા વધારી શકો છો તો એનો ઉપયોગ આઇબ્રોને ઘેરી કરવા માટે પણ કરી શકાય. લિપસ્ટિકનો ઉપયોગ સેંથામાં સિંદૂર પૂરવા અને કપાળ પર બિંદી લગાવવા કરી શકાય. બોડી અને વાળ માટે એક જ ઑઇલનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. એક તીર દો નિશાન જેવી આ પ્રોડક્ટ્સ મહિલાઓને માફક આવી ગઈ છે. એક અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે આજના સમયમાં ૬૭ ટકા મહિલાઓ માત્ર ત્રણ પ્રોડક્ટ્સની સહાયથી સમસ્ત ચહેરાનો મેકઅપ કરી શકે છે અને માત્ર બે પ્રોડક્ટ્સના ઉપયોગથી ચહેરાને સ્વચ્છ રાખે છે.

મલ્ટિપર્પઝ બ્યૂટિ-પ્રોડક્ટ્સ એટલે શું, એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેમ જ કઈ પ્રોડક્ટ્સનો એમાં સમાવેશ કરી શકાય આ બાબતની વિસ્તૃત માહિતી આપતાં બ્યૂટિ ઍન્ડ મેકઅપ ઍક્સપર્ટ કહે છે, ચહેરાના મેકઅપ માટે આમ તો ઘણીબધી વસ્તુઓ વાપરવામાં આવે છે, પરંતુ તમારી હેન્ડબેગ્સમાં વધુપડતાં સૌંદર્ય પ્રસાધનો રાખવાની હવે આવશ્યકતા નથી. માત્ર પાંચ બ્યૂટિ-પ્રોડક્ટ્સ તમારા આખા દિવસની જરૂરિયાત માટે પૂરતા છે. અમે જ્યારે મેકઅપ કરવા જઈએ ત્યારે અનેક પ્રકારની પ્રોડક્ટ્સની આખી બેગ સાથે લઈ જવી પડે છે. ત્વચાના રંગ અને ચહેરાને અનુરૂપ મેકઅપ કરવામાં ખાસો સમય લાગે છે, પરંતુ ડે ટૂ ડે લાઇફમાં આ બધું કરવાની જરૂર હોતી નથી. ઓછા ખર્ચે અને લિમિટેડ પ્રોડક્ટ્સથી ચહેરાનો મેકઅપ થઈ જાય એ રીતે બ્યૂટિ-પ્રોડક્ટ્સની પસંદગી કરવી જોઈએ.

દરેક મહિલાએ ઇઇ ક્રીમ, ફાઉન્ડેશન અથવા ક્ધસીલર, કોમ્પેક્ટ, કાજલ અને લિપસ્ટિક આ પાંચ વસ્તુ હાથવગી રાખવી જોઈએ. હોઠને શેપ આપવો હોય તો લાઇનર પણ રાખી શકાય. સૌથી પહેલાં સાદા પાણીથી ચહેરો ધોઈ નાખો. ઇઇ ક્રીમને હાથમાં લઈ ચહેરા પર ડોટ કરી અપ્લાય કરો. ત્યાર બાદ ફાઉન્ડેશન અથવા ક્ધસીલર લગાવો. કોમ્પેક્ટ પણ લગાવી શકાય. છેલ્લે કાજલ અને લિપસ્ટિક લગાવી દો એટલે થઈ ગયો તમારો મેકઅપ. આ મેકઅપ ૯ કલાક સુધી રહે છે. સામાન્ય પાર્ટીમાં અને ઑફિસમાં પણ આવો મેકઅપ આકર્ષક લાગે છે. જોકે બધી જ પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તાવાળી અને વોટરપ્રૂફ હોવી જોઈએ. ઇઇ ક્રીમમાં સનસ્ક્રીન પણ હોય છે તેથી અલગથી સનસ્ક્રીન રાખવાની જરૂર નહીં પડે.

મારું માનવું છે કે જ્યારે તમે અંગત વપરાશ માટે બ્યૂટિ-પ્રોડક્ટ્સની ખરીદી કરો છો ત્યારે એની પ્રાઇસ પર ધ્યાન ન આપો. તમે પાર્લરમાં ફેશ્યલ કરાવવા જાઓ છો તો એક વારમાં જ ૫૦૦-૭૦૦ રૂપિયા ખર્ચી નાખો છોને? તો પછી ચહેરાની માવજત માટે કંજૂસી ન કરો. આ પ્રકારની પ્રોડક્ટ્સ મોંઘી આવશે, પરંતુ ખૂબ ચાલશે એટલે સરવાળે તો સસ્તી જ પડશે. અહીં બહેનોને એક વાત ખાસ કહેવાની કે બ્યૂટિ-પ્રોડક્ટ્સને અપ્લાય કરતાં શીખી લેવું જોઈએ. જો એને પ્રોપર મેથડથી અપ્લાય કરવાની ટેલન્ટ નહીં હોય તો ચહેરો સુંદર નહીં લાગે. આજે તો મેકઅપ કરવાની રીતના વિડિયો સહેલાઈથી યુ-ટીુબ પર મળે છે. બે-ત્રણ વાર જોઈને જ શીખી જવાય.

 

Source Amrelimetro

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp