મકરસંક્રાંતિનું મહાત્મ્ય

PC: khabarchhe.com

હિન્દુઓ માટે વર્ષનો પહેલો તહેવાર એટલે મકરસંક્રાંતિ, ગુજરાતીઓ માટે ઉત્તરાયણ. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ લોકો અગાસીમાં ચઢીને ફૂલ મસ્તી-ધમાલ સાથે રંગેચંગે પતંગ ચગાવીને આ તહેવારની ઉજવણી કરે છે. પરંતુ આ તહેવારનું મહત્ત્વ શું છે. આ દિવસે શું કરવું જોઈએ તે પણ જાણવા જેવી વસ્તુ છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર 14 અથવા 15 જાન્યુઆરીના રોજ ઉજવાય છે, કારણ કે આ દિવસે સૂર્ય ધન રાશિને છોડી મકર રાશિમાં પ્રવેશ કરે છે.

મકરસંક્રાંતિ એટલે શું?

સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તેને સંક્રાન્તિ કહેવાય છે. વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે, કારણ કે આ સમયે સૂર્ય પૃથ્‍વીની આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં મકરસંક્રાંતિની ઉજવણી

ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ રીતે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં પતંગ ચગાવીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે, તો પંજાબમાં મકરસંક્રાંતિના એક દિવસ પહેલાં લોહરીના રૂપમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પંજાબ સિવાય હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં પણ ધામધૂમથી લોહરીના તહેવારને ઉજવવામાં આવે છે. લોહરીના તહેવારમાં અંધારું થતાં જ લાકડા સળગાવી તેમાં તલ, ગોળ, ચોખા અને મકાઈની આહુતી આપવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં આ દાન આપવાનો પર્વ છે. અલ્હાબાદમાં ગંગા, જમુના અને સરસ્વતિના સંગમ પર દર વર્ષે એક મહિના સુધી માઘ મેળો ભરાય છે, જેની શરૂઆત 14 જાન્યુઆરીથી થાય છે. 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીના સમયને ખર માસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈપણ શુભ કામ કરવામાં આવતું નથી. મકરસંક્રાંતિના દિવસે લોકો અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ પર સ્નાન કરીને દાન દક્ષિણા કરીને પૂણ્ય મેળવે છે. તામિલનાડુમાં આ તહેવારને પોંગલ સ્વરૂપે ઉજવવામાં આવે છે. આ તહેવારની ચાર દિવસ સુધી રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે.

મકરસંક્રાંતિનું મહત્ત્વ

કહેવામાં આવે છે કે મકરસંક્રાંતિનાં દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીનાં ઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે. હિંદુઓ માટે સૂર્ય પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, શાનદાર દૈવત્વ, એક આર્શિવાદ અને તમામ અકથ્યનું પ્રતિક છે. શાસ્ત્રોનુસાર દક્ષિણાયનને દેવતાઓની નકારાત્મકતાનું પ્રતિક તથા ઉત્તરાયણને દેવતાઓને દિવસ તથા સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. એટલા માટે આ દિવસે જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરેનું ધાર્મિક મહત્ત્વ છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે આપેલું દાન સો ગણું વધીને ફરીથી પ્રાપ્ત થાય છે. આ દિવસે શુદ્ધ ઘી અને ધાબળાંનું દાન કરવાથી દાન મોક્ષની પ્રાપ્તિ થાય છે.

એવી પણ માન્યતા છે કે, મકરસંક્રાંતિના દિવસે ભગવાન ભાસ્કર પોતાના પુત્ર શનિને મળવાં તેમના ઘરે જાય છે. શનિદેવ મકર રાશિના સ્વામી હોવાથી આ દિવસને મકરસંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. મહાભારતમાં પણ ભિષ્મ પિતામહે પોતાના દેહ ત્યાગ માટે મકરસંક્રાંતિના દિવસની પસંદગી કરી હતી. મકરસંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથની પાછળ-પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ થઈ સમુદ્રમાં જઈ મળ્યાં હતાં.

ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરાયણનું મહત્ત્વ જણાવતાં ગીતામાં કહ્યું છે કે, ઉત્તરાયણના છ મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે, ત્યારે આ પ્રકાશમાં શરીરનો ત્યાગ કરવાથી વ્યક્તિનો પુનઃજન્મ થતો નથી. એવા લોકો બ્રહ્મને પ્રાપ્ત થાય છે. આનાથી વિપરીત સૂર્યના દક્ષિણાયન થવા પર પૃથ્વી અંધકારમય થાય છે અને આનાથી અંધકારમાં શરીરનો ત્યાગ કરીને પુનઃજન્મ લેવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp