26th January selfie contest

કુંભમેળાની રોચક વાતો જે તમે ક્યારેય સાંભળી નહીં હોય, એક ક્લિકે વધારો તમારૂ જ્ઞાન

PC: qz.com

હિન્દી ફિલ્મોમાં ઘણીવાર સાંભળ્યું હશે કે મેરા ભાઈ કુંભ કે મેલે મે ખો ગયા થા જો મુઝે આજ મિલ ગયા. એ હિસાબે કુંભનો મેળો કેટલો વિશાળ અને વૈવિધ્યસભર હશે કે કરોડો લોકો કુંભ મેળાની મુલાકાત લેતા હોય છે. કુંભ મેળા વિશે સામાન્ય પણ રોચક કહી શકાય એવી માહિતી તમારા જ્ઞાનમાં વધારો કરનારી સાબિત થશે.

કુંભમેળો દર ત્રણ વર્ષે યોજાય છે. જે ચાર અલગ- અલગ સ્થળોએ યોજાય છે. ગંગા કિનારે હરિદ્વારમાં, યમુના-ગંગા-સરસ્વતીના ત્રિવેણી સંગમ કિનારે પ્રયાગરાજ (અલ્હાબાદ)માં, ક્ષિપ્રા નદીના કિનારે ઊજ્જૈનમાં અને ગોદાવરી નદીના કિનારે નાસિકમાં. કુંભ મેળો દરેક સ્થળે ૧૨ વર્ષના સમયાંતરે યોજાતો રહે છે.  

કુંભનો અર્થ થાય છે ‘અમૃત’ અને જ્યોતિષવિધાના નિષ્ણાંતો વર્ષો વર્ષના કુંભ મેળાની તારીખો અને કુંભ મેળાના આયોજનના દિવસોની આગાહી કરી શકાય છે. જે ગુરુ-પૃથ્વી જેવા ગ્રહો અને સુર્યની ચાલ પર નિર્ભર છે.

વર્ષ ૨૦૧૯માં થનારા કુંભ માટે ‘ચલો ચલો, કુંભ ચલો’ આ ઘોષવાક્ય તરીકે લેવામાં આવ્યું છે.

આ વખતે કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભીડથી બચવા અને કુંભ મેળામાં પ્રવેશવા માટે યમુના નદીના પાંચ ઘાટ પર ટર્મિનલ બનાવવામાં આવ્યાં છે. જ્યાંથી લોકો ક્રૂઝની સવારી કરી સીધા મેળામાં પ્રવેશી શકશે. આ જાણકારી ગંગા રાષ્ટ્રીય જળમાર્ગ-1ની પરિયોજનાના નિર્દેશક પ્રવીર પાંડેએ આપી હતી. 

કુંભની શરૂઆત ગંગાજીની પૂજાથી થાય છે. ગત ૧૬ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ વડાપ્રધાને ગંગાજીની પૂજા કરીને કુંભના કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વના સૌથી મોટા સમુદાય એકત્રિકરણમાં ભારતના ૬ લાખથી વધુ ગામડાંઓ ઉપરાંત વિદેશના ભક્તો પણ સામેલ થઈ રહ્યાં છે. ૫૦૦૦થી વધુ એનઆરઆઈ પણ કુંભની મુલાકાત લેશે. 

કુંભનું આયોજન ત્રિવેણી સંગમ ખાતે કરાયું છે, પરંતુ કુંભ સમગ્ર પ્રયાગરાજ વિસ્તાર સાથે સંકળાયેલો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કુંભ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા દરેક સ્થળોનું સૌંદર્યીકરણ (beautification) કર્યું છે. કુંભની મુલાકાત લેનાર યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુગમતા માટે સૌ પ્રથમ વાર હવાઈ મુસાફરી, માર્ગ પ્રવાસ અને નદી માર્ગે પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

મેળા વિસ્તારમાં નવા શહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ૨૫૦ કી.મી. લાંબા માર્ગો અને ૨૨ પોન્ટુન બ્રીજ (હોડી આધારિત તરતા પૂલ) ની રચના કરવામાં આવી છે, જે દુનિયાની સૌથી મોટી કામચલાઉ નગરી બની રહેશે. મેળા વિસ્તારમાં ૪૦ હજારથી વધુ એલઈડી લાઈટસ વડે ઉજાસ ઉભો કરવામાં આવ્યો છે.

 

કુંભ મેળામાં દરેક સાંસ્કૃતિક સમુદાયનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેની ખાત્રી માટે ૩૦ વિષય આધારિત દરવાજા, ૨૦૦થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો, સાંસ્કૃતિક વિષયો ઉપર લેસર શો, ફૂડ કોર્ટ, વેન્ડીંગ ઝોન, પ્રદર્શનો અને ટુરિસ્ટ વૉકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વના સ્થળોના આગળના ભાગે લાઈટીંગ કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ દર્શાવવા માટે ‘કલાગ્રામ’ અને ‘સંસ્કૃતિ ગ્રામ’ની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રયાગરાજને બેંગ્લોર, ઈંદોર, નાગપુર, પટના વગેરે જેવા શહેરો સાથે જોડવામાં આવ્યું છે અને પ્રવાસીઓ માટે ‘હેલિકોપ્ટર જોય રાઈડ’ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

કુંભ મેળામાં સૌ પ્રથમવાર ૧૦ હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા બે ગંગા પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ૧૦,૦૦૦ની બેઠક વ્યવસ્થા ધરાવતી પ્રવચન પંડાલ અને ૪ સાંસ્કૃતિક પેવેલિયનનો સમાવેશ કરાયો છે, જ્યાં સતત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ૨૦,૦૦૦ ભક્તો માટે રોકાણ માટે સામાન્ય વ્યવસ્થા થઈ શકે તે માટે સૌ પ્રથમવાર ગોઠવણ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોએ કુંભનું મહત્વ સમજીને કુંભને “માનવ જાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા” (Intangible Cultural Heritage of Humanity) તરીકે ઓળખાવ્યો છે. 

વિશેષ સ્નાનની તારીખ :-

મકર સંક્રાંતિ – 15 જાન્યુઆરી 2019

પોષ પૂર્ણિમા  – 21 જાન્યુઆરી 2019

મૌન અમાવાસ્યા – 4 ફેબ્રુઆરી 2019

વસંત પંચમી – 10 ફેબ્રુઆરી 2019

માઘી પૂર્ણિમા – 19 ફેબ્રુઆરી 2019

મહાશિવરાત્રી – 4 માર્ચ 2019

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp