સનદી અધિકારીઓની બદલી: જાણો કયા અધિકારીની ક્યાં બદલી કરાઈ

PC: deshgujarat.com

આખરે લાંબા સમયથી ચાલી આવતી અટકળો બાદ CM વિજય રૂપાણીની સરકારે રાજ્યના 21 જેટલા સનદી અધિકારીઓની બદલીના હુકમો ગુરુવારે મોડી સાંજે કર્યા હતા. સરકાર દ્વારા કરવામાં આવેલા આ બદલીના ચિપાઈ ગયેલા ગંજીફામાં ગૃહવિભાગના નવા અધિક મુખ્યસચિવ તરીકે આનંદ મોહન તિવારીની નિમણૂક કરવામાં આવી છે પરંતુ ગૃહ વિભાગના હાલના અધિક મુખ્યસચિવ એમ. એસ. ડાગુરને નિવૃત્તિના 18 દિવસ પહેલા બદલી કરીને GNFCના MD તરીકે નિમણૂક આપવામાં આવી છે, જે સનદી અધિકારીઓમાં ચર્ચાસ્પદ બન્યું છે.

રાજ્ય સરકારે 21 સનદી અધિકારીઓની કરેલી બદલીઓમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના જોઈન્ટ MD ડો. ટી. નટરાજનને તે જ જગ્યાએ MD તરીકે નિમણૂક અપાઈ છે. વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ અરવિંદ અગ્રવાલની નાણાં વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ. એસ. ડાગુરની GNFC (ગુજરાત નર્મદા ફર્ટીલાઈઝર કંપની)ના MD તરીકે નિમણૂક અપાઈ છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના MD સુજીત ગુલાટીને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લી.ના MD તરીકે અને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લી.ના MD આનંદ મોહન તિવારીને ગૃહવિભાગના નવા અધિક મુખ્યસચિવ તરીકે નિમણૂક અપાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્યસચિવ સંગીતા સિંઘને સામાન્ય વહીવટ વિભાગમાં બદલી અપાઈ છે. શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવ ગુપ્તાની વન અને પર્યાવરણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. પંચાયત વિભાગના અગ્રસચિવ રાજ ગોપાલને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નિમણૂક અપાઈ છે.

બંદરો અને ટ્રાન્સપોર્ટના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રાની શ્રમ રોજગાર વિભાગમાં, કોટેજ એન્ડ રુરલ ઈન્ડસ્ટ્રીઝના કમિશનર એ. કે. રાકેશની પંચાયત વિભાગના અગ્રસચિવ તરીકે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ સુનયના તૌમરની બંદરો અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં બદલી કરાઈ છે. 2002 બેચના સંદિપ કુમારને કમિશનર કોટેજ એન્ડ રુરલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર તરીકે નિમણૂક અપાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની કૃષિ અને સહકાર વિભાગના સચિવ તરીકે, વિકાસ કમિશનર મનોજ અગ્રવાલની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અગ્રસચિવ તરીકે, સેટલમેન્ટ કમિશનર એન. પી. ઠાકરની વિકાસ કમિશનર તરીકે, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અગ્રસચિવ કમલ દયાનીની અન્ન અને નાગરિક પુરવઠામાં, લોચન શહેરાને હાઉસિંગ અને નિર્મળ ગુજરાતના સચિવ તરીકે તેમજ ગુ.હાઉસિંગ બોર્ડના કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે, ઉચ્ચ શિક્ષણના અગ્રસચિવ અંજુ શર્મા હવે શિક્ષણ વિભાગનો તમામ હવાલો સંભાળશે. ગુજરાત મેરીટાઇમ બોર્ડના MD અજય ભાદુની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે અને તેમની જગ્યાએ મોહંમદ શાહિદને નિમણૂક અપાઈ છે. જ્યારે તાલીમમાંથી પરત ફરેલા 2001 બેચના અધિકારી વિજય નહેરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક અપાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના બદલી રાઉન્ડ બાદ હજુ કેટલાય અધિકારીઓ બદલીની લાઈનમાં છે. ત્યારે રથયાત્રા બાદ બીજા રાઉન્ડમાં રાહ જોઈને બેઠેલા અધિકારીઓનો નંબર આવશે તેમ મનાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp