ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા પછી CMO અને બ્યૂરોક્રેસીમાં આવશે મોટો બદલાવ

PC: khabarchhe.com

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયા પછી હવે રાજ્ય સરકારની બ્યુરોક્રેસીમાં મોટાપાયે ફેરફારો થવા સંભવ છે. નવનિયુક્ત નેતા ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટના સભ્યોની શપથવિધિ પછી આ ફેરફારો થાય તેવું ચર્ચાઇ રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં અત્યારે ફરજ બજાવી રહેલા અધિકારીઓમાં પણ ફેરફારો તોળાઇ રહ્યાં છે.

નવા મુખ્યમંત્રી સાથે નવી કેબિનેટની રચના થવાની છે ત્યારે તેમાં કેટલાક મંત્રીઓને પડતા મૂકીને દસ થી બાર નવા ચહેરા લેવામાં આવે તેવું પણ સંગઠનમાં ચર્ચાઇ રહ્યું છે. હાલની કેબિનેટમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે કુલ 23 સભ્યો છે, નવા મુખ્યમંત્રી 27 સભ્યોને લઇ શકે તેમ છે. કેબિનેટની રચના પછી બ્યુકોક્રેસીમાં નવા ફેરફારો નિશ્ચિત બન્યાં છે.

ઘણાં લાંબા સમયના ઇન્તજાર પછી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા એસપી અને શહેરોના પોલીસ કમિશનરોની બદલીઓ પણ નવા મુખ્યમંત્રી આવ્યા પછી સંભવ બનશે. આ સાથે સચિવાલયની બ્યુરોક્રેસીમાં પણ ફેરબદલ થવાની શક્યતા વધી જાય છે.

મુખ્યમંત્રીની કચેરીમાં ફરજ બજાવતા હાલના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાસનાથનનું સ્થાન યથાવત રહેશે તેમ ચર્ચાઇ રહ્યું છે. આ કચેરીમાં હાલ એમકે દાસ મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી છે. અશ્વિનીકુમાર સેક્રેટરી છે. એબી પંચાલ, ડીએચ શાહ, કમલ શાહ અને જેપી મોઢા અત્યારે મુખ્યમંત્રીના ઓએસડી તરીકે ફરજ બજાવે છે. એ ઉપરાંત પરિમલ શાહ અને ડીઆર ત્રિવેદી જોઇન્ટ સેક્રેટરીના પદ પર છે.

ગુજરાતમાં નવા ચીફ સેક્રટરી તરીકે પંકજકુમાર આવ્યા પછી રાજ્યમાં હવે નવા મુખ્યમંત્રી આવી રહ્યાં છે ત્યારે આ બન્ને વચ્ચે યોજનારી બેઠક પછી બ્યુરોક્રેસીમાં ક્યા ક્યા ફેરફાર કરવાના થાય છે તેની ચર્ચા થવાની છે. જો કે આ ફેરફારો કૈલાસનાથનના માર્ગદર્શનમાં થાય તેવું લાગી રહ્યું છે. થોડાં સમય પહેલાં રાજ્યના સિનિયર આઇએએસની થયેલી બદલીઓમાં થોડો ફેરફાર થાય તેવી અટકળો પણ તેજ બની છે.

ગુજરાતમાં 2022માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કેબિનેટ અને બ્યુરોક્રેસીમાં રિશફલ થવાનું હોવાથી સરકારના વહીવટી તંત્રમાં મોટાપાયે પરિવર્તન દેખાઇ રહ્યું છે. કેબિનેટની રચના પછી હાલના મંત્રીઓના વિભાગો અને ચેમ્બરમાં પણ ફેરફાર કરવા પડે તેવું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp