26th January selfie contest

પ્લાસ્ટીક-ટોબેકો ફ્રી સ્ટેટ: વચન આપ્યાં પણ અમલ માટે સ્ટાફ નથી

PC: Khabarchhe.com

ભારતમાં અને ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ ચૂંટણી આવે એટલે તેમના મેનિફેસ્ટોમાં વચનો આપે છે પરંતુ સરકારની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે પાંચ વર્ષમાં આ વચનો પૂર્ણ થઈ શકતા નથી. આમ થવાનું કારણ એ છે કે સરકાર વચન તો આપે છે પરંતુ અમલ કરવા માટેનો સ્ટાફ નથી. નિયત નથી અને સમય પણ નથી.

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં બે વચનો હતા કે ગુજરાતને પ્લાસ્ટીક ફ્રી અને ટોબેકો ફ્રી બનાવી દેવાશે. વચન સારું છે. સરકારે ફંક્શન કરીને આ બન્નેની જાહેરાત તો કરી દીધી અને કહ્યું કે આજથી ગુજરાત ટોબેકો ફ્રી બનશે, પ્લાસ્ટીક ફ્રી બનશે. જાહેરાતના બે દિવસ પછી રાજ્યભરમાં તમાકુ અને પ્લાસ્ટીકનો વપરાશ શરૂ થઈ ચૂક્યો હતો, કારણ કે ટોબેકો અને પ્લાસ્ટીકના વપરાશકર્તાઓને પકડવા માટે સ્ટાફ જોઈએ, જે સરકાર પાસે નથી.

ગુજરાતના પ્લાસ્ટીક ફ્રી અને ટોબેકો ફ્રી કરવાના દાવા ટોટલી ફ્લોપ થઈ ગયા છે. એક જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરી હતી અને બીજી જાહેરાત હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. આ બન્ને બાબતો ભાજપના ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓમાં સમાવવામાં આવેલી છે. પાર્ટીના ચૂંટણી ઢંઢેરા માત્ર જાહેરાતો પુરતા મર્યાદિત રહ્યાં છે, કારણ કે ગુજરાતને વાઇફાઇ ઝોન બનાવવાની વાતો થઈ પરંતુ 20 ટકા ગુજરાત પણ વાઇફાઇ ઝોન બની શક્યું નથી.

તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતને તમાકુ મુક્ત બનાવવાની પહેલ કરી હતી. જાહેર સ્થળોએ ધુમ્રપાન કરનાર વ્યક્તિ સામે પગલાં લઈને કડક સજાની જોગવાઈ કરવામાં આવી હતી. આજે સ્થિતિ એવી છે કે સરકાર સચિવાલયને તમાકુ મુક્ત બનાવી શકી નથી. સરકારી સિવિલ હોસ્પિટલોમાં પણ તમાકુનો બેરોકટોક વપરાશ થઈ રહ્યો છે. જાહેર સ્થળો જેવાં કે મોલ્સ, થિયેટર, શાકભાજી માર્કેટ, શોપિંગ સેન્ટર, સ્કૂલ અને ધાર્મિકસ્થળોની આજુબાજુ પાન સિગારેટના ગલ્લાઓ મોજૂદ છે.

ગુજરાતમાં જે વર્ષે મુખ્યમંત્રી બન્યા તે વર્ષે એટલે કે 2016મા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને પ્લાસ્ટીક ફ્રી બનાવવાની વાતો કરી હતી. ગુજરાતના પવિત્ર યાત્રાધામો, શોપિંગ સેન્ટરો, અભ્યારણ્યો તેમજ રક્ષિત સ્મારકોના વિસ્તારમાં પ્લાસ્ટીકની થેલીઓ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ખાસ કરીને ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં પ્લાસ્ટીક ફ્રી સિટીની જાહેરાત કરી હતી.

ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં અત્યારે પ્લાસ્ટીકનો વપરાશ સર્વત્ર થયો છે. શાકભાજીના માર્કેટમાં પ્લાસ્ટીકના વપરાશના ધોરણો જળવાતાં નથી. પશુઓ રસ્તા પર પ્લાસ્ટીકની થેલીમાં પેક કરેલો ખાદ્યપદાર્થોનો કચરો ખાય છે. દેવાલયો તેમજ ધાર્મિક સ્થળોએ પ્લાસ્ટીકમાં ચાય મળે છે. પ્લાસ્ટીક પેક પ્રસાદ મળે છે. નદીઓ અને પાણીના સ્ત્રોતમાં પ્લાસ્ટીકનો ભરાવો થયો છે. શહેરના માર્ગો પર જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટીકના પાઉચ અને પ્લાસ્ટીકનો વેસ્ટ નજરે પડે છે. ગુજરાતમાં પીવાનું પાણી પણ પ્લાસ્ટીકના પાઉચમાં બિન્દાસ મળે છે.

સરકાર જે જાહેરાતો કરે છે તે પછી તેનું અસરકારક અમલીકરણ કરાવી શકતી નથી, કારણ કે આ ચેકિંગ અને મોનિટરિંગ કરવા માટે સરકાર પાસે સ્ટાફ નથી. સ્ટાફની અછતના કારણે તમાકુના વપરાશકારોને પકડી શકાતા નથી. સ્ટાફની કમીના કારણે પ્લાસ્ટીકનો કચરો નાંખનારાને સજા થતી નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp