મરીન કમાન્ડો ફોર્સનું વડું મથક જામનગર નહીં જ્યાં દરિયો નથી તે અમદાવાદમાં

PC: blogspot.com

૧૯૯૩ અને ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં વિસ્ફોટકો અને આતંકવાદીઓ ગુજરાતનાં દરિયાકાંઠે થઈને દેશમાં ઘુસી ગયા હતા. ત્યારે મુંબઈ હુમલા બાદ વર્ષ ૨૦૦૯માં દેશમાં પહેલી વખત ગુજરાતે મરીન કમાન્ડો માટે ટાસ્ક ફોર્સની રચના કરી હતી. ગુજરાતની ભાજપ સરકારે મરીન ટાસ્ફ ફોર્સએ ભારતનુ પ્રથમ ખાસ રચાયેલુ ઉભયસ્થલીય પોલીસ ફોર્સ છે.  જે દેશની અંદર અને ગુજરાતની દરિયાઈ સરહદ ઉપર દેશની રક્ષા કરે છે. મરીન ટાસ્ક ફોર્સનું નામ બદલીને હવે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે. જેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે રહેશે. એવી જાહેરાત ગૃહ રાજ્ય પ્રધાને કરી છે.

દેશની સુરક્ષા માટે એક કમાન્ડો ફોર્સ બનાવવા અને કામ કરવામાં ભાજપ સરકાર 10 વર્ષથી જાહેરાત કરી રહી છે. છતાં હજુ કમાન્ડો ફોર્સ અંગે સરકાર સ્પષ્ટ નથી. હવે તેનું નામ બદલીને જામનગરનું હેડક્વાર્ટર ખાલી કરી અમદાવાદમાં લાવવા માટે જાહેરાત કરી છે.

અમદાવાદમાં તો દરિયો જ નથી. જ્યાં દરિયાની સરહદ છે તે જામનગરમાં વડું મથક બનાવવાની જાહેરાત અગાઉ કરી હતી. ત્યાં એક કામચલાઉ મકાન 2016માં આપવામાં આવ્યું હતું. જામનગરમાં મોટું વડું મથક બનાવવાની જાહેરાત કરી હતી. તેના માટે 22 જેટલા મરીન પોલીસ સ્ટેશન પણ સ્થાપવામાં આવ્યા હતા.

કમાન્ડો માટે 2009માં નિર્ણય

2009માં પહેલો આદેશ અપાયો હતો કે, મરીન કમાન્ડો ફોર્સ બનાવવી. જેમાં આઈજીથી લઈને તમામ જગ્યા ઊભી કરાઈ હતી. 3 વર્ષના વિલંબ બાદ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2011માં દેશની સુરક્ષા માટે આદેશ કર્યા હતા.

ગુજરાતની સરહદો રેઢી

 2015માં ભાજપ સરકારે કમાન્ડો ફોર્સની શરૂઆત ન કરી અને કમાન્ડોને ફરી એસ.આર.પી. ગૃપમાં પરત મોકલી દઈને કમાન્ડો ફોર્સને સંકેલી લીધું હતું. તમામ ટ્રેન્ડ કમાન્ડો – એસઆરપી ગૃપ 19માંથી લાવવામાં આવેલા હતા. તેમને દેશની સુરક્ષા માટે દરિયાઈ સરહદ પર મૂકવા જોઈતા હતા પણ તમામને એસઆરપીમાં પરત મોકલી દેવાયા હતા. સરહદો રેઢી મૂકી દેવામાં આવી હતી. મરીન કમાન્ડો તરીકે મંજૂર થયેલા 1100થી વધુ કોન્સ્ટેબલને એસ.આર.પી. ગૃપ-19માંથી લેવાયા હતા. જેને 2014-15માં કમાન્ડો તરીકે તાલીમ આપવામાં આવી હતી.

ફરી ફોર્સ બની

રિલાયંસની તેલ રિફાઈનરી આવી છે તે શહેર જામનગરમાં રિલાયંસને ધ્યાનમાં લઈને મરીન કમાન્ડો ફોર્સ માટે મુખ્ય મથક બનાવવાનું નક્કી કરાયું હતું. જ્યાંથી તુરંત કચ્છ પણ પહોંચી શકાતું હતું. આમ 7 વર્ષ પછી મુખ્ય મથક જેવું કંઈક બની શક્યું અને મરીન ટાસ્ક ફોર્સની રચના કરી શકાઈ હતી.

મરીન કમાન્ડોને કેરળમાં નૌકાદળની તાલીમ

24 ઓગસ્ટ 2016માં ગુજરાત મરીન ફોર્સના 60 મરીન કમાન્ડોને આધુનિક દરિયાઈ સુરક્ષા તાલિમ માટે ભારતિય નેવીના ઓડિસા અને કેરળ સ્થિત ટ્રેઈનિંગ સેન્ટરોમાં ટ્રેઈન કરવા માટે મોકલવાનું ફરી નક્કી કરાયું હતું.

500 કરોડના હેરોઈન પકડ્યું

27 માર્ચ 2019ના રોજ પોરબંદરના પાકિસ્તાનનાં ગ્વાદર બંદરેથી 500 કરોડનાં હેરોઇનનાં જથ્થા સાથે ઇરાની બનાવટની ડાઉ પ્રકારની બોટ સાથે 9 ઈરાની ખલાસીઓ સાથે એટીએસે 100 કિલો હેરોઇન ઝડપી લીધું હતું. આખી બોટ મધદરિયે જ સળગાવી દીધી હતી. તે અંગે સમગ્ર દેશમાં ટીકા થઈ હતી કે આ બનાવટી ઓપરેશન છે. કોસ્ટગાર્ડ અને ગુજરાત સરકારનું મરીન ટાસ્ક ફોર્સની સ્પીડ બોટોએ તેને આંતરી લીધી હતી. અગાઉ ૪૨૦૦ કરોડનું ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો હતો.

ભારતનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર દ્વારકામાં બનશે તેવી જાહેરાત કરી હતી 

2 સપ્ટેમ્બર 2017માં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેઇનિંગ સેન્ટર બનાવવા સરવે કરવામાં આવ્યો હતો. દેશની ટોચની એજન્સીઓ પણ સાથે હતી. પોસીત્રા તથા કલ્યાણપુરના પીંડારા ગામ બાદ દ્વારકા તાલુકાના મકનપુર ગામ આસપાસની જમીન 50 હેકટર જમીન પર 5000 જવાનની ભરતી કરીને વડું મથક બનાવવાનું હતું. ટાસ્ક ફોર્સ માટે 28 સપ્ટેમ્બર 2015માં મરીન ટાસ્ક ફોર્સ માટે 4.4 હેક્ટર જમીન સંપાદિત કરી હતી.

 જામનગર: મરીન ટાસ્ક ફોર્સની કચેરીનું નિર્માણ કરાયુ

23 સપ્ટેમ્બર 2016માં જામનગરમાં મરીન ટાસ્ક ફોર્સની એક કચેરી તૈયાર કરવામા આવી રહી હતી. જે કચેરીનું આજે મરીન ટાસ્ક ફોર્સના આઈજી કોમારે નિરીક્ષણ કર્યું હતું. જેઓની સાથે જામનગરના જિલ્લા પોલીસ વડા હતા. 30 સ્પીડ બોટ છે જેમાં 31 બીજી સ્પીડ બોટ અને 22 પોલીસ સ્ટેશન અને 71 દરિયાકાંઠાની ચેક પોસ્ટોથી વધારીને બીજા મરીન પોલીસ સ્ટેશન બનાવવા, મરીન પોલીસ સ્ટેશનોનાં સ્ટાફને વધારે વાહનો, કવર કોડ આપવા, સ્થાનિક કક્ષાએ જાસૂસી નેટવર્ક મજબુત કરવા તથા વધારે માળખાકીય સુવિધાઓ આપવા નક્કી કરાયું હતું. જેમાં 2019 સુધી કંઈ થયું નથી.

 નવ મહત્વના સ્થાનો

યોગેશ્વર, જખૌ, ગાંધીધામ, ઓખા, પોરબંદર, માંગરોળ, દહેજ, દાંડી, ઉમંરગામ અને પીપાવાવ દેશની સુરક્ષા માટે વ્યૂહાત્મક સ્થળો છે. જીએમટીએફનો કચ્છના નલીયામાં બેઝ કેમ્પ આવેલો છે. જયાં નેશનલ સીકયુરીટી ગાર્ડ પાસેથી કમાન્ડો ટ્રેનીંગ મેળવેલા ૧૦૦ કમાન્ડો કોઈ પણ આપાતકાલીન સ્થિતિ માટે છે.

જમીની સરહદ ખૂલ્લી

ગુજરાત અને પાકની જમીન સરહદ 512 કિ.મી.ની છે. 340 કિ.મી. તારની વાડ બનાવવા મંજૂરી છે. 262.70 કિ.મી.ની તારની વાડ બની છે અને 78 કિ.મી. વાડનું કામ 2016 સુધીમાં બાકી હતું. આમ 50 ટકા સરહદ ખૂલ્લી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp