‘કામ કરો, નાણાંની ચિંતા છોડો’ એવી પ્રોત્સાહક નીતિ સરકાર અપનાવી રહી છેઃ CM રૂપાણી

PC: khabarchhe.com

સુરત મહાનગરપાલિકા દ્વારા બે દિવસીય ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સીલ સેમિનારને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુઘડ શહેરોની સાથે પર્યાવરણની સ્થિતિ પણ જળવાઈ રહે તે રીતે સુનિયોજીત શહેરોનો વિકાસ થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. શહેરોમાં રસ્તા, ગટર, વીજળી, પાણીને પ્રથમ મહત્વ આપીને આવશ્યકતા અનુસાર ગુજરાતની કોર્પોરેશનોને અનેકવિધ યોજનાઓ તૈયાર કરીને કરોડોની ગ્રાંટો ફાળવવામાં આવી રહી છે. ગુજરાતના મહાનગરોમાં ગટરોમાંથી નીકળતા ગંદા પાણીને રીસાયકલીંગ, રીયુઝ થાય, વરસાદના ટીપે ટીપાનો ઉપયોગ થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. 2૦22 સુધીમાં સમગ્ર ગુજરાતમાં નલ સે જલ મળે, રૂફટોપ સોલાર દ્વારા આઠ લાખ ઘરોની અગાશી પર પેનલો લાગે તેવા અનેકવિધ લક્ષ્યાંકો વિશેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સુરતએ ઓવરબ્રિજોની નગરી છે. ગુજરાતના શહેરોની વિશ્વકક્ષાના શહેરોની સાથે સ્પર્ધા થાય તે પ્રકારનું તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે. શહેરોનો સુનિયોજીત વિકાસ થાય તે દિશામાં ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે, મેયરોને વધુ સત્તા મળે તે માટે અમારી સરકાર પ્રયત્નશીલ છે. ભૂતકાળની સરકારોમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ બોડીને સરકાર પાસેથી આર્થિક ભંડોળ મેળવવું દુષ્કર હતું. તેમણે સ્વબળે વિકસાવેલા આર્થિક સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડતું હતું એ સ્થિતિને યાદ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રોત્સાહન આપીને સ્થાનિક વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર સરકારે એક સ્માર્ટ સિટીના નિર્માણ પાછળ રૂ.5૦૦ કરોડની જંગી ફાળવણી કરીને શહેરોની કાયાપલટ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ અને ‘વિવાદ નહિ પણ સંવાદ’ના લક્ષ્ય સાથે અર્બન ડેવલપમેન્ટ પાછળ રૂ.11 હજાર કરોડ રૂપિયા ખર્ચી રહી છે. ‘કામ કરો, નાણાંની ચિંતા છોડો’ એવી પ્રોત્સાહક નીતિ અપનાવીને આ સરકાર ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત તેમજ મહાનગરપાલિકાઓને જનતાની સુખ સુવિધા વધારતા વિકાસકાર્યો માટે પ્રોત્સાહિત કરી રહી હોવાનું જણાવી રાજ્યભરમાં રોડ-રસ્તા, પાણી, વીજળી, કૃષિ સંસાધાનો, સિંચાઈ, શિક્ષણ જેવી પાયાની સુવિધા વિકસાવીને ગામડાં અને શહેરોમાં સમતોલ વિકાસનો પાયો નાખ્યો છે એમ ગર્વથી જણાવ્યું હતું. ઉપસ્થિત મેયરોને સુશાસન દ્વારા જનાધાર હાંસલ કરવાની શીખ આપતા મુખ્યમંત્રીએ લઘુતમ સાધનોનો મહત્તમ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો એ ગુડ ગવર્નન્સની નિશાની હોવાનું જણાવ્યું હતું. વિકાસથી હેપીનેસ ઇન્ડેક્સ વધારવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યમાં 45 ટકા જેટલું શહેરીકરણ થયું છે. ગામડાથી શહેરોમાં સ્થળાંતર વધ્યું છે, ત્યારે સ્થળાંતરિત નાગરિકોની સુખ સુવિધાની કાળજી લેવી જોઈએ, કારણ કે શહેરોની સ્થિતિથી રાજ્યની ઈમેજ બનતી હોય છે.

આજે આધુનિક ટેકનોલોજીથી દુનિયા નાનકડી થઈ રહી છે, જેથી કોર્પોરેશનોએ તેમની મહત્તમ પ્રજાકીય સેવાઓ ઓનલાઇન સિસ્ટમથી કરવાનો પણ આગ્રહ સેવ્યો હતો. સત્તાધીશો પાસેથી પ્રજા અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. દુનિયાના આધુનિક શહેરોની સમકક્ષ ઊભા રહેવાની ક્ષમતા દેશના શહેરોમાં છે, ત્યારે પ્રજાની આશા-અપેક્ષાઓને પૂર્ણ કરવા મહાનગરપાલિકાઓ આયોજનબદ્ધ રીતે આગળ વધે અને શહેરીજનોને સુવિધાયુક્ત વિકાસ કાર્યોની ભેટ આપે એવો અનુરોધ તેમણે કર્યો હતો.

આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેયર્સ મેયર કાઉન્સિલના ચેરમેન નવીન જૈન, સાંસદ સી.આર.પાટીલ, સાંસદ દર્શનાબેન જરદોશ, સુરત મેયર જગદીશ પટેલ, મ્યુ.કમિશનર બિછાનિધિ પાની, જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ સહિત ભારતભરના શહેરોના મેયરઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp