ભૂતકાળમાં ખેડૂતોને 18% વ્યાજની લોન અપાતી અમે આજે ઝીરો ટકાએ આપીએ છીએ: CM રૂપાણી

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું છે કે, જગતનો તાત સાચા અર્થમાં તાત બને તે દિશામાં નિર્ધાર કરીને રાજ્ય સરકાર સમયબદ્ધ આયોજન કર્યું છે. ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફવાળીને હરિતક્રાંતિમાં પણ દેશભરમાં ગુજરાત રોલ મોડલ બનશે. તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.

ખેડૂતોના સર્વગ્રાહી કલ્યાણ માટે ગુજરાત સરકારે જાહેર કરેલી સાત પગલાં ખેડૂત કલ્યાણાના યોજનાના બીજા ચરણમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવાની યોજનાનો રાજ્ય વ્યાપી શુભારંભ મુખ્યમંત્રી કરાવ્યો હતા. રાજ્યના 70 સ્થળોએ યોજાયેલા આ સમારોહમાં ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો સહભાગી થયા હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સંલગ્ન બે યોજનાઓના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થશે. તેમણે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહક યોજનાથી ખેડૂતોનો પુરુષાર્થ પારસમણી બનીને ખેતરોમાં લહેરાશે.

રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાય ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી છે એટલે જ વેદોમાં ગાવો વિશ્વસ્ય માતરઃ અર્થાત કલ્યાણકારી ગાયને વિશ્વની માતા સમાન ગણાવાઇ છે. સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત દેશી ગાયના પાલન માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ માસ રૂ. 900 ની સહાય તેમજ પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાયના છાણ અને ગૌ મૂત્રની મદદથી બનતા કુદરતી ખાતર જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા માટે ખેડૂતોને રૂ. 1350ની સાધન સહાય આપવાની આ બે યોજનાઓ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે નવું બળ પૂરું પાડશે.

રાજ્યપાલે ગુરુકુળ કુરુક્ષેત્રમાં 200 એકર જમીનમાં થઇ રહેલી પદ્મ સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવતાં જણાવ્યું હતું કે, આ કૃષિ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે, જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે તેમજ દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે. આ પદ્ધતિમાં કૃષિ ખર્ચ નહિવત હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ લીધો છે તેને સાકાર કરવામાં પ્રાકૃતિક કૃષિ સ્વયં રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ બની રહશે એટલું જ નહીં રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી લોકોના સ્વાસ્થ્યને થતી હાનિને અટકાવી શકાશે. રાજ્યપાલે એમ પણ જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશને રાહ ચીંધશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યના 6.5 કરોડ નાગરિકો વતી શુભેચ્છાઓ આપતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત માતા જગત જનની બને એવી ઇશ્વર એમને શક્તિ અને દિઘાર્યુ આપે એવી પ્રાર્થના છે.

મુખ્યમંત્રી ઉમેર્યું કે, કૃષિ સંસ્કૃતિના હિતેચ્છુ અને હિમાયતી રહેલા વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેડૂતોને આકાશી ખેતી છોડીને ટપક સિંચાઇ, સ્પ્રિંકલર અને ઓર્ગેનિક ખેતી કરતા થાય એ માટે શરૂ કરેલા કૃષિ મહોત્સવના પરિણામે રાજ્યનો કૃષિ વિકાસદર ડબલ ડીજીટમાં પહોંચ્યો છે.

તેમણે જમીનને પારખીને ખેડૂતો ખેતી કરે એ માટે સોઇલ હેલ્થકાર્ડ અને લેબ ટુ લેન્ડ નો અભિગમ થકી દીર્ઘ દ્રષ્ટિપૂર્વક આયોજન કર્યુ જેના પરિણામે આ શક્ય બન્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે. ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજના’’માં આજે બીજા ચરણમાં આ બે પગલાં ચોક્કસ મહત્વના પુરવાર થશે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે દેશી ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે સહાય ખેડૂતો માટે નવી આશાનું કિરણ લાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

તેમણે ઉમેર્યુ કે, ખેતી સુખી તો ખેડૂત સુખી, ખેડૂત સુખી તો ગામડું સુખી અને ગામડું સુખી તો દેશ સમૃદ્ધ થશે ભૂતકાળની સરકારોએ ખેડૂતોની ક્યારેય ચિંતા નથી કરી એટલી અમે આજે કરી રહ્યા છીએ. પંડિત દિન દયાળજીના મંત્ર હર હાથ કો કામ, હર ખેત કો પાની ને સાકાર કરવાનો અમારો નિર્ધાર છે.

તેમણે કહ્યું કે, ખેડૂતોને પૂરતું પાણી, બિયારણ મળે તો ચોક્કસ ઉત્પાદન વધે જ ભૂતકાળમાં ખેડૂતોને 18 ટકા વ્યાજથી લોન અપાતી હતી એ આજે અમે ઝીરો ટકા વ્યાજથી લોન આપીએ છીએ. જેના પરિણામે ખેડૂતોનું ખેત ઉત્પાદન વધ્યુ છે અને આર્થિક રીતે સદ્ધર થયા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડવા માટે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણમાં UPA સરકાર વખતે અનેક વિઘ્નો આવ્યા હતા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂર કર્યા અને સરદાર સરોવર પ્રોજેક્ટ પૂર્ણ થયો. 700 કી.મી.ની નર્મદા કેનાલો થકી ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડી રહ્યા છીએ. છેલ્લા બે વર્ષથી ડેમ છલોછલ પૂર્ણ સપાટીએ ભરાય છે તે માત્રને માત્ર વડાપ્રધાનના સંકલ્પને આભારી છે.

સિંચાઇ માટે સૌરાષ્ટ્રમાં સૌની યોજના, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અને કચ્છને નર્મદા નહેર યોજના થકી પાણી પહોંચાડીને ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં ખેડૂતોને લંગડી વિજળી મળતી, ટ્રાન્સફોર્મેર બળી જતા, અમારી સરકારે ખેડૂતોને ટકાઉ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે જ્યોતિગ્રામ યોજના અમલી કરીને ખેડૂતોનો ઉભો પાક બચાવ્યો છે. હવે ર4 કલાક ગુણવત્તાયુકત અને સતત વીજળી મળે છે.

તેમણે કહ્યું કે, સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના નવતર અભિગમને પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વાળીને ઝીરો બજેટ ખેતી થશે એટલે ખર્ચ ઘટશે. તેમણે કહ્યુ કે, રાજ્યપાલની પ્રેરણાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવામાં સફળતા મળી છે. ઝીરો બજેટ ખેતીના કારણે હવે ખેડૂત બિચારો-બાપડો રહેશે નહી અને દેશી ગાય આધારિત ખેતી કરીને પાક ઉત્પાદનમાં વધારો થશે.

મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ગુણવત્તાયુક્ત અને રસાયણયમુક્ત ખેત પેદાશ, સ્વસ્થ ખોરાક, જમીન અને પર્યાવરણ સુધારણા વિગેરે જેવા જરૂરી અભિગમો માટે પ્રાકૃતિક કૃષિ એક ઉત્તમ વિકલ્પના રૂપમાં સામે આવી છે ત્યારે પાસે ઉપલબ્ધ દેશી ગાયના નિભાવ ખર્ચ માટે રૂ. 900 પ્રતિ માસ સહાય, કુલ 1,05,000 લાખ લાભાર્થી ખેડૂતો માટે રૂ. 66.50 કરોડની જોગવાઇ અને દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટ માટે રૂ. 1350/- પ્રતિ કિટ સહાય, કુલ 1,00,000 લાખ લાભાર્થી ખેડૂતો માટે રૂ. 13.50 કરોડની જોગવાઇ વાળી આ બે યોજનાઓ સાત પગલાં ખેડૂત કલ્યાણનાં ભાગરૂપે અમલમાં મુકવામાં આવી છે.

કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે સ્વાગત પ્રવચન કરી રાજ્ય સરકાર દ્વારા અમલી આ નવી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાની વિસ્તૃત માહિતી આપીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવો ગાય આધારિત ખેતી કરવા માટે ખેડૂતોને સહાયના ચેક ટોકન સ્વરૂપે એનાયત કરાયા હતા તથા બેસ્ટ આત્મા એવોર્ડ પણ એનાયત કર્યા હતા.

આ પ્રસંગે કૃષિ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ સહિત કૃષિ વિભાગના અધિકારીઓ તથા વિવિધ જિલ્લા મથકોએ પદાધિકારીઓ અને કૃષિકારો જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp