લોકડાઉનમાં અપાયેલી છૂટછાટોથી ઉદ્યોગો-વેપાર આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની: CM

PC: Khabarchhe.com

સરકારે લોકડાઉન-4ના અમલમાં કેટલીક શરતોને આધિન આપેલી છૂટછાટોને પગલે જનજીવન પૂર્વવત થવા લાગ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ઉદ્યોગ, ખાનગી ઓફિસો, ધંધા-રોજગાર ફરીથી ધબકતા થવા લાગ્યા છે. એટલું જ નહિ, નાગરિકોએ સ્વયં શિસ્ત જાળવીને, સોશિયલ ડિસ્ટન્સીંગ, ફરજીયાત માસ્ક, ભીડભાડ ન કરવા સહિતના નિયમો સાથે રોજીંદી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દીધી છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ જેટલા ઉદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને તેના પરિણામે અંદાજે 25 લાખ વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો, કર્મચારીઓને રોજગારી મળી છે. તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, રાજ્યમાં વેપાર-ઉદ્યોગો ફરીથી પૂર્વવત થવા લાગ્યા છે તેના પરિણામે અત્યાર સુધીમાં 7500 મેગાવોટ વીજળીનું કન્ઝમ્પશન-ખપત થઇ છે. આ કન્ઝમ્પશન એટલે કે ખપત સામાન્ય સંજોગોમાં થતી સરેરાશ-એવરેજ ખપતના 82 ટકા જેટલી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં વેપાર, ઉદ્યોગો, રોજગાર પ્રવૃત્તિઓ માટે તબક્કાવાર જે છૂટછાટો આપી તેની વિગતો પણ અશ્વિનીકુમારે આપી હતી.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, તા.20મી એપ્રિલથી નગરપાલિકા, મહાપાલિકા હદ વિસ્તાર સિવાયના ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગો પૂન: કાર્યરત કરવાની છૂટ અપાઇ હતી. તા.25મી એપ્રિલથી એવા ઉદ્યોગો- એકમો જેમની પાસે એકસપોર્ટ ઓર્ડર હાથ પર હોય અને લોકડાઉનમાં કામગીરી અટકી હોય તેવા કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારોના ઉદ્યોગોને શરૂ કરવા મુખ્યમંત્રીએ છૂટ આપી હતી.

એટલું જ નહિ, તા.3 મે થી રાજ્યની જૂનાગઢ, જામનગર મહાપાલિકા, સહિત 156 નગરપાલિકા વિસ્તારોમાં પણ નિયમોના પાલન સાથે ઉદ્યોગો શરૂ કરવા દેવાની અનૂમતિ મુખ્યમંત્રીએ આપી હતી અને તે પછી તા.14મી મેના દિવસથી રાજકોટ મહાનગરમાં કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ કે, તા.19મી મે થી લોકડાઉન-4 માં પણ કેટલીક શરતો અને નિયમોને આધિન રહીને ઉદ્યોગો, વેપાર, ધંધા, બાંધકામ પ્રોજેકટસ શરૂ કરવાની મોટાપાયે છૂટ આપવામાં આવેલી છે.

તેમણે કહ્યું કે, રાજ્યભરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય બાંધકામ પ્રોજેકટસ પણ પૂન: ધબકતા થયા છે અને શ્રમિકોને મોટાપાયે રોજગારી મળતી થઇ છે. આ અંગેની વિગતોમાં મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં ખાનગી બાંધકામના 264 પ્રોજેકટ અત્યાર સુધીમાં શરૂ થયા છે અને 21727 શ્રમિકો તેમાં રોજગારી મેળવતા થયા છે.

 અશ્વિનીકુમારે રાજ્ય સરકારના અને મહાનગરોના સત્તાતંત્રોના બાંધકામ પ્રોજેકટસ, મેટ્રોરેલ પ્રોજેકટ, સુરતમાં ડાયમન્ડ બ્રુશ પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા EWS આવાસ યોજના સહિતના પ્રોજેકટ એમ 8 મહાનગરો તથા 24 જેટલી નગરપાલિકાઓમાં સમગ્રતયા અત્યાર સુધીમાં 834 પ્રોજેકટસ કાર્યરત થયા છે તેમ જણાવ્યું હતું. આ પ્રોજેકટસમાં પણ 25,855 શ્રમિકોને રોજગારી મળી રહી છે. આવા પ્રોજેકટસમાં 18,376 શ્રમિકોને બાંધકામ સ્થળે જ રહેવા-જમવા સહિતની સુવિધા આપવામાં આવે છે.

મુખ્યમંત્રીના સચિવે એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જનજીવન ઝડપભેર થાળે પડે, આર્થિક-વાણિજ્યીક પ્રવૃત્તિઓ વેગવંતી બને સાથોસાથ ઉદ્યોગકારો, શ્રમિકો, સોશિયલ ડિસ્ટન્સીંગ નિયમો, ફરજીયાત માસ્ક ઉપયોગ, ફેકટરી કે કામકાજના સ્થળનું સેનીટાઇઝેશન, કામદારો-કર્મચારીઓનું કામકાજના સ્થળે થર્મલગન સહિતનું સ્ક્રીનીંગ અને કામ પર આવવા-જવાના કલાકો પણ સ્ટેગર્ડ કરીને જનજીવન પૂર્વવત કરવામાં તથા અર્થતંત્રની ઉદ્યોગોની રફતાર વધુ ગતિવાન બનાવવામાં સહયોગ આપે તેવી આપેક્ષા રાજ્ય સરકાર રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp