ગુજરાતની નવી મતદાર યાદી તૈયાર, કુલ 4.85 કરોડ મતદાતા, હજુ પણ નામ નોંધાવી શકશો

PC: khabarchhe.com

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિમાં 5મી જાન્યુઆરી 2022ની સ્થિતિએ કુલ મતદારોની સંખ્યા 4,84,72,764 થઇ છે. આ કુલ મતદારોમાં પ્રથમવાર મતાધિકાર મળ્યો હોય તેવા 18-19 વર્ષના મતદારોની સંખ્યા 6,51,075 છે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી અનુપમ આનંદના જણાવ્યા પ્રમાણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન 11,15,312 મતદારોનો નેટ વધારો થયો છે. રાજ્યમાં યુવા મતદારોની સાથે 20 થી 29 વર્ષની વયના મતદારોની સંખ્યા 6,52,274 થઇ છે. આખરી પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદીમાં 2,50,86,028 પુરૂષ મતદારો અને 2,33,85,448 મહિલા મતદારો છે, જ્યારે ત્રીજી જાતિના મતદારોની સંખ્યા 1288 છે.

તેમણે જણાવ્યું કે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ પણ 1લી જાન્યુઆરી 2022ની લાયકાત તારીખના સંદર્ભમાં 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાકી રહી ગયેલા યુવા મતદારો સતત સુધારણા હેઠલ મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકે છે.

ગુજરાતમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નવા ઉમેરાયેલા મતદારોની સંખ્યા 16,46,052 હતી પરંતુ તેની સામે કમી થયેલા મતદારોની સંખ્યા 5,30,740 છે જેથી મતદારોની સંખ્યામાં નેટ વધારો 11,15,312 થયો છે. આમ કુલ 4.84 કરોડ મતદારો મત આપવાનો અધિકાર ધરાવે છે. જો કે મતદાર યાદીનો કાર્યક્રમ નિરંતર ચાલતી પ્રક્રિયા હોવાથી વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં મતદારો વધી પણ શકે છે.

યાદીની સુધારણાના કાર્યક્રમમાં ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલા જુદા જુદા ઓનલાઇન માધ્યમો જેવાં કે વોટર હેલ્પલાઇન, મોબાઇલ એપ્લિકેશન, ઓનલાઇન વેબસાઇટ અને વોટર પોર્ટલ તેમજ મુખ્ય નિર્વાચન અધિકારી કચેરીની વેબસાઇટ પર નાગરિકો ઓનલાઇન નોંધણી કરાવી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp