આસારામ આશ્રમમાં મૃત્યુ પામેલા બાળકો અંગે ગૃહમંત્રીનું સ્ફોટક નિવેદન

PC: hindi.firstpost.com

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બનતી નાની – મોટી ઘટનાઓને રાજ્ય સરકાર ગંભીરતાથી જ લે છે- તેમાંય બાળકો સામે બનતા ગુનાઓ માટે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. તે માટે DGP - સી.આઇ.ડી. ક્રાઇમના અધ્યક્ષસ્થાને મીસીંગ ચાઇલ્ડ સેલની રચના દ્વારા ખાસ તપાસ પણ કરવામાં આવે છે.
આજે વિધાનસભા ખાતે જસ્ટીસ ડી.કે. ત્રિવેદી પંચના અહેવાલ બાબતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, અમારી ભાજપ સરકાર વિકાસની વિધિમાં માને છે, તાંત્રિક વિધિમાં ક્યારેય માનતી નથી અને, માનશે પણ નહિ. તેમણે ઉમેર્યું કે, અમદાવાદ ખાતેના આશારામ આશ્રમમાં અભ્યાસ કરતા બે બાળકોના મોત થયા હતા, તે બાળકોના મોતની તપાસ કરવા માટે તેમના પરિવારજનો દ્વારા તપાસ પંચ નિમવા માટે માંગ કરાઇ હતી. તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે અત્યંત સંવેદનાથી બનાવની તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ જસ્ટીસ ડી.કે. ત્રિવેદી પંચની રચના કરેલ. જેમાં હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટીસના અધ્યક્ષસ્થાને તપાસ કરવામાં આવી છે. તપાસ પંચના અહેવાલો – તારણો અમે છૂપાવવા માંગતા નથી. ઘટનામાં સંડોવાયેલા સામે કડક પગલાં પણ લીધા છે. આ ઘટના સંદર્ભે જે તે સમયે ૭ આરોપીઓ સામે FIR દાખલ કરીને ધરપકડ પણ કરવામાં આવી છે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, ઘટનાની તપાસ માટે રચાયેલા તપાસ પંચના અહેવાલ ૬ માસમાં રિપોર્ટ મૂકવા કોર્ટના ચુકાદા મુજબ ફરજીયાત નથી. છતાંય અમારી ભાજપ સરકારની રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિના કારણે અમે કોઇપણ વ્યક્તિને છોડવા માંગતા નથી અને જરૂરી વિચારણા કરી તપાસ અહેવાલ મૂકવામાં આવશે. પરંતુ, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં લઠ્ઠાકાંડ, રથયાત્રા પરના હુમલાઓ, અનામત આંદોલનોની ઘટના અંગે તપાસ પંચ નીમ્યા હતા તેના રીપોર્ટ આજ સુધી રજૂ કરાયા નથી. તે જ દર્શાવે છે કે ગુનેગારોને છાવરવામાં કોંગ્રેસ જ મોખરે છે અમે નહીં. અમારી ઘટનાની તપાસ સંદર્ભેની પ્રતિબધ્ધતાના કારણે ગંભીરતાથી તપાસ થઇ રહી છે. કોઇને પણ શેહ શરમ રાખ્યા વિના છોડાયા નથી.

પ્રદિપસિંહએ ઉમેર્યું કે, આશારામ આશ્રમમાં કોંગ્રેસના નેતાઓ જ દર્શન કરવા જતા હતા અને, તેઓએ જ આશ્રમ માટે જમીન ફાળવી છે. અમે રાજકીય રીતે કોઇ જ અવલોકન કરતા નથી. પરંતુ ઘટનાની સંવેદનાને પારખીને અમે સંપૂર્ણ તપાસ કરી જ છે. અને આરોપીઓ સામે જે પણ કડક પગલાં લેવાની આવશ્યકતા જણાશે તો ચોક્કસ અમે પગલાં લઇશું જેમાં કોઇને પણ છોડાશે નહી.

તેમણે ઉમેર્યું કે, ચાંદખેડા અને સુરત ખાતે જે બનાવો બન્યા હતા તેને પણ અત્યંત સંવેદનાથી લઇને કડક હાથે તપાસ કરી છે. અને FIR દાખલ કરીને તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલાયા છે. આરોપીઓ સુપ્રિમ કોર્ટમાં જામીન માટે ગયા તો પણ જામીન મળ્યા નથી. ચાંદખેડા અને સુરતની ઘટના સંદર્ભે SITની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ સરકારી વકીલની પણ નિમણૂંક કરવામાં આવી છે, અને કેસ કોર્ટમાં પ્રગતી હેઠળ છે. તે જ દર્શાવે છે કે આવા બનાવો માટે રાજ્ય સરકાર કેટલી સંવેદનશીલ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp