HSRP નંબર પ્લેટ ફીટ કરાવવાના દિવસોમાં વધારો, આ છે છેલ્લી તારીખ

PC: team-bhp.com

વાહનોમાં હાઇ સિક્યોરીટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP)ફીટ કરાવવાની મુદ્દતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો, જેનો આજે છેલ્લો દિવસ હતો. પરંતુ આ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. હવે HSRP નંબર પ્લેટ ફીટ કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2018 છે. હવે રાજ્યના તમામ વાહનચાલકોએ તા.15મી ફેબ્રુઆરી 2018 સુધીમાં પોતાના વાહનોમાં હાઇ સિક્યોરીટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવી લેવાની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કામગીરીની સમીક્ષા કરી હતી. વાહનચાલકો પરેશાન ન થાય, તેમને હાલાકી ન થાય અને લેભાગુ તત્ત્વો નાગરિકોનો ગેરલાભ ન લઇ જાય એવા હેતુથી રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા પછી આ નિર્ણય કર્યો છે.

વાહનવ્યવહાર વિભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પછી વાહનવ્યવહાર કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં RTO કચેરીઓ તથા ડીલરોના વિશાળ નેટવર્ક દ્વારા હાઇ સિક્યોરીટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વાહન ચાલકોમાં પણ જાગૃતિ આવી છે અને HSRP ફીટ કરાવવા માટે ઘસારો થયો છે. આવી સ્થિતિમાં નાગરિકોને હાલાકી ન પડે અને આવી સ્થિતિમાં નાગરિકો લે ભાગુ તત્ત્વોનો ભોગ બનીને આર્થિક નુકશાન ન કરે એ હેતુથી મુદ્દત એક મહિનો લંબાવીને 15મી ફેબ્રુઆરી 2018 કરવામાં આવી હતી. પરંતુ હજુ મોટી સંખ્યામાં લોકોને આ નંબર પ્લેટ ફીટ કરાવવાની બાકી હોવાથી તે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.

RTO કચેરી ઉપરાંત હાઇ સિક્યોરીટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ કરાવવા માટે વાહન ડીલર ખાતે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્ય સરકારે નક્કી કરેલો સર્વિસ ચાર્જ દ્વિ-ચક્રીય અને ત્રી-ચક્રીય વાહનો માટે રૂા.89 અને ચાર પૈડાવાળા તથા ભારે વાહનો માટે રૂા.150નો વધારાનો સર્વિસ ચાર્જ ભરીને વાહનચાલકો ડીલરો પાસેથી આવી નંબર પ્લેટ ફીટ કરાવી શકે છે. રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક વાહન ડીલરો નાગરિકોની જરૂરિયાતનો ગેરલાભ ઉઠાવીને બેફામ ચાર્જ વસૂલી રહ્યા છે. વાહન વ્યવહાર કમિશનરે આવા ડીલરો અને લેભાગુ તત્ત્વોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, બેફામ ચાર્જ વસૂલતા ડીલરો અને લેભાગુ તત્ત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે એટલું જ નહીં તેમની ડીલરશીપ કેન્સલ કરવા સુધીની પણ કાર્યવાહી થઇ શકે છે. આવી પ્રવૃતિ તાત્કાલિક બંધ કરવા તાકીદ કરવામાં આવી છે.

વાહનવ્યવહાર કમિશનરએ જણાવ્યું હતું કે, નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ વાહનોમાં હાઇ સિક્યોરીટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવવી ફરજિયાત છે. આગામી તા.22મી જાન્યુઆરીએ નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણી છે. તા. 22મી જાન્યુઆરીએ નામદાર સર્વોચ્ચ અદાલત જે આદેશ આપશે એ મુજબ રાજ્યમાં કાયદા મુજબ પગલાં લેવાશે. પરંતુ નાગરિકોને ગંભીરતાપૂર્વક આ નિયમનું પાલન કરીને પોતાના વાહનોમાં હાઇ સિક્યોરીટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ સત્વરે ફીટ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે. જેમણે આ નંબર પ્લેટ ફીટ નહીં કરાવી હોય, તેમને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp