ઘણા અધિકારીઓને 4 વર્ષથી વધુ થઇ ગયા છતાં બદલીઓ કેમ નથી થતી, શું સરકાર જ નિયમ..

PC: hindustantimes.com

ગુજરાત સરકારનો નિયમ છે અને મુખ્યમંત્રી વારંવાર કહે છે કે અમે ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બદલીએ છીએ પરંતુ સરકારમાં એવા એક ડઝનથી વધારે ઓફિસરો છે કે જેઓ છેલ્લા ચાર થી આઠ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે. આટલા વર્ષો પછી પણ તેમની બદલી થઇ નથી.

સામાન્ય રીતે સરકાર બદલાય એટલે ઓફિસરોની બદલી થતી હોય છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર આવ્યા પછી તેમના કાર્યાલયમાં તેમજ કેબિનેટ મંત્રીઓના કાર્યાલયમાં બઘાં ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે. કેટલાક વિભાગોમાં પણ કર્મચારીઓના ટેબલો બદલાયા છે તેમ છતાં હજી પણ એવા અધિકારીઓ મોજૂદ છે કે જેમની બદલીને લાંબો સમય વિતી ગયો છતાં તેઓ એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે.

કોઇ અધિકારી કે કર્મચારીને એક જ જગ્યાએ નહીં રાખવાનું મુખ્ય કારણ એવું છે કે તેનું આધિપત્ય જળવાય નહીં. ઘણાં એવા અધિકારીઓ છે કે જેઓ તેમની આવડતથી લાંબા સમય સુધી કરપ્શન કરી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં છેલ્લા 12 વર્ષથી એક એવા અધિકારી હતા કે જેમણે કરપ્શનની તમામ મર્યાદાઓ તોડી નાંખી હતી. છેવટે તેઓ એસીબીના દાયરામાં આવી ગયા. તેમની સામે જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે તેઓ નિવૃત્ત થઇ ગયા હતા.

રાજ્યની બ્યુરોક્રેસીની વિગતો પ્રમાણે રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં અધિક મુખ્યસચિવ તરીકે કાર્યરત મુકેશ પુરીને એક જ જગ્યાએ ચાર વર્ષ થઇ ચૂક્યાં છે છતાં તેમની બદલી થઇ નથી. ગુજરાત વેરહાઉસિંગના એમડી સંજયનંદનને પણ પોણા ચાર વર્ષ થવા આવ્યા છે. જીઆઇપીસીએલના એમડી વત્સલા વાસુદેવાને સવા ત્રણ વર્ષ થયાં છે. પ્રાથમિક શિક્ષણના વિનોદ રાવને પણ ત્રણ વર્ષ થવા આવ્યા છે. ભાવનગર મ્યુનિસિપલ કમિશન એમએ ગાંધી અને ગુજરાત પ્રવાસન નિગમના એમડી જૈનુ દેવનને ચાર વર્ષનો સમય થયો છે.

આઇએએસ ઉપરાંત ગેસ કેડરના છ અધિકારી એવાં છે કે જેઓ એક જ જગ્યાએ ચાર વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે. હવે ગુજરાત વાયબ્રન્ટ સમિટ થવાની છે ત્યારપછી બજેટ સત્ર આવશે પરંતુ આ ઓફિસરો એક જ જગ્યાએ અડીંગો જમાવીને બેઠાં છે. સરકારનો ત્રણ વર્ષનો નિયમ નેવે મૂકાઇ રહ્યો છે. આ નિયમ નરેન્દ્ર મોદીએ બનાવ્યો હતો અને તેમણે મુખ્યમંત્રી કાર્યાલયને બાદ કરતાં ગુજરાતમાં એક ઓફિસરને ક્યારેય ત્રણ વર્ષ કરતાં વધુ વર્ષ પૂરાં થવા દીધા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp