2020 સુધીમાં વાહન અકસ્માતમાં 50 ટકા ઘટાડાનો ટારગેટ

PC: khabarchhe.com

માર્ગ અકસ્માત ઘટાડવાના હેતુથી રાજ્ય સરકારે પહેલ કરીને સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીની રચના કરી છે. ગુજરાતે માર્ગ સલામતી નીતિ-2016 અંતર્ગત વર્ષ 2020 સુધી માર્ગ અકસ્માતનું પ્રમાણ 50 ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે જેમાં નવનિયુક્ત સહાયક મોટર વાહન નિરીક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થશે તેમ આજે ગાંધીનગર ખાતે 148 સહાયક મોટર વાહન નિરીક્ષકના નિમણુંક પત્ર એનાયત સમારોહમાં વાહન વ્યવહાર વિભાગના રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમ વાર રેન્ડમાઇઝેશન સોફ્ટવેરથી નવનિયુક્ત 148 સહાયક મોટર વાહન નિરીક્ષકને સંપૂર્ણ પારદર્શકતાથી સ્થળ નિમણૂક પત્રો આપીને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતાના દર્શન કરાવ્યા છે. આજના કોમ્પ્યુટરાઇઝ્ડ યુગમાં ઓછા વ્યક્તિઓએ વધુ કામ ચોકસાઇપૂર્વક થઇ શકે છે જેનું આજે ઉત્તમ ઉદાહરણ વાહન વ્યવહાર વિભાગે પુરુ પાડ્યું છે.

વિભાગના આધુનિકરણમાં વાહન ચાર અને સારથી ચાર સોફ્ટવેર, સોફ્ટવેર યુઝડ ફોર વ્હીકલ એનાલીસીસ સીસ્ટમ- સુવાસ, સીસ્ટમ ઇન્ટીગ્રેશન ચેકપોસ્ટ, વાહનોના પસંદગીના નંબર માટે તટસ્થ અને પારદર્શક ઓનલાઇન પ્રક્રિયા- ઇ ઓક્શન, હાઇ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ, સ્પીડ ગવર્નર અને રીફ્લેકટર, વિભાગની કચેરીઓ અને ચેકપોસ્ટનું નિર્માણ કાર્ય વગેરે નવા પ્રજાલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. વિભાગનું એક ખુબ જ મહત્વનું પાસું માર્ગ સલામતી છે. આ ઉપરાંત રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ આવકમાં ત્રીજો ક્રમ ધરાવે છે ત્યારે અકસ્માત ઘટે અને આવકમાં વૃદ્ધિ થાય તે માટે આપણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે તેવો અનુરોધ કરીને મંત્રી પટેલે તમામ નવનિયુક્ત કર્મીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

વાહન વ્યવહાર કમિશનર આર.એમ. જાદવે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી આ સહાયક મોટર વાહન નિરીક્ષકની 15,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાંથી 160 ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. જે પૈકી 148 ઉમેદવારોને આજે સંપૂર્ણ પારદર્શકતાથી એન.આઇ.સી. દ્વારા તૈયાર કરાયેલ રેન્ડમાઇઝેશન સોફ્ટવેરની મદદથી સ્થળ નિમણૂંક આપવામાં આવી છે. રાજ્યમાં 394 મંજૂર મહેકમમાંથી સહાયક મોટર વાહન નિરીક્ષકની કુલ 368 જગ્યાઓ ભરવામાં આવી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વાહન વ્યવહાર કમિશનરની કચેરીના ખાસ ફરજ પરના અધિકારી આર.ટી.ઝાલાએ આભારવિધિ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવનિયુક્ત સહાયક મોટર વાહન નિરીક્ષકોએ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા, ડ્રાઇવીંગ ટેસ્ટ લેવા, રોડ પરના વાહનોનું ચેકીંગ અને એન્ફોર્સમેન્ટની કામગીરી, બિન વપરાશમાં મુકવામાં આવેલ વાહનોની ચકાસણી, કોર્ટ ડ્યુટી, જીવલેણ અકસ્માત થયેલ વાહનોની યાંત્રિક ચકાસણી વગેરે કામગીરી કરવાની રહેશે.
આ પ્રસંગે એન.આઇ.સી.ના વડા મહાજન વાહન વ્યવહાર વિભાગના ઉપસચિવ સોની સહિત નવનિયુક્ત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp