26th January selfie contest

રાજ્યમાં CRZના નકશા અધૂરા, સુનાવણી મોકૂફ રાખો

PC: wikimedia.org

ગુજરાતમાં દરિયા કિનારાનું કામ કરતી ગુજરાત સંઘર્ષ સમિતિએ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન માટેની લોક સુનાવણી મોકૂફ રાખવા સરકારને વિનંતી કરી છે. આ સંસ્થાએ એવા 13 મુદ્દા ઉપસ્થિત કર્યા છે જેનાથી લોક સુનાવણી થઈ શકે તેમ નથી.

સંસ્થાના અગ્રણી અઝીમા ગિરાચ કહે છે કે કેન્દ્રીય વન, પર્યાવરણ અને મોસમ પરિવર્તન વિભાગના કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન હેઠળ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત ઇકૉલૉજી કમિશન દ્વારા દરિયા કિનારાના વિસ્તારો માટેના ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન (CZMP) બનાવવામાં આવેલ છે અને તેને GCZMAની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશનના મુદ્દા નં. 5 મુજબ આ નક્શાઓ તૈયાર થયા પછી જાહેર જન સુનાવણી કરવાની રહે છે. જેથી માછીમાર સમુદાય અને દરિયાકિનારાથી નિસ્બત ધરાવતી જાહેર જનતા આ દરિયાઈ/કાંઠાળ વિસ્તારો માટે સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ વાંધા સૂચનો આપી શકે અને આ કાચો ખરડો પાકો કરી સાચો ફાઇનલ ગુજરાત રાજ્યનો CZMP બનાવી શકાય.

ગુજરાતના દરિયાઈ જીલ્લાઓ માટે ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાનના નકશાઓ પર લોક સુનાવણી માટે જાહેરાતો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે, આ લોક સુનાવણી બાબતે ગુજરાત સંઘર્ષ સમિતિ કેટલીક માગણીઓ મૂકી છે જે આ પ્રમાણે છે.

 1. નવા નકશા 9 ઓગસ્ટ ના રોજ મુકવામાં આવ્યા છે જેથી 8 સપ્ટેમ્બર પહેલા કોઈ પણ સુનાવણી થઈ શકે નહિ.
 2. ડ્રાફ્ટ નકશાઓ અંગ્રેજી ભાષામાં છે અને ફક્ત નકશાઓ જ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેની કોઈ સમજુતી કે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન વિશે કોઈજ માહિતી નથી. ગામ, તાલુકા કે જીલ્લાના નામો નથી. નકશામાં સર્વે નંબર ના હતા, 9 ઓગસ્ટના રોજ નવા નકશા વેબ્સાઈટ પર મુકવા માં આવેલ છે જેમાં સર્વે નંબર છે પણ કયા ગામના છે તે નક્કી થઈ શકતું નથી જેથી જેને આવી ટેકનીકલ સમજ નથી તેવા લોકો અને માછીમારો આ નકશા સમજી શકે એમ નથી તેથી દરેક દરિયાઈ જીલ્લામાં જીલ્લા સ્તરીય કાર્યશાળા રાખી સમુદાયને તાત્કાલિક તેની જાણકારી આપી સુધારા વધારા સુચવી સરકારમાં રજૂઆત થઈ શકે.
 3. નકશાઓમાં માછીમાર સમુદાયની વસાહતોનો ઉલ્લેખ નથી બોટ પાર્કિંગ, પરંપરાગત માછીમાર વસાહત, માછલી સુકવણીની સામુદાયિક જગ્યાઓ બતાવેલ નથી. તેથી આ અધૂરા પ્લાન માટે નકશા સમજાવી તેમની આ જગ્યાઓનો શમાવેશ પ્લાનમાં થાય તે ખુબ જરૂરી છે. 2006ના અધિનિયમ મુજબનું વર્ગીકરણ થયેલ નથી અને નકશાઓ અધૂરા છે જેની સમજ માછીમાર સમાજને આપવી જરૂરી છે જેથી સુધારા કરી શકાય.
 4. મોટે ભાગે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નકશાઓ નિયમ મુજબ બનાવેલ નથી. ગામતળ અને ઝોનનું વર્ગીકરણ પણ કરવામાં આવેલ નથી.
 5. ગેર કાયદેસર દબાણો વિગેરે આ પ્લાનમાં બતાવેલ છે જે કાયદાનું ઉલ્લંઘન કરી બનાવેલ છે. તેને નકશામાંથી દુર કરવાની જરૂર છે. નદીના crz વિસ્તારો યોગ્ય રીતે બતાવેલ નથી. માછીમારોની જેટ્ટી બંદર વિગેરે પણ યોગ્ય રીતે ચિહ્નિત કરવા પડશે. નકશાની શીટો એક બીજા સાથે બંધ બેસતી નથી. લોકો પોતાના ગામ અને દરિયાકાંઠાના વિસ્તારને નકશા પર શોધી શકતા નથી.
 6. સળંગ તાલુકા કે જીલ્લાના એક નકશાનો અભાવ હોવાથી ગામોના સર્વે નંબર એક બીજા ગામ સાથે મિક્ષ થાય છે અને યોગ્ય રીતે ચિહ્નિત નથી. ગામના નકશાઓમાંથી આંતરિક/રાજ્ય/ધોરી માર્ગો ગાયબ છે. ગામ કક્ષા કે તાલુકા કક્ષાએ ઝોનિગ થયેલ નથી.
 7. દરિયા કિનારાના ગૌચરો, ઘાંસના મેદાનો, મેન્ગૃવ, દરિયાઈ પરવાળા, અને ઈકોલોજીકલ રીતે સંવેદનશીલ વિસ્તારોને દર્શાવવા માટે સ્થાનિક સ્થળની CZMPના જાણકાર લોકોની મુલાકાત જરૂરી છે. નાના છુટા છવાયા મેન્ગૃવ દર્શાવેલ નથી.
 8. હાઈટાઇડ અને લોટાઈડ એરિયાનું ડીમાર્કેશન હાલની પરિસ્થિતિએ કરેલ નથી. ઘણી જગ્યાએ નકશાઓ વિપરીત સ્થિતિ રજુ કરે છે અને ખોટી માહિતી બતાવે છે.
 9. પ્રી ડ્રાફ્ટ મેપમાં રિઝર્વ અને પ્રોટેક્ટેડજંગલો, એકો સેન્સીટીવ ઝોન, નેશનલ પાર્ક, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી વગેરે દર્શાવવામાં આવ્યા નથી જેમ કે હજીરા નું ડુમસ જંગલ, વલસાડ નું નાગ્રોલ બીચ, ભરૂચ નું આલીયાબેટ વગેરે.
 10. રિઝર્વ અને પ્રોટેક્ટેડજંગલો દર્શાવવા માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ ના નકશાઓનો ઉપયોગ થયેલ હોવો જોઈએ પરંતુ આ નકશાઓ પણ પબ્લિક ડોમેન માં ના હોઈ સરખામણી કરી શકાય તેમ નથી જેથી તે પણ મુકાવવું જોઈએ
 11. ઝોન 2નું મેપિંગ ઘણી જગ્યા એ ખોટું છે. NDZ યોગ્ય રીતે ચિહ્નિત નથી.
 12. આ નકશામાં દરિયા કાંઠાના વિસ્તારમાં આવેલ રક્ષિત ફોરેસ્ટને CRZમાં આવરી લેવાનું હતું તે આવરી લેવામાં આવેલ નથી તો તેને આવરી લેવામાં આવે.
 13. આ નકશામાં જે સ્થિતિ દર્શાવવામાં આવેલ છે તેમાં ઘણી જ ભૂલ છે તો આ નકશા ક્યાં વર્ષને ધ્યાને રાખીને બનાવવાં આવેલ છે તે પણ વેબસાઈટ પર મુકવામાં આવે.

આ મુદ્દાઓને ધ્યાને લઈ આ લોકસુનાવણી રદ કરવામાં આવે અને નકશાઓ ને યોગ્ય બનાવ્યા પછી તેમજ તેની પૂર્ણતા કરવામાં આવે તેવી આ સંસ્થા દ્વારા માગણી કરવામાં આવી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp