આનંદો: ગુજરાતના આ શહેરોને ઈ-મેમોમાંથી અપાઈ મૂક્તિ

PC: facebook.com/pg/Pradipsinh.Jadeja.BJP

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને ઇ-ચલન મારફત ઇ-મેમો આપવામાંથી મુક્તિ આપવાનો જનહિત લક્ષી નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ ઉમેર્યું કે રાજ્યના મહાનગરોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે સી.એસ.આઇ.ટી.એમ.એસ., સ્માર્ટ સીટી અને પીપીપી ધોરણે સીસીટીવીના પ્રોજેક્ટો અમલમાં મુક્યા છે. તાજેતરમાં આ શૃંખલામાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પણ આગામી 4 માસમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે. આ મહાનગરો- શહેરોમાં સર્વેલન્સ, સ્વચ્છતા, અને ટ્રાફિક નિયમન ઝડપથી થાય તે માટે અદ્યતન ટેકનોલોજીના માધ્યમ દ્વારા આધુનિક વિજાણુ સાધનો દ્વારા જનસુખાકારી અને જન સલામતિમાં વધારો થાય તેવા પગલાં રાજ્ય સરકારે લીધા છે.

તેમણે જણાવ્યું કે સી.સી.ટી.વી.ના ફુટેજના આધારે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર નાગરિકોને ઓટોમેટીક-મેન્યુઅલ ઇ-ચલન જનરેટ કરીને ટ્રાફિકનો ભંગ કરનાર નાગરિકના ઘરે તેમના સરનામે મેમો મોકલી આપવામાં આવે છે. પરંતુ આ કેટલીક ટેક્નિકલ ક્ષતિના કારણે કેટલાક કિસ્સામાં આવા ખોટા ઇ-મેમો નાગરિકોને મોકલવામાં આવી રહ્યા છે. એવી રજૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળતા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં વસતા નાગરિકોના હિતને ધ્યાને લઇ જ્યાં સુધી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટ દ્વારા ઇ-ચલન નાગરિકોને મોકલવાના રહેશે નહીં જેથી નાગરિકોને પડતી અસુવિધાઓ દુર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp