અસલામત ગુજરાત: નલિયાથી લઈ સુરત સુધી રેપની ઘટનાઓ હચમચાવે છે

PC: Khabarchhe.com

ગુજરાતની છબિ એવી છે કે આખા ભારતમાં આ રાજય સ્ત્રીઓ માટે ખૂબ જ સુરક્ષિત છે. અહીં મોડી રાત્રે પણ સ્ત્રીઓ બિન્દાસ બહાર ફરી શકે છે. પરંતુ પરંતુ  આજે ગુજરાતની ઈમેજ ખરડાઈ રહી છે. પરપ્રાંતીયોની વસ્તીથી ફાટફાટ થઈ રહેલા ગુજરાતમાં ગુનાખોરી સતત વધી રહી છે. સબ સલામત હોવાની સરકાર આલબેલ પોકારી રહી છે પણ દિવસે દિવસે ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. 

25 જાન્યુઆરી 2017માં નલિયામાં ભાજપની જ કાર્યકર્તા પર ગેંગ રેપ કરવામાં આવ્યું. ભાજપના મોટા માથાઓને બચાવી લેવાયા. કોંગ્રેસ પાણીમાં બેસી ગઈ. જે આરોપીઓ પકડાયા તે તો નાની માછલીઓ હતી. મોટા મગરમચ્છોને આબાદ બચાવી લેવમાં આવ્યા છે અને આજે પણ પીડિતા ન્યાય માંગી રહી છે. નલિયા રેપ કેસ બાદ ગુજરાતમાં દાતારમાં પણ બળાત્કારની ઘટના બની. 

આમ તો ગુજરાતને સેફેસ્ટ સ્ટેટ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરતામાં દર અઠવાડિયે 9 બાળાઓ બળાત્કારનો ભોગ બને છે. જાતીય સતામણીના કિસ્સામાં ગુજરાતભરમાં અમદાવાદ સૌથી મોખરે છે. અમદાવાદમાં દરરોજ લગભગ એક છોકરીની જાતીય સતામણી થાય છે. રાજયનો ક્રાઈમનો ડેટા વાંચીને ગુજરાત સ્ત્રીઓ માટે સુરક્ષિત છે તે ભ્રમ જરૂર ભાંગી જશે.   

2017માં ગુજરાતના ડિરેકટર જનરલ ઓફ પોલીસે ક્રાઈમનો ડેટા રીલીઝ કર્યો હતો. તેમાં ગુજરાતની સ્ત્રીઓની કફોડી હાલત સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. અમદાવાદમાં તો ગુજરાતના બીજા હિસ્સા કરતા પણ ખરાબ હાલત છે. આંકડા જોઈએ તો અમદાવાદને ગુજરાતનું ક્રાઈમ કેપિટલ કહેવામાં કોઈ અતિશયોકિત નથી.

રાજયમાં સ્ત્રીઓ સામે બળાત્કાર, છેડતી, દહેજની ધમકી અને હેરાનગતિના કિસ્સામાં ઉત્ત્।રોત્ત્।ર વધારો થતો જઈ રહ્યો છે. રાજયના ડીજીપી દ્વારા રીલીઝ કરાયેલા ડેટા અનુસાર ગુજરાતમાં દરરોજ ૧૪ સ્ત્રીઓ બાળાત્કાર, છેડતી, જાતીય સતામણી, દહેજને લગતી સતામણી અને ક્રૂરતાનો ભોગ બને છે. દરરોજ 6 સ્ત્રીઓ પર રેપ થાય છે, જાતીય સતામણી થાય છે અને દહેજ માટે હેરાનગતિ પહોંચાડવામાં આવે છે. નવાઈની વાત એ છે કે રાજય કરતા શહેરમાં ગુનાનું પ્રમાણ વધારે છે. અમદાવાદમાં દરરોજ એક સ્ત્રીની જાતીય સતામણી થાય છે અને દર 6 દિવસે એક સ્ત્રી પર રેપ થાય છે. તમને નવાઈ લાગશે પણ આધુનિક સમયમાં પણ દહેજને લીધે અપાતા ત્રાસમાં જબ્બર વધારો થયો છે. આ એક કડવી વાસ્તવિકતા આજે પણ સ્વીકારવાની રહે છે. 

આખા રાજયમાં આ સંખ્યા 86થી વધીને 656 થઈ ગઈ છે. અમદાવાદમાં 2016માં દહેજને લગતા શૂન્ય કેસ નોંધાયા હતા જયારે 2017માં 133 કેસ નોંધાયા છે. દહેજને કારણે થનારા મૃત્યુમાં જોકે ઘટાડો થયો છે. 2016માં આ સંખ્યા 168 જેટલી હતી જે હવે ઘટીને 121 થઈ ગઈ છે. અમદાવાદમાં આ સંખ્યા 11થી વધીને 20 થઈ છે. અન્ય ગુનાની સંખ્યા ઘટી છે. જાતીય સતામણીના કિસ્સા 43થી ઘટીને 34 થયા છે. જો તમે એવુ માનતા હોવ કે શિક્ષણને કારણે શહેરોમાં ગુનાનું પ્રમાણ નીચુ હશે તો એ વાત સાવ ખોટી છે. આંકડા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગુજરાતના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ગુનાની સંખ્યામાં વધારો થયો છે. દહેજને લગતી હેરાનગતિના મહત્તમ કેસ સુરતમાં નોંધાયા છે. સુરતમાં ક્રાઈમ રેટમાં આવેલો ઉછાળો ચિંતા જન્માવી રહ્યો છે. 

સુરતમાં 11 વર્ષની બાળાને 86 જેટલી ઈજા પહોંચાડી અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. પોલીસે આરોપીઓની ભાળ મેળવી રહી છે અને બાળાની ઓળખ માટે ખાંખાંખોળા કરી રહી છે. વાસ્તિવિકતા ડરામણી અને બિહામણી લાગી રહી છે. કોઈ હોરર ફિલ્મ જોતાંં હોય એવી કલ્પના થઈ રહી છે. ગુજરાત સરકારે સલમાત ગુજરાતને કેવી રીતે અસલામતી તરફ ધકેલી દીધું છે આ બે ઘટનાઓ પર ફળીભૂત થઈ રહ્યું છે. 

ગુજરાત ગુનાખોરીના ટોચે પહોંચી રહ્યું છે. કેટલીક ઘટનાઓ તો પોલીસ ચોપડે નોંધાતી જ નથી. બીજી વાત એ છે બળાત્કાર જેવી ગંભીર અને અધમ ઘટનાઓ હવે રસ્તા પર નીકળવાનો સાધન બની ગઈ છે. લોકોનો રોષ રસ્તા પર ઉતરી રહ્યો છે. નિર્ભયાથી આ સિલસિલો શરૂ થયો અને હવે આખાય દેશમાં અધમ કૃત્ય સામે ઠેર ઠેર ઉગ્ર પ્રદર્શનો થઈ રહ્યા છે. કાયદો-વ્યવસ્થાની આલબેલ પોકારતી સરકારના ગાલે આ એક મસમોટો તમાચો છે. 

પોલીસ તંત્ર આજે સરકારનું રમકડું બની ગયું છે. સરકારે પોલીસ તંત્રને તટસ્થ રહેવા દીધું નથી. અનેક કેસોમાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યો સીધી રીતે સંડોવાયેલા હોવા છતાં પોલીસ તંત્રને એકશન લેવા માટે છૂટ્ટોદોર આપવામાં આવી રહ્યો નથી. પોલીસ બિચ્ચારી બની ગઈ છે. કરે તો શું કરે? તો પોલીસને કહેવાનું છે કે રાજ્યના કોઈ પણ શહેરમાં સલામતી-શાંતિ જાળવવાનું કામ તમારા શિરે છે. સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું છે ત્યારે પક્ષાપક્ષીના હાથા બનવા કરતા લોક સૌહાર્દના કાર્યા અને લોકહિત, શહેરહિત અને રાજ્યહિતની કાર્યવાહી કરશો તો આપમેળે નઠારા અને બાલિશ તત્વોને ડૂચો વળી જશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp