26th January selfie contest
BazarBit

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો પણ ફાયદો કોને? લઠ્ઠાકાંડ સતત થયા છે

PC: news18.com

 

સતત બીજા દિવસે ગુજરાતમાં દારૂબંધી માટે પ્રશ્નો ઊભા થયા છે. જેમાં ગુજરાતમાં લટ્ઠાકાંડ થયા હોવાની વાત પણ કરવામાં આવી છે. માત્ર દારૂ વેચાય છે એવું નથી, મોટા કહેવાય એવા 1976 પછી 8 મોટા લટ્ઠા કાંડ થયા છે. ઝેરી દેશી શરાબમાં મેથેનોલ રસાયણ નાંખી નશો કરવા માટે આકરો દારૂ બનાવે છે ત્યારે તેનું પ્રમાણ વધી જાય તો દારૂ ઝેરી બની જાય છે અને દારૂ પીનારાઓ ટપોટપ મરવા લાગે છે.

ગુજરાત કદાચ દેશમાં આકરા દારુબંધી કાયદા માટે મોડેલ સ્ટેટ હશે, પરંતુ નશાનો વેપાર અહીં પણ દેશના બીજા રાજ્યોની જેમ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. ગુજરાત પોલીસ સરેરાશ દરરોજ 18,916 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારુ પકડે છે જ્યારે 13 જેટલા વ્યક્તિઓ પ્રત્યેક કલાકે દારુની મહેફીલ માણતા પકડાય છે. તો અધુરું હોય તેમ પ્રત્યેક દિવસે અંદાજીત 12.72 કિલો ગાંજો પણ પકડાય છે. જેમાં 1976 પછી ઝેરી શરાબની મોટી કહી શકાય એવી લઠ્ઠાકાંડની 8 ઘટનાઓ બની છે. જેમાં 750થી વધુ લોકોના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધી છતાં દર કલાકે ગુજરાતમાં 13 જેટલા લોકો દારૂની મહેફીલ માણતા પકડાય છે. પ્રતિદિન 18916 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ પકડાય છે.

દારુબંધીને નિષ્ફળ બનાવવા માટે પોલીસની હપ્તાખોરી જવાબદાર છે. ગૃહખાતું તથા સરકાર પણ આ હપ્તાખોરી પર બ્રેક લગાવવામાં નિષ્ફળ ગઈ છે. પોલીસની રહેમ નજર હેઠળ જ બુટલેગરરાજ ફૂલ્યું-ફાલ્યું છે. બુટલેગરો પોલીસની ઈમાનદારી જાળવી રાખવા માટે મોઢે માંગ્યા હપ્તા આપતા હતા અને આપી રહ્યા છે. આ મલાઈ માણવામાં માત્ર પોલીસખાતું જ નહિ ગૃહખાતું પણ તેમાં સામેલ છે. પણ કમનસીબે ગૃહખાતું 'કમીશન'ની રચના કરી ભૂલકણી પ્રજાને ભૂલાવી દે છે અને પોલીસ ઈન્સ્પેકટ કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહીનું નાટક પણ ભજવે છે.

8 વખત મોટા લઠ્ઠાકાંડ

ગુજરાતમાં આ પહેલા 8 મોટા લઠ્ઠાકાંડ થયા છે. જેની શરૂઆત 1977માં અમદાવાદમાંથી જ થઈ હતી. બધા કાંડમાં 2009 સુધીમાં કુલ 676થી વધુ લોકો અને ત્યાર બાદ મળીને આજ સુધી કુલ 750 લોકો ભોગ બન્યા છે. આ લઠ્ઠાકાંડનો મુદ્દો ગુજરાતની વિધાનસભામાં પણ ગાજ્યો છે.

વિધાનસભામાં હંગામો

6 જુલાઈ 2009ના દિવસે દેશી લઠ્ઠાએ પોતાનો કહેર વરસાવવાની શરૂઆત કરી. બે જ દિવસમાં લાશોનો ઢેર થઈ ગયો. દારૂબંધી છતાં પણ ગુજરાતના ઈતિહાસમાં આ સૌથી મોટો લઠ્ઠાકાંડ સર્જાયો હતો. અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે કલંકરૂપ એવા લઠ્ઠાકાંડ મામલે વિધાનસભામાં ગરમાગરમી સર્જાઈ હતી. અલગ બેઠકને મામલે કોંગી સભ્યોએ હોબાળાં કરી તોડફોડ કરતાં ત્રણ સભ્યો પાસેથી રૂ. 3600 દંડ વસૂલવા અધ્યક્ષે આદેશ કર્યો હતો. સાત ધારાસભ્યોને સત્ર સુધી સસ્પેન્ડ કરાયા હતા.ધારાસભ્યોએ લટ્ઠાકાંડ વિશે વિધાનસભામાં મુદ્દો ઉછાળી અનેક વખત ધમાલ કરી ચૂક્યા છે. સ્પીકરે લઠ્ઠાકાંડની ચર્ચા ન કરવાં દેતાં વિધાનસભામાં અને બહાર ધારાસભ્યો-કાર્યકરો વચ્ચે મારામારી, ખેંચતાણ અને ટીંગાટોળી પણ કરવામાં આવી છે.પૂર્વ અમદાવાદમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.ઓઢવ, અમરાઈવાડી, ઠક્કરનગર, રામોલ અને રખિયાલમાં તોડફોડ કરાઈ હતી. ઝેરી દારૂનો જથ્થો પકડવાને બદલે પોલીસે ટોળા પર લાઠીઓ વરસાવતાં લોકોનો રોષ બેવડાયો હતો. ઓઢવમાં તત્કાલિન ગૃહ રાજ્યપ્રધાનના પૂતળાનું દહન કરાયું હતું.

અમદાવાદ ઓઢવનું તપાસ પંચ

કે.એમ.મહેતાની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી હતી. જેમણે તપાસ કરીને 600 પાનાનો અહેવાલ આપ્યો હતો. જેમાં ગૃહવિભાગને કરેલી ભલામણોમાં દારૂની બનાવટ, દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદેસર થતુ વેચાણ અટકાવવા સહિતના મુદ્દે ભલામણો કરી હતી. જો કે, મહેતા તપાસપંચની ભલામણો કાગળ ઉપર જ રહેવા પામી હતી.

લઠ્ઠાકાંડની ઘટના વખતે શહેરના સંખ્યાબંધ વહીવટદારો (પોલીસ કર્મચારી)ની એક સામટી અમદાવાદ શહેર બહાર બદલી કરવામાં આવી હતી. જેની તપાસ આઈપીએસ અધિકારીને સોંપવામાં આવી હતી. જેમાં વહીવટદારોની બુટલેગરો સાથેની સંડોવણી નીકળી હતી. લઠ્ઠાકાંડની ઘટના બાદ સરકારે કાયદામાં સુધારો કરી હત્યાની કલમ ઉમેરી હતી

ઓઢવમાં સજા

વર્ષ 2009માં અમદાવાદના ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 200 લોકોને આંખો ગુમાવી અને શારીરિક નુકસાન થયું હતું. ખાસ સેશન્સ અદાલતે આપેલા ચૂકાદામાં 3 આરોપીને 10 વર્ષની જેલની સજા અને રૂપિયા 50 હજારનો દંડ અને ત્રણ મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી છે.

સંખેડામાં લઠ્ઠાકાંડનો પડઘો વિધાનસભામાં

2012માં  સંખેડા નજીકના પાણેજમાં લઠ્ઠાકાંડમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ નિપજવાની ઘટનાના પગલે વિધાનસભામાં કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગી સભ્યોએ ગૃહમાં જ ‘બંધ કરો... દારૂના હપ્તા બંધ કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધપક્ષ તરીકે ચર્ચા ન કરવા દેવાતા હંગામો થયો હતો. દેશી શરાબ પીવાથી થયેલા મોત મામલે પોતાનો વિરોધ ચાલુ રાખતાં વિપક્ષ પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં કાચના દરવાજા, બારીઓ તોડી તેમજ દિવાલ ઉપર લગાવાયેલા નેતાઓના ફોટાઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસ સભ્યોએ કાળા કપડા પહેરી સતત ત્રીજા દિવસે સુત્રોચ્ચાર કર્યા હતા અને સદનમાં આ વિષય મામલે બે કલાકની ચર્ચા કરાવવાની માંગ કરી હતી.

સુરતમાં લટ્ઠાકાંડ

સુરતના લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલીમાં લટ્ઠાકાંડ થયો હતો. બે ડઝન લોકોના મોત થતાં પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવીને બુટલેગરો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસે થોડા દિવસ સુધી સખ્તાઇ દાખવી બાદ ફરીથી દારૂના અડ્ડા ધમધમવા લાગ્યા હતા. કોંગ્રેસના બંધના એલાનને ગ્રામજનોનો સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. કાર્યકરોએ સીએમ વિજય રૂપાણીના પૂતળાનો દહન કરવાનો પ્રયાસ કર્યા હતો. પોલીસે સફળ થવા દીધો ન હતો. વિજય રૂપાણી વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. એક અઠવાડિયાથી શંકાસ્પદ લઠ્ઠાકાંડને લઈને દરરોજ બેથી ત્રણ વ્યક્તિના ટપોટપ મોતથી કુલ મૃત્યુઆંક બે ડઝન થઈ ગયો હતો.

હાઈકોર્ટે સરકારને ઝાટકી

સુરતમાં સપ્ટેમ્બર  2016માં લઠ્ઠાકાંડ થયો હતો. સુરત લઠ્ઠાકાંડમાં 19 લોકોના મોત બાદ આ મામલે હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, પીડિત લોકોને કેમ વળતર ચૂકવવામાં નથી આવ્યું? તેમજ દારૂના સોર્સ સુધી પહોંચી તેની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? સુરતમાં 19 લોકોનો ભોગ લેનારા લઠ્ઠાકાંડમાં આરોપી બનાવવામાં આવેલા 5 પોલીસ કર્મચારી સામે કોઇ પુરાવા ન હોવાની સરકારે હાઇકોર્ટ સમક્ષ કબૂલાત કરી હતી. જેના પગલે સી સમરી રિપોર્ટ રજૂ કરવાની વાત સામે આવી હતી. હાઈકોર્ટ સરકારને વેધક સવાલ કર્યો હતો કે, દારૂબંધી માટે કાયદો બનાવાયો છે તો અમલ માટે મજબૂત પગલાં લેવાયા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp