શૌહરાબઉદ્દીન કેસની પણ હરેન પંડ્યા મર્ડર કેસ જેવી કાયદાની કસુવાવડ થશે

PC: legaldesire.com

2003માં ગુજરાત પૂર્વ ગૃહ અને મહેસુલ મંત્રી હરેન પંડ્યાની અમદાવાદના લો ગાર્ડન બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, આ  કેસની પહેલી તપાસ ગુજરાત પોલીસે અને CBI કરી હતી, જેમાં CBI આ દ્વારા દસ કરતા વધુ આરોપીઓને પકડી કોર્ટમાં કેસ મૂક્યો હતો, આ તમામ આરોપીને ટ્રાયલ કોર્ટે સજા કરી પણ ગુજરાત હાઈકોર્ટે CBIની તપાસની ટીકા કરી તમામ આરોપીઓને નિદોર્ષ છોડી મૂક્યા હતા, જો કે ત્યાર બાદ CBI દ્વારા રહસ્યમય રીતે છૂટી ગયેલા આરોપીની સજા કાયમ રહે તે માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ સુદ્ધા કરી નહીં, આમ ભાજપના જ એક મંત્રીની હત્યા થઈ જાય, પણ હત્યા કોણે તે પ્રશ્ન આજ સુધી  વણઉકેલાયો છે. હવે તે દિશામાં ગુજરાત-રાજસ્થાનના પોલીસવાળા અને નેતાઓ દ્વારા જેની હત્યા થઈ તેવા શૌહરાબઉદ્દીન, કૌસરબી અને તુલસીરામ પ્રજાપતિ કેસની સ્થિતિ નિર્માણ થવા પામી છે. આમ આ કેસમાં પણ કાયદાની કસુવાવડ થાય તેવુ દેખાઈ રહ્યુ છે.

2005 અને 2006માં થયેલી ત્રણ હત્યાનો કેસ હવે ઘટનાના 12 વર્ષ પછી મુંબઈમાં શરૂ થયો છે, જો કે કેસ શરૂ થાય તે પહેલા ગુલાબચંદ કટારીયા જેવા દિગ્ગજ નેતાઓ અને ડી જી વણઝારા અને અભયસિંહ ચુડાસમા જેવા સિનિયર આઈપીએસ અધિકારીઓ પોતાની ચામડી બચાવવામાં સફળ થયા અને મુંબઈ CBI કોર્ટ દ્વારા ટ્રાયલ શરૂ થતા પહેલા 16 મોટા માથાઓને ડીસચાર્જ કરી દીધા હતા, ત્રણ ત્રણ હત્યાનો જેમની ઉપર આરોપ છે, તેવા મોટા માથાઓ સામે CBI દ્વારા કોઈ અપીલ પણ કરવામાં આવી નહીં, જો કે હવે તે મામલો મુંબઈ હાઈકોર્ટ સામે પેન્ડિંગ છે. હવે જે 22 પોલીસ અધિકારીઓ આરોપીના પાંજરામાં રહી ગયા તેઓ કોન્સ્ટેબલ, ડ્રાઈવરથી લઈ ઈન્સ્પેક્ટર કક્ષાના છે.

તેનો અર્થ એવો કરી શકાય કે ગુજરાત અને રાજસ્થાન પોલીસના નાના અધિકારીઓ પોતાના સિનિયર અધિકારીઓ અને મંત્રીઓની જાણ બહાર એન્કાઉન્ટરના નામે કોઈની પણ હત્યા કરી નાખતા હતા, અને સિનિયર પોલીસ અધિકારીઓને અને તંત્રને તેની જાણ સુદ્ધા નહોતી,જો કે સૌથી વધારે કફોડી સ્થિતિ  આ નાના પોલીસ અધિકારીઓની થઈ છે, મોટા નેતાઓ અને અધિકારીઓ નીકળી ગયા પછી હવે નાના અધિકારીઓને કોર્ટમાં શું થઈ રહ્યું છે તેની પુચ્છા સુદ્ધા કરતા નથી, ગુજરાત અને રાજસ્થાનના પોલીસ અધિકારીઓ  કોર્ટ બોલાવે ત્યારે સ્વખર્ચે મુંબઈ આવી રહેતા હતા, પરંતુ હવે ટ્રાયલ કોર્ટ દ્વારા તમામ મુદ્દતે તમામ આરોપી પોલીસ અધિકારીઓને કોર્ટમાં હાજર રહેલા ફરમાન કર્યુ છે. ગુજરાત અને રાજસ્થાનથી મુંબઈ જતા આ નાના અધિકારીઓ કોઈ મંદિરની ધર્મશાળાઓમાં જઈ રહે છે.

બીજી તરફ આ કેસની ગંભીર બાબત એવી છે કે શૌહરાબઉદ્દીન કેસમાં પહેલા ગુજરાત પોલીસ અને પછી CBIને સાક્ષી નિવેદન આપનાર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના સાક્ષીઓ કોર્ટમાં પોતાના નિવેદન બદલી રહ્યા છે, જેને કાયદાની ભાષામાં હોસ્ટાઈલ કહેવામાં આવે છે, આમ સાક્ષીઓ જો ફરી જશે તો શૌહરાબ-કૌસર અને તુલસીનું અપહરણ, ગેરકાયદે અટકાયત અને હત્યા કોણે કરી ત્યાં સુધી કોર્ટ પહોંચી શકશે જ નહી, હમણાં સુધી 19 જેટલા સાક્ષીઓએ કોર્ટને કહ્યુ કે CBI દ્વારા જે નિવેદન નોંધવામાં આવ્યું, તે અંગે તેઓ કઈ જાણતા જ નથી. આમ કાયદાનું કામ માત્ર ન્યાય કરવાનું જ નહીં પણ ન્યાય થયો છે તેનો અહેસાસ પણ થાય તે જોવાનું છે,

પરંતુ સ્થિતિ એવી નિર્માણ થઈ છે કાયદો માત્ર નાના અને ગરીબ માણસોને જ સજા આપી શકે છે. જેમની પાસે પૈસા અને સત્તા છે તેમની સામે ન્યાયની દેવી પણ ઘૂંટણીયે પડી જાય છે તેવું સમાજનો મોટો વર્ગ માનવા લાગ્યો છે. મુંબઈ હાઈકોર્ટના નિવૃત્ત જજ અભય થીપ્સે આ કેસમાં જે પ્રકારે કોર્ટ દ્વારા કાર્યવાહી થઈ રહી છે. તે અંગે શંકા વ્યક્ત કરતા અયોગ્ય હોવાની ટીકા પણ કરી છે. પણ જજ થીપ્સે સાહેબ જ્યારે હાઈકોર્ટમાં જજ તરીકે બેસતા હતા ત્યારે તેમણે પ્રોએક્ટિવ નિર્ણય લીધા હોત તો કદાચ કાયદાના ગર્ભમાં ઉછેરી રહેલા જનતાના વિશ્વાસને બચાવી શક્યા હોત.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp